Wed Jun 17 2026

Logo

વિમાનો તોડી પાડવામાં આવ્યા હતા.... એવા ટાણે ભારત-પાક. સાથે વાત કરી યુદ્ધ રોક્યું: ટ્રમ્પ

2026-02-19 22:39:37
Author: Devayat Khatana
Article Image

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ડામવા અંગે કરવામાં આવેલા દાવા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ તેજ બની છે. 'બોર્ડ ઓફ પીસ' ઈવેન્ટમાં સંબોધન કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, પાકિસ્તાની વડાપ્રધાને પોતે સ્વીકાર્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના હસ્તક્ષેપને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટક્યું અને તેનાથી આશરે 2.5 કરોડ લોકોના જીવ બચ્યા છે. ટ્રમ્પના મતે, આ એ સમય હતો જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધ ચરમસીમા પર હતું અને આકાશમાં લડાયક વિમાનો તોડી પાડવામાં આવી રહ્યા હતા.

ટ્રમ્પે આ વિવાદ ઉકેલવા માટે અપનાવેલી પોતાની વ્યૂહરચનાનો ખુલાસો કરતા કહ્યું હતું કે, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાની નેતૃત્વ સાથે સીધી વાતચીત કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે જો બંને દેશો આ મુદ્દાને શાંતિથી નહીં ઉકેલે, તો અમેરિકા બંને સાથેની ટ્રેડ ડીલ રદ કરી દેશે. આટલું જ નહીં, ટ્રમ્પે બંને દેશો પર 200 ટકા ટેરિફ લાદવાની પણ ધમકી આપી હતી. ટ્રમ્પના દાવા મુજબ, જ્યારે આર્થિક નુકસાનની વાત આવી ત્યારે બંને દેશોએ નમતું જોખ્યું અને યુદ્ધનો વિચાર પડતો મૂક્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે સૈન્ય નુકસાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તે સમયે 11 જેટલા અત્યંત મોંઘા જેટ વિમાનો તોડી પાડવામાં આવ્યા હતા. શાંતિના પ્રયાસોને વેગ આપવા માટે તેમણે જાહેરાત કરી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સ 'બોર્ડ ઓફ પીસ' ને 10 બિલિયન ડોલરનું યોગદાન આપશે. આ સાથે જ તેમણે સંયુક્ત રાષ્ટ્રને વધુ મજબૂત બનાવવાની અને તેની સુવિધાઓ સુધારવા માટે આર્થિક મદદ કરવાની પણ ખાતરી આપી હતી.

ટ્રમ્પે વધુમાં ઉમેર્યું હતું કે આગામી સમયમાં સંયુક્ત રાષ્ટ્ર વધુ શક્તિશાળી બનશે અને બોર્ડ ઓફ પીસ તેની કામગીરી પર નજર રાખી તે યોગ્ય રીતે ચાલે તે સુનિશ્ચિત કરશે. તેમણે અગાઉના આઠ યુદ્ધોનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર સાથે સંપર્કમાં રહેશે. આ નવી પહેલ દ્વારા વૈશ્વિક શાંતિ અને સુરક્ષાના માળખાને વધુ સંગીન બનાવવાનો તેમનો લક્ષ્ય છે.