મોરબીઃ જિલ્લાના જેતપર ગામમાં વીજ લાઈન અને પોલ નાખવાના કારણે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે અન્ય ગામોમાં પણ શરૂ થયું છે. આંદોલન અંતર્ગત મોરબી જિલ્લાના 29 ગામોમાં ભાજપના બહિષ્કારના બેનર લાગ્યા છે. જેમાં લોકોએ ચૂંટણીમાં ભાજપના નેતાઓએ મત માંગવા આવવું નહીં તેમ લખવામાં આવ્યું છે. જેના કારણે ભાજપના નેતાઓની ચિંતા વધી ગઈ છે.
કયા ગામોમાં લાગ્યા બેનર
વાઘપર, જીકીયારી, વિશાલનગર, ખીરઈ, રોહીશાળા, શાપર, જસમતગઢ, રંગપરુ, બેલા, પીપળી, લક્ષ્મીનગર, નવા સાદુળકા, ભરતનગર, ધરમપુર, ટીંબડી, હરીપર, કેરાળા, ભક્તિનગર, કુંભારિયા, રવાપર (નદી), દાદાશ્રીનગર, રોટરી ગામ (અમરનગર), કૃષ્ણનગર, ગુંગણ, ગાળા, પીલુડી, નવા દેવળિા, જબલપુર
ખેડૂતોના વિરોધ અને લાંબા સમયની માંગણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે વીજ ટાવર અને ટ્રાન્સમિશન લાઇનની કામગીરી માટે જમીન સંપાદન અથવા નુકસાની પેટે ચૂકવવામાં આવતા વળતરમાં ઐતિહાસિક વધારો કર્યો હતો. જે મુજબ અસરગ્રસ્ત ખેડૂતોને જૂના જંત્રી દરના બદલે પ્રવર્તમાન બજાર ભાવના આધારે બમણું વળતર ચૂકવવાનો નિર્ણય લેવાયો હતો. નવા ઠરાવ મુજબ, ટાવર બેઝ વળતર માટે માર્કેટ રેટ કમિટી (MRC) દ્વારા જમીનની જે બજાર કિંમત નક્કી કરવામાં આવશે, તેના બે ગણા જેટલી રકમ ખેડૂતોને ચૂકવવામાં આવશે. વધુમાં, આ વળતરની ગણતરી કરતી વખતે ખેડૂતોને મહત્તમ લાભ મળે તે માટે માત્ર ટાવરના ચાર પાયાની જગ્યા જ નહીં, પરંતુ પાયાના વાસ્તવિક વિસ્તાર ઉપરાંત ચારેય બાજુ 1 મીટરનો વધારાનો વિસ્તાર પણ ધ્યાને લેવામાં આવશે. ઉપરાંત પરિપત્રમાં અન્ય કેટલીક બાબતોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ખેડૂતોના કહેવા પ્રમાણે એસડીએમ અને ડીવાયએસપી જે પત્ર લઈને આવ્યા હતા તેનું વાંચન કર્યા બાદ અમે તેનો અસ્વીકાર કર્યો છે. અમે સરકાર અને ઉર્જા વિભાગ પાસે માંગ કરી છે કે અમારી 6 મુદ્દાની જે રજૂઆત છે, તેમાં સરકાર કયા મુદ્દાઓ 100 ટકા સ્વીકારે છે અને કયા મુદ્દાઓમાં ફેરફાર કરવા માંગે છે તેનું લેખિત જવાબ કે વિવરણ આપે.
આંદોલનમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ પણ છે સક્રિય
મોરબીના જેતપરમાં છેલ્લા થોડા દિવસોથી ખેતરોમાં વીજપોલ નાખવાને લઈ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. જેમાં રાજ્ય સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા પણ સક્રિય છે. આંદોલન દરમિયાન તેઓ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા. આ દરમિયાન મોરબીની ટીંબડી ગામના પાટીયા પાસે તેમની માલિકીના ભરડીયામાં ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી હતી. તેમજ નોટિસ આપીને રોયલ્ટની પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું. આ ઘટના બાદ રાકેશભાઈ અમૃતિયાએ જેતપર ગામે ખેડૂત આંદોલન છાવણીમાં પહોંચ્યા હતા અને સરકારના મંત્રીઓના ઝભ્ભા ફાડો, 108માં ઘાલો તેવું નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે જિલ્લાના પૂર્વ કલેકટર માટે પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.