- નરેન્દ્ર કુમાર
કારકિર્દીની દોડ હવે માત્ર ડિગ્રી અને માર્ક્સ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે અનુભવ વિશે પણ છે, જે ઉમેદવારને ભીડથી અલગ તારવે છે. આવા સમયમાં ઇન્ટર્નશિપ એ માત્ર એક સામાન્ય વિકલ્પ નહીં પણ ગેમચેન્જર બનીને ઊભરી છે. કારકિર્દીની દૃષ્ટિએ ઇન્ટર્નશિપ એવું મંચ છે જ્યાં વિદ્યાર્થીઓ પુસ્તકોની મર્યાદાઓમાંથી બહાર નીકળીને વાસ્તવિક દુનિયાના પડકારોનો સામનો કરે છે. ઇન્ટર્નશિપ ફક્ત કામ નથી શીખવતી, પરંતુ તે એવી સમજણ પણ આપે છે કે વ્યાવસાયિક જગતમાં કેવી રીતે વિચારવું, કેવી રીતે જાતે નિર્ણયો લેવા અને કેવી રીતે ભીડમાં પોતાની જાતને સૌથી અલગ સાબિત કરવી? ધ્યાન રાખો, આજે કંપનીઓ માત્ર જ્ઞાન જ નહીં પણ તેને ઉપયોગ કરવાની ક્ષમતા પણ જુએ છે અને આ ક્ષમતા ઇન્ટર્નશિપ દ્વારા જ પ્રાપ્ત થાય છે. આજ કારણ છે કે હવે ફ્રેશરની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. જે વિદ્યાર્થીઓ પહેલાંથી જ કાર્ય-અનુભવ મેળવી ચૂક્યા છે તેઓ મોખરે છે. આ બદલાતા પરિદૃશ્યમાં ઇન્ટર્નશિપ એ કેરિયરની માત્ર પહેલી સીડી નથી, પરંતુ તે એક મજબૂત પાયો બની ગઈ છે, જેના પર આજકાલ સફળતાની આખી ઇમારત ઊભી થાય છે.
આજે જૉબ-માર્કેટ સંપૂર્ણપણે સ્કિલ આધારિત બની ગયું છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ઑટોમેશન અને ડિજિટલ ટ્રાન્સફૉર્મેશનને કારણે આજે કામ કરવાની તમામ પદ્ધતિઓ બદલાઈ ગઈ છે. હવે કંપનીઓ એવા ઉમેદવારો ઇચ્છે છે જે પહેલા દિવસથી જ કામ સંભાળી શકે અને આ ઇન્ટર્નશિપ દ્વારા જ શક્ય બને છે. વાસ્તવમાં, ઇન્ટર્નશિપ એ થિયરી અને પ્રૅક્ટિકલ વચ્ચે બ્રિજનું કામ કરે છે. કૉલેજમાં શીખેલી બાબતો જ્યારે વાસ્તવિક દુનિયાના પ્રોજેક્ટ્સમાં લાગુ કરવામાં આવે છે ત્યારે જ ખરેખર તેનું મૂલ્ય સમજાય છે. તેથી જ આજકાલ ઇન્ટર્નશિપ વગર ફ્રેશર હોવું એટલે અનપ્રિપેયર્ડ હોવા સમાન છે. જો તમે ઇન્ટર્નશિપ કરી હોય તો તેનો અર્થ એ છે કે તમારી પાસે કાર્યસ્થળનો અનુભવ છે, તમે ટીમમાં કેવી રીતે કામ કરવું તે જાણો છો અને ચોક્કસ સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવાનું મહત્ત્વ પણ સમજો છો. એટલા માટે જ માત્ર એક ફ્રેશર અને ઇન્ટર્નશિપ કરેલા ફ્રેશર વ્યક્તિ વચ્ચે મોટો તફાવત છે.
ઇન્ટર્નશિપ માત્ર કામ શીખવાનું માધ્યમ નથી, પરંતુ એક રીતે આ કામની પાયાની જાણકારીઓ શીખવવા ઉપરાંત નેટવર્કિંગનો પણ મજબૂત માર્ગ છે. જ્યારે તમે કોઈ કંપનીમાં ઇન્ટર્નશિપ કરો છો ત્યારે ત્યાંના પ્રોફેશનલ્સ, મૅનેજર્સ અને સહકર્મીઓ સાથે તમે સંપર્કમાં આવો છો.
વાસ્તવમાં આ જ સંપર્ક ભવિષ્યમાં રેફરન્સ બની શકે છે અને તમને જૉબ અપાવી શકે છે અથવા કોઈ નવા અવસરના દરવાજા ખોલી શકે છે. આજના સમયમાં તમે કોને જાણો છો તે પણ એટલું જ મહત્ત્વનું બની ગયું છે, જેટલું તમે શું જાણો છો મહત્ત્વનું છે. ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં સ્ટાર્ટઅપ કલ્ચરે ઇન્ટર્નશિપની વૅલ્યુમાં અનેકગણો