Tue Aug 18 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ઈમરાન જેલમાં ગુજરી જાય તો પાકિસ્તાનમાં રમખાણો થઈ જાય

2026-08-13 09:12:00
Author: Bharat Bharadwaj
Article Image

 

ભરત ભારદ્વાજ

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાન ગુજરી ગયા હોવાનો ફરી એક વાર દાવો કરાતાં સનસનાટી મચી છે. વરિષ્ઠ પાકિસ્તાની પત્રકાર વજાહત એસ. ખાને દાવો કર્યો છે કે, ઇમરાન ખાન જેલમાં જ ગુજરી ગયો છે પણ બબાલ ના થઈ જાય એટલે પાકિસ્તાનની સરકાર જાહેરાત કરતી નથી. 

વજાહતે તો એવો દાવો પણ કર્યો છે કે, પાકિસ્તાની લશ્કરના ત્રણ અધિકારીઓએ ઈમરાન ઉપર પહોંચી ગયો હોવાની વાતને સમર્થન આપ્યું છે. વજાહતનો વીડિયો સોશ્યલ મીડિયા પર ફરી રહ્યો છે તેમાં ઈમરાન ગુજરી ગયો હોવાનું ત્રણ અધિકારીએ કહ્યું હોવાનું કહે છે. 

વજાહત સાથે સાથે ચોખવટ પણ કરે છે કે, અધિકારીઓએ સત્તાવાર રીતે આ માહિતી નથી આપી પણ અંગત રીતે આ માહિતી આપી છે. વજાહતનો દાવો છે કે, રાવલપિંડીમાં આવેલા પાકિસ્તાનના લશ્કરી હેડક્વાર્ટરના અધિકારીઓએ પોતાને આ માહિતી આપી છે. પાકિસ્તાનની જેલોમાં જ નહીં પણ બીજે ક્યાંય પણ શું બને છે તેની રજેરજ માહિતી પાકિસ્તાની હેડક્વાર્ટરને મળતી રહે છે તેથી આ વાતોને સાવ ખોટી ના માની શકાય. વજાહતે એ પણ કબૂલ્યું છે કે, આ વાત પોતે આંખે જોઈ નથી પણ માત્ર કાને સાંભળી છે. 

સ્વાભાવિક રીતે જ અંગત રીતે અપાયેલી માહિતીમાં માહિતી આપનાર અધિકારી કોણ છે તેમનાં નામ જાહેર ન જ કરાય તેથી વજાહત ખાનની વાતમાં કેટલો દમ છે એ મોટો સવાલ છે. સોશિયલ મીડિયા પર તમે કોઈ પણ ગપ્પું ચલાવી દો પછી તેનો કોઈ ખુલાસો કરવાનો હોતો નથી કે જવાબ આપવાનો હોતો નથી પણ આ ગપ્પાના કારણે રાતોરાત સોશિયલ મીડિયા પર જાણીતા થઈ જવાય છે તેથી વજાહત ખાને પણ રાતોરાત પ્રસિદ્ધિ માટે ઈમરાનના મોતનું પડીકું ફરતું કરી દીધું હોય એવી પૂરી શક્યતા છે. 

ઈમરાન ખાન ભલે પાકિસ્તાનનો વડા પ્રધાન બન્યો હોય પણ એ ઈન્ટરનેશનલ સેલિબ્રિટી છે તેથી તેના મોતના સમાચારમાં આખી દુનિયાને રસ પડે તેથી પાકિસ્તાનમાં જેનો કોઈ ભાવ નથી પૂછતું એ વજાહત ઈન્ટરનેશનલ લેવલે જાણીતો થઈ ગયો છે. આ કારણે પણ વજાહતે ઈમરાનના મોતની વાત રમતી કરી હોય એ શક્ય છે. સામે પાકિસ્તાન સરકાર આ મામલે ચૂપ છે ને આર્મી પણ કશું બોલતી નથી. ઈમરાન ખાન જેલમાં સહીસલામત છે એ સાબિત કરે એવા કોઈ પુરાવા પણ સરકારે મૂક્યા નથી કે કહેવા ખાતર પણ કોઈ ચોખવટ કરી નથી તેથી ઈમરાન ખરેખર ગુજરી ગયો હોય એ પણ શક્ય છે. 

ઈમરાન ખાન 2023ના ઓગસ્ટથી જેલમાં બંધ છે. આ ત્રણ વરસ દરમિયાન ઈમરાન ખાનનું મોત થયું હોવાની વાતો બહુ વાર ચાલી છે પણ દરેક વાર ખોટી પડી છે. છેલ્લે 2025ના ડિસેમ્બરમાં ઈમરાન ગુજરી ગયો હોવાની વાતો ચાલી હતી. આ વાતોના મૂળમાં ઈમરાન ખાનના પુત્ર કાસિમ ખાને એક્સ પર મૂકેલી પોસ્ટ હતી. 

