Fri Aug 28 2026

Logo

મિડલ ઈસ્ટમાં યુદ્ધના ભણકારા વચ્ચે ભારત 'એક્શન'માં: વિદેશ મંત્રાલયે કહ્યું- 'યુદ્ધ નહીં, સંવાદ જ એકમાત્ર રસ્તો'

2026-02-28 21:18:00
Author: Devayat Khatana
મિડલ ઈસ્ટમાં યુદ્ધના ભણકારા વચ્ચે ભારત 'એક્શન'માં: વિદેશ મંત્રાલયે કહ્યું- 'યુદ્ધ નહીં, સંવાદ જ એકમાત્ર રસ્તો'

નવી દિલ્હીઃ ઈઝરાયલ, અમેરીકા અને ઈરાનની વચ્ચે ચાલી રહેલી તણાવભરી પરિસ્થિતીના મુદ્દે ભારત સરકારના વિદેશ મંત્રાલય તરફથી પ્રથમ નિવેદન  જાહેર કરવામાં આવ્યું છે. ભારતે તમામ પક્ષોએ ધીરજ રાખવા અને વાતચીત દ્વારા મુદ્દો ઉકેલવા અને તમામ દેશોના સાર્વભૌમત્વનું સન્માન કરવાની પર ભાર મૂક્યો હતો. 

ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષ પર ભારત સરકારના વિદેશ મંત્રાલયે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. મધ્ય-પૂર્વમાં સર્જાયેલી અશાંતિ અંગે નિવેદન આપતા ભારતે તમામ પક્ષોને તાત્કાલિક અસરથી સંયમ જાળવવા અને હિંસા રોકવા અપીલ કરી છે. ભારત સરકારનું માનવું છે કે કોઈપણ વિવાદનો ઉકેલ યુદ્ધના બદલે માત્ર સંવાદ અને રાજદ્વારી માધ્યમો દ્વારા જ લાવવો જોઈએ, જેથી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

વિદેશ મંત્રાલયે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે તમામ દેશોની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન થવું અનિવાર્ય છે. આ દરમિયાન સંઘર્ષના વિસ્તારોમાં રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા માટે સરકાર સતર્ક છે. ત્યાં સ્થિત ભારતીય મિશનો સતત નાગરિકોના સંપર્કમાં છે અને તેમને સ્થાનિક માર્ગદર્શિકાનું પાલન કરવા તેમજ એમ્બેસીના સંપર્કમાં રહેવા માટે જરૂરી એડવાઈઝરી જારી કરવામાં આવી છે.

નોંધનીય છે કે ઇઝરાયેલ અને અમેરિકાએ ઈરાન પર કરેલા તાજેતરના હુમલા બાદ સ્થિતિ ગંભીર બની છે. અહેવાલો મુજબ, ઈરાનમાં એક કન્યા શાળા પર થયેલા પ્રોજેક્ટાઈલ હુમલામાં આશરે 53 જેટલી વિદ્યાર્થિનીઓના મોત થયા છે અને અનેક લોકોના માર્યા જવાની આશંકા છે. આ હુમલા બાદ ઈરાની વિદેશ મંત્રીએ આક્રોશ વ્યક્ત કરતા વળતો જવાબ આપવાની ચીમકી આપી છે, જેના કારણે આખા પ્રદેશમાં મોટા પાયે યુદ્ધ ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.