નવી દિલ્હી : દેશમાં હાલમાં જ સોના ચાંદીના ભાવમાં વિક્રમી વધારો જોવા મળી રહ્યો છે. જોકે, તેના વધારા પાછળ કોઈ ચોક્કસ કારણો ન હોવાનું નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે સરકાર આ ટ્રેન્ડ પર નજીકથી નજર રાખી રહી છે. તેમાં હાલ ચિંતાનો કોઈ વિષય નથી. તેમજ સ્થાનિક બજારમાં સોનાની માંગમાં વધારો સિઝનલ છે.
આયાત પર આધારિત દેશ
કેન્દ્રીય નાણાં મંત્રીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ભારત અન્ય દેશો પાસેથી સોનું ખરીદે છે. આપણે આયાત પર આધારિત દેશ છીએ. બજારમાં આવતું લગભગ બધું જ સોનું આયાત કરેલું હોય છે. અમે જરૂરી પગલાં લીધાં છે. પરંતુ માંગને પહોંચી વળવા માટે પૂરતા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે ભારતમાં સોનાને પસંદગીનું રોકાણ માનવામાં આવે છે. સ્થાનિક બજારમાં સોનાની વધતી માંગ પણ સિઝનલ હોય તેમ લાગી રહ્યું છે.
કેન્દ્રીય બેંકોની ખરીદીના લીધે સોના અને ચાંદીના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો
નાણાં મંત્રીએ કહ્યું કે, અમે આના પર નજર રાખી રહ્યા છીએ. હાલમાં પરિસ્થિતિ ચિંતાજનક નથી. તેમજ ભારતીય રિઝર્વ બેંક પણ સોના અને ચાંદીની સ્થિતિ પર નજર રાખી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે મોટાભાગના દેશો ખાસ કરીને કેન્દ્રીય બેંકો સોના અને ચાંદીની ખરીદી કરી રહી છે. કેન્દ્રીય બેંકોની ખરીદીને કારણે સોના અને ચાંદીના આંતરરાષ્ટ્રીય ભાવ પણ ઝડપથી વધી રહ્યા છે.