નવી દિલ્હી: આજના સમયમાં ખેતી ખૂબ મોંઘી બની રહી છે અને તેની સીધી અસર ખેડૂતોની આર્થિક સ્થિતિ પર થઈ રહી છે. ખેડૂતો દેવાના ભાર હેઠળ ડૂબી રહ્યા છે ત્યારે હવે ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર 31 ડિસેમ્બર 2025 સુધીમાં દેશમાં કૃષિ ક્ષેત્રે ગ્રાઉન્ડ લેવલ ક્રેડિટ (GLC) પ્રવાહ હેઠળ ખેડૂતો પર કુલ બાકી દેવું રૂ. 31,34,807.42 કરોડ સુધી પહોંચ્યું છે.
સંસદમાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે નાબાર્ડ (NABARD) દ્વારા એકત્રિત કરવામાં આવેલા આંકડાઓ દર્શાવ્યા હતા. તે આંકડામાં કુલ દેવામાં પાક ધિરાણનો હિસ્સો આશરે રૂ. 16.34 લાખ કરોડ અને ટર્મ લોનનો હિસ્સો રૂ. 15 લાખ કરોડ જેટલો છે.
રાજ્યવાર સ્થિતિ જોતા તમિલનાડુ રૂ. 5.06 લાખ કરોડના બાકી દેવા સાથે યાદીમાં સૌથી ઉપર છે, ત્યાર બાદ આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રનો નંબર આવે છે. ગુજરાતમાં ખેડૂતો પરનું કુલ બાકી ધિરાણ આશરે રૂ. 1.68 લાખ કરોડ નોંધાયું છે.
કેન્દ્ર સરકારના આંકડાઓ અનુસાર સમગ્ર દેશમાં ખેડૂતોનું કુલ બાકી ધિરાણ રૂ. ૩૧,૩૪,૮૦૭.૪૨ કરોડ છે. આ રકમમાં પાકધિરાણ પેટે રૂ. ૧૬,૩૪,૨૧૯.૦૭ કરોડ અને ટર્મ લોન પેટે રૂ. ૧૫,૦૦,૫૮૮.૩૫ કરોડનો સમાવેશ થાય છે. રાજ્યવાર આંકડાઓનું વિશ્લેષણ કરતા જણાય છે કે તમિલનાડુ રાજ્ય રૂ. ૫,૦૬,૨૯૦.૪૫ કરોડના કુલ ધિરાણ સાથે યાદીમાં પ્રથમ સ્થાને છે.
ત્યાર બાદ આંધ્ર પ્રદેશમાં રૂ. ૩.૭૫ લાખ કરોડથી વધુ અને મહારાષ્ટ્રમાં રૂ. ૩.૦૭ લાખ કરોડથી વધુ દેવું છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ખેડૂતોનું કુલ ધિરાણ રૂ. ૧,૬૮,૪૬૦.૯૩ કરોડ છે, જેમાં પાક ધિરાણનો હિસ્સો રૂ. ૧,૦૫,૦૯૭.૨૫ કરોડ અને ટર્મ લોન રૂ. ૬૩,૩૬૩.૬૮ કરોડ નોંધાયેલ છે.