Fri Sep 04 2026

Logo

ભારતની સંરક્ષણ નિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી, 62 ટકાનો વિક્રમી વધારો

2026-04-02 19:25:04
Author: Chandrakant Kanoja
ભારતની સંરક્ષણ નિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી, 62 ટકાનો વિક્રમી વધારો

નવી દિલ્હી: ભારતે સંરક્ષણ નિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી છે. આ અંગે માહિતી આપતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એકસ પર જણાવ્યું હતું કે વર્ષે 2025-26 માં  ભારતની સંરક્ષણ નિકાસ  ₹38,424 કરોડ થઈ છે. જે ગત વર્ષની સરખામણીમાં 62 ટકાનો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2026 માં, સંરક્ષણ નિકાસમાં ₹14,802 કરોડની વૃદ્ધિ નોંધાઈ છે. જે દેશની અદ્યતન ઉત્પાદન ક્ષમતા અને તેના આત્મનિર્ભર સંરક્ષણ ઉદ્યોગની મજબૂતાઈ પર ભાર મૂકે છે.

પાંચ વર્ષમાં સંરક્ષણ નિકાસ લગભગ ત્રણ ગણી વધી

આ અંગે મળતી માહિતી મુજબ સંરક્ષણ નિકાસમાં DPSU (ડિફેન્સ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ) નું યોગદાન 54.84 ટકા રહ્યું છે, જ્યારે ખાનગી ક્ષેત્રનો હિસ્સો 45.16 ટકા છે. ખાનગી ક્ષેત્રે ₹17,353 કરોડના માલની નિકાસ કરી હતી. જ્યારે DPSU એ ₹21,071 કરોડનું યોગદાન આપ્યું હતું. ગત વર્ષોના આંકડાઓ પર નજર કરીએ તો  નાણાકીય વર્ષ 2024 માં સંરક્ષણ નિકાસ ₹21,083 કરોડ અને નાણાકીય વર્ષ 2025 માં ₹23,622 કરોડ હતી. મંત્રાલય અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં સંરક્ષણ નિકાસ લગભગ ત્રણ ગણી વધી છે.

80 થી વધુ દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ

સંરક્ષણ મંત્રાલયે નાણાકીય વર્ષ 2026 માં આ કામગીરીને  સીમાચિહ્નરૂપ ગણાવી હતી. મંત્રાલયે વધુમાં નોંધ્યું છે કે ભારતીય સંરક્ષણ ઉત્પાદનોની વૈશ્વિક સ્વીકૃતિ સતત વધી રહી છે, આ ક્ષેત્ર આંતરરાષ્ટ્રીય પુરવઠા શૃંખલાઓમાં મજબૂત રીતે સંકલિત થઈ રહ્યું છે. નાણાકીય વર્ષ 26 26 સુધીમાં, ભારત 80 થી વધુ દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરી રહ્યું છે.

સંરક્ષણ નિકાસકારોની સંખ્યા128 થી વધીને 145  થઈ

અહેવાલમાં જણાવ્યા મુજબ  સંરક્ષણ નિકાસકારોની સંખ્યા128  થી વધીને 145  થઈ છે. જે 13. 3 ટકાનો વધારો દર્શાવે છે. સંરક્ષણ ઉત્પાદન વિભાગે નિકાસ પ્રક્રિયાઓને સરળ બનાવી છે. તેમજ ઓનલાઈન પોર્ટલને વિસ્તૃત કર્યા છે અને અધિકૃતતા પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરી છે. જેનાથી વૈશ્વિક સ્પર્ધાત્મક પરિદૃશ્યમાં ભારતના સંરક્ષણ ઉદ્યોગને મજબૂત બનાવવામાં આવ્યો છે.