Fri May 01 2026

Logo

મોસ્ટ વોન્ટેડ એલ મેંચોના મોત બાદ મેક્સિકોમાં હિંસા: ભારતીયો માટે એલર્ટ

Mexico   2026-02-23 08:54:00
Author: Tejas Rajpara
Article Image

મેક્સિકો: મેક્સિકોના ઘણા વિસ્તારોમાં અત્યારે હીંસા ફાટી નીકળી છે. દુનિયાના સૌથી ખતરનાક ગણાતા ડ્રગ તસ્કર ‘એલ મેંચો’ ના મોતના સમાચાર ફેલાતા જ આખા દેશમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે. મેક્સિકોના સૌથી શક્તિશાળી ડ્રગ કાર્ટેલના નેતાના મોત બાદ તેના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા જોખમાઈ છે. આ ગંભીર સ્થિતિને જોતા ભારતીય વિદેશ મંત્રાલય અને મેક્સિકો સ્થિત ભારતીય દૂતાવાસ હરકતમાં આવ્યું છે.

એલ મેંચોના સમર્થકો દ્વારા ઠેર-ઠેર આગચંપી કરવા અને હિંસક પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. પોલીસ અને વહીવટીતંત્ર પર સીધા હુમલાની કોશિશ થઈ રહી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાયું છે. મેક્સિકોની સેના અને સુરક્ષા એજન્સીઓ હાલ વિવિધ સ્થળોએ મોટા ઓપરેશન્સ ચલાવી રહી છે. ખાસ કરીને હાઈવે અને મુખ્ય માર્ગો પર નાકાબંધી કરવામાં આવી હોવાથી પરિવહન પણ ઠપ થઈ ગયું છે.
 

ભારતીય દૂતાવાસે જલિસ્કો સ્ટેટ (ખાસ કરીને પ્યુર્ટો વાલાર્ટા, ચપાલા અને ગ્વાડલહારા), તમાઉલિપાસ, મિચોઆકન, ગુએરેરો અને નુએવો લિયોન જેવા વિસ્તારોમાં રહેતા ભારતીય નાગરિકોને ખાસ સાવચેત રહેવા જણાવ્યું છે. આ વિસ્તારો અત્યારે સંઘર્ષના મુખ્ય કેન્દ્રો છે. દૂતાવાસે સ્પષ્ટ સૂચના આપી છે કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય અને આગામી સૂચના ન મળે ત્યાં સુધી નાગરિકોએ સુરક્ષિત સ્થળે જ રહેવું અને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું.

ભારતીય નાગરિકોની મદદ માટે દૂતાવાસે +52 55 4847 7539 હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં સ્થાનિક સ્તરે 911 પર કોલ કરવા અને સતત સ્થાનિક ન્યૂઝ જોતા રહેવા સલાહ અપાઈ છે. આ ઉપરાંત, પ્રવાસીઓ અને રહેવાસીઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા કે મેસેજ દ્વારા પોતાના પરિવાર અને મિત્રોને પોતાની લોકેશન વિશે અપડેટ આપતા રહે જેથી કોઈ અનિચ્છનીય ઘટનામાં મદદ પહોંચાડી શકાય.