કાસિમ પિતાને મળવા માટે મંજૂરી માગ્યા કરતો હતો પણ લાંબા સમય સુધી મુલાકાતની મંજૂરી ન મળતાં કાસિમ ખાને એક્સ પર પોસ્ટ મૂકીને પોતાના પિતાના જીવિત હોવાનો પુરાવો આપવાની માગણી કરી હતી. મીડિયાના એક વર્ગે તેનું એવું અર્થઘટન કર્યું કે, ઈમરાનને જેલમાં જ પતાવી દેવાયો હોવાથી તેના દીકરાને પણ મળવાની મંજૂરી નથી અપાતી.

મીડિયાએ આ વાતને ચગાવી એટલે ઈમરાનની પાર્ટી પીટીઆઈ મેદાનમાં આવી ગઈ. પીટીઆઈએ ઈમરાન જીવતો હોવાના પુરાવા માંગીને દેખાવો શરૂ કર્યા. આ દેખાવોના ભાગરૂપે પીટીઆઈએ ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર વકીલો ખડકી દઈને દેકારો કરાવડાવી દીધો હતો.  ઈમરાન ખાનને એકાંતમાં રાખીને અને કોઈને પણ નહીં મળવા દઈને માનવાધિકારોનો ભંગ કરાઈ રહ્યો હોવાની ફરિયાદ પણ વકીલોએ કરી હતી.  

પીટીઆઈએ અડિયાલા જેલની બહાર પણ હજારો કાર્યકરોને ખડકી દીધા હતા. સરકાર પહેલાં પીટીઆઈના નેતાઓને ગણકારતી નહોતી પણ દેકારો વધ્યો એટલે છેવટે નમવું પડ્યું. સરકારે ઈમરાનનાં બહેન ડો. ઉઝમા ખાનને જેલમાં મળવાની મંજૂરી આપી હતી. ડો. ઉઝમા જેલમાં ઈમરાનને મળ્યાં અને બહાર આવીને જાહેરાત કરી કે, ઈમરાન સલામત છે ત્યારે સૌને હાશકારો થયેલો અને સૌ વેરાઈ ગયેલાં. 

અત્યારે પણ પીટીઆઈએ દેકારો ચાલુ કરી દીધો છે અને નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. કેટલાંક શહેરોમાં દેખાવો પણ શરૂ થઈ ગયા છે પણ આ દેખાવો ઉગ્ર નહીં બને ત્યાં લગી સરકાર સળવળે એવી આશા રાખવા જેવી નથી. પીટીઆઈએ પહેલાંની જેમ લાખો કાર્યકરોને રસ્તા પર ઉતારવા પડે, એ સિવાય સરકાર કશું કરે એ વાતમાં માલ નથી. 

વજાહતે ઈમરાન કઈ રીતે ગુજરી ગયો એ વિશે કશું કહ્યું નથી પણ ઈમરાન જેલમાં ગુજરી જાય તો તેના સમર્થકો એવું જ કહેવાના કે, સરકારે તેને પતાવી દીધો હશે. ઈમરાન અત્યારે 70 વર્ષથી વધારે ઉંમરનો છે. જેલની બહાર હતો ત્યારે કડેધડે હતો ને એકદમ ફિટ લાગતો હતો પણ જેલ ભલભલાંને ઢીલા કરી નાંખે છે એ જોતાં ત્રણ વરસમાં તેની તબિયત કેવી હશે એ કહેવું મુશ્કેલ છે. ઈમરાન માટે તો જેલની જીંદગી બહુ દુષ્કર છે કેમ કે ઈમરાન તો ધનિક જાગીરદાર પરિવારનો નબીરો છે. એકદમ સુખસાહ્યબી અને અય્યાશીમાં જીવ્યો છે તેથી જેલની જિંદગી તેને માફક ના આવી હોય ને ત્રણ વરસમાં સાવ ખખડી ગયો હોય એ શક્ય છે.

આ કારણે ઈમરાન કુદરતી મોતે મરે એ શક્યતા પણ છે પણ તેના સમર્થકો આ વાત ના માને. ઈમરાન હાલના પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનિર બંનેનો દુશ્મન છે તેથી સૌથી પહેલાં આ બંને સામે જ આંગળી ચીંધવામાં આવે. આ કારણે ઈમરાન ગુજરી ગયો હોવાની વાત પર ઢાંકપિછોડો કરાતો હોવાની શક્યતા પણ છે જ. 

આપણને સત્ય ખબર નથી પણ ખરેખર ઈમરાન ગુજરી ગયો હશે તો પાકિસ્તાનમાં મોટું દંગલ થઈ જશે તેમાં શંકા નથી. ઈમરાનને કાવાદાવા કરીને ભલે સત્તામાંથી હટાવી દેવાયો હોય તેની લોકપ્રિયતા હજુ પણ ભારે છે. આ કારણે પાકિસ્તાનમાં તો રમખાણો થઈ જ જાય ને એ કારણે શરીફ સરકાર ડરતી હોય એ શક્ય છે. 

આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઈમરાનનો સમર્થક વર્ગ બહુ મોટો છે તેથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પડઘા પડે. પાકિસ્તાન આમ પણ માનવાધિકારોના મુદ્દે વગોવાયેલું છે ને તેમાં ભૂતપૂર્વ વડા પ્રધાન જેલમાં ગુજરી જાય તો તો ફજેતો થઈ જાય તેથી પાકિસ્તાન સરકાર વાત બહાર ના પાડતી હોય એ શક્ય છે.