વિજય માલ્યાએ કર્યો કટાક્ષ, કોંગ્રેસ લાલઘૂમ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બેંકોને દેવા માફી ન કરવા આપેલા નિર્દેશ વચ્ચે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ ₹22,000 કરોડથી વધુના દેવાના સમાધાનને માત્ર ₹6.5 કરોડમાં મંજૂરી આપી હતી. એસ્સેલ ગ્રુપ અને ઝી એન્ટરટેઈનમેન્ટના સ્થાપક સુભાષ ચંદ્રાને દેવાની માત્ર 0.1 ટકા રકમ ભરવાની આપેલી મંજૂરીના
પગલે બેંકોને મોટાપાયે નુકસાન સહન કરવાનું આવશે. જેને ભારતની સૌથી મોટી લોનમાફી ગણવામાં આવી રહી છે.
બેંકિંગ અને કોર્પોરેટ ક્ષેત્ર ચોંકી ઉઠ્યું
NCLT ના આ નિર્ણયથી સમગ્ર બેંકિંગ અને કોર્પોરેટ ક્ષેત્ર ચોંકી ઉઠ્યું છે. કારણ કે ધિરાણકર્તાઓએ તેમના લગભગ બધા બાકી લેણાં અસરકારક રીતે માફ કરવા પડ્યા છે.
NCLTના ત્રીજા સભ્યએ માફી યોજનાને મંજૂરી આપી
આ અંગે મળતી માહિતી મુજબ NCLT ન્યાયિક સભ્ય નિલેશ શર્માએ ટ્રિબ્યુનલના ત્રીજા સભ્ય તરીકે મંગળવારે નાદારી અને બેન્કરપ્સી કોડ (IBC)ની કલમ 114 હેઠળ સમાધાન યોજનાને મંજૂરી આપી હતી. સૂચિત વસૂલાત અત્યંત ઓછી હોવાનું કહીને યોજના મંજૂર ન થવી જોઈએ તેવી માગણી કરનારી બેંકો અને એનબીએફસીના વાંધાને તેમણે ફગાવી દીધા હતા.
NCLTની બે સભ્યોની બેન્ચે અલગ-અલગ અભિપ્રાય આપ્યા હતા
આ પૂર્વે NCLTની બે સભ્યોની બેન્ચે અલગ-અલગ અભિપ્રાય આપ્યા હતા. આ પછી, ટ્રિબ્યુનલના અધ્યક્ષે મતભેદોના સમાધાન માટે શર્માને ત્રીજા સભ્ય તરીકે નિયુક્ત કર્યા. LIC હાઉસિંગ ફાઇનાન્સની આગેવાની હેઠળના ધિરાણકર્તાઓના જૂથે આ યોજનાનો વિરોધ કર્યો હતો અને તેને અવ્યવહારુ અને ગેરકાયદે ગણાવ્યો હતો.
જોકે, ઝી એન્ટરટેઈનમેન્ટના સ્થાપક સુભાષ ચંદ્રા પર NCLT દ્વારા ₹22,006 કરોડના મોટા દેવાને માત્ર ₹6.5 કરોડ માં પતાવટ કરવાની મંજૂરી આપ્યા બાદ લીકર કિંગ વિજય માલ્યાએ કટાક્ષ કર્યો છે.
મારા મિત્ર સુભાષને ખૂબ ખૂબ અભિનંદન
તેમણે એક્સ પર લખ્યું કે જો આ સાચું હોય, તો મારા મિત્ર સુભાષને ખૂબ ખૂબ અભિનંદન... બેંકો અને સરકારે પોતે સ્વીકાર્યું છે કે તેમણે મારા ₹6,203 કરોડના દેવા સામે મારી પાસેથી ₹14,100 કરોડ વસૂલ કર્યા છે. જ્યારે ઘણા અન્ય દેવાદારોએ નજીવી રકમ ચૂકવીને તેમના દેવાનું સમાધાન કર્યું છે.