Mon Oct 05 2026

Logo

બેંકિંગ સિસ્ટમમાં રોકડ નિયંત્રિત કરવા RBI નું પગલું, 50,000 કરોડના બોન્ડ વેચ્યા

2026-09-17 20:22:50
Author: Chandrakant Kanoja
બેંકિંગ સિસ્ટમમાં રોકડ નિયંત્રિત કરવા RBI નું પગલું, 50,000 કરોડના બોન્ડ વેચ્યા

નવી દિલ્હી: ભારતીય બેંકિંગ સિસ્ટમમાં વધી રહેલી રોકડ નિયંત્રિત કરવા માટે આરબીઆઈએ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જેમાં આરબીઆઈએ ઓપન માર્કેટ ઓપરેશન્સ( OMO)હેઠળ સરકારી બોન્ડના વેચાણનો પ્રથમ તબક્કો પૂર્ણ કર્યો છે. જેમાં બેંકે 50,000 કરોડ રૂપિયાની બોલી સ્વીકારી હતી. જેના લીધે આટલી રકમ સીધી આરબીઆઈમાં જમા થઇ છે. 

વિવિધ મેચ્યોરિટી ધરાવતા સરકારી બોન્ડ્સનું વેચાણ 

આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આ હરાજીમાં વિવિધ મેચ્યોરિટી ધરાવતા સરકારી બોન્ડ્સનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં 2032માં મેચ્યોર થતા બોન્ડ્સ માટે રૂપિયા 18,840 કરોડની સૌથી વધુ બિડ રકમ સ્વીકારવામાં આવી હતી. જેનો કટ-ઓફ યીલ્ડ 7.0090 ટકા રહ્યો હતો. આ ઉપરાંત વિવિધ મેચ્યોરિટી ના રૂપિયા 12,645 કરોડ અને રૂપિયા 1,005 કરોડ, રૂપિયા 7,005 કરોડ ,રૂપિયા 7,255 કરોડ અને રૂપિયા 3,250 કરોડ  મૂલ્યના બોન્ડ્સ માટેની બિડ પણ સ્વીકારવામાં આવી હતી.

7.38 લાખ કરોડની વધારાની રોકડ 

ઉલ્લેખનીય છે કે, 16 સપ્ટેમ્બર સુધીમાં દેશની બેંકિંગ સિસ્ટમમાં અંદાજે રૂપિયા 7.38  લાખ કરોડની વધારાની રોકડ  જમા થઈ હતી. બેંકિંગ સિસ્ટમમાં ભંડોળના આ નોંધપાત્ર પ્રવાહ પાછળ મુખ્યત્વે બે પરિબળો જવાબદાર હતાં. 

બેંકોએ આરબીઆઈ સાથે આ થાપણો સ્વેપ કરી

જેમાં વિદેશી ચલણની થાપણોમાં નોંધપાત્ર વધારો થયો હતો. તેમજ  મોટી માત્રામાં રૂપિયા મેળવવા માટે બેંકોએ આરબીઆઈ સાથે આ થાપણો સ્વેપ કરી હતી.

રોકડના વધતાં પ્રવાહના લીધે બજારમાં ફુગાવાનું જોખમ

તેમજ સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનની મહિનાના અંતે થતી ચૂકવણીને કારણે પણ સિસ્ટમમાં નોંધપાત્ર માત્રામાં રોકડનો પ્રવાહ આવ્યો હતો. રોકડના  વધતાં પ્રવાહના લીધે બજારમાં ફુગાવાનું જોખમ વધારે છે. જેને નિયંત્રિત કરવા માટે રિઝર્વ બેંકે ઓપન માર્કેટ ઓપરેશન હેઠળ સરકારી બોન્ડ  વેચાણનો સહારો લેવો પડ્યો હતો.