અમદાવાદઃ ગુજરાતમાં 17 ફેબ્રુઆરીના રોજ ફાઈનલ મતદાર યાદી જાહેર થઈ હતી. જેમાં કુલ 4,40,30,725 મતદારો નોંધાયા હતા. મુસદ્દા યાદીની સરખામણીએ આખરી યાદીમાં અંદાજે 5.60 લાખ નવા નાગરિકોનો ઉમેરો થયો હતો. અંતિમ મતદાર યાદી અનુસાર રાજ્યની 182 વિધાનસભા બેઠકો પૈકી 11 બેઠકો પર 1000 પુરુષો દીઠ મહિલા મતદારોની સંખ્યા વધારે છે. સાડા ત્રણ મહિનાની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા બાદ આ ડેટા સામે આવ્યો હતો.
જે 11 બેઠકો પર પુરુષો કરતાં મહિલા મતદારોની સંખ્યા વધારે છે તેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અનુસૂચિત જનજાતિ બેઠકો છે. આ ઉપરાંત બિન આદિવાસી શહેરી મતવિસ્તારો એલિસબ્રિજ (અમદાવાદ) અને નવસારી પણ સામેલ છે.
આ બેઠકો પર મહિલા મતદારોની સંખ્યા વધુ
- વ્યારા (ST): 1063
- મહુવા (ST): 1057
- નિઝર (ST): 1044
- માંડવી (ST): 1044
- વાંસદા (ST): 1031
- નવસારીઃ 1017
- દેવગઢ બારીયાઃ 1009
- ગણદેવી (ST): 1008
- એલિસબ્રિજઃ1003
- ધરમપુર (ST): 1002
- ડેડિયાપાડાઃ (ST): 1001
ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં વસ્તી સ્થિર છે અને પુરુષોના સ્થળાંતરનું પ્રમાણ ઓછું છે. જેથી ત્યાં મહિલા મતદારોની સંખ્યા વધારે છે.

સૂત્રોએ જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાંથી થતું સ્થળાંતર પણ શહેરી મતદારોના વસ્તીવિષયક માળખાને પ્રભાવિત કરે છે. અધિકારીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સેક્સ રેશિયો અસંતુલિત છે, જે સુરત અને અમદાવાદમાં જોવા મળતા નીચા જાતિ પ્રમાણ માટે જવાબદાર હોઈ શકે છે, કારણ કે આ પ્રદેશોમાંથી મોટી સંખ્યામાં સ્થળાંતરિત વસ્તી આ શહેરોમાં વસવાટ કરે છે.
ઔદ્યોગિક વિસ્તારોમાં મહિલા મતદોરની સંખ્યા ઓછી
ઔદ્યોગિક વિસ્તારમાં મહિલા મતદારોની સંખ્યા ઓછી નોંધાઈ હતી. સુરતના કારંજમાં 846, રાપરમાં 871, લિંબાયતમાં 874, ધંધુકામાં 874 અને ઉધનામાં 878 મહિલા મતદારો નોંધાયા હતા. જેની પાછળનું કારણ શ્રમ આધારિત સ્થળાંતર છે. આ વિસ્તારમાં પુરુષો કામ માટે સ્થળાંતર કરીને આવ્યા છે અને સ્થાનિક યાદીમાં નામ નોંધાયેલા છે, જ્યારે તેમના પરિવારો અન્યત્ર રહે છે.
અમદાવાદમાં એલિસબ્રિજ બેઠક શહેરી વલણથી અલગ તરી આવી હતી. અધિકારીઓએ ગુલબાઈ ટેકરા જેવા સ્લમ વિસ્તારો અને નવરંગપુરા વોર્ડના કેટલાક ભાગો તરફ ધ્યાન દોર્યું હતું, જ્યાં મહિલા મતદારો (ખાસ કરીને સિનિયર સિટીઝન) ની સંખ્યા વધુ છે. સૂત્રોએ જણાવ્યું કે, એક કારણ વિદેશ અથવા અન્ય રાજ્યોમાં સ્થાયી થયેલા યુવાનો પણ હોઈ શકે છે, જેના કારણે સ્થાનિક મતદાર યાદીમાં મહિલાઓનું પ્રમાણ વધ્યું છે. નવસારીમાં NRI પરિવારો અને વસ્તીવિષયક સ્થિરતાને કારણે મહિલાઓની સંખ્યા વધુ જોવા મળી છે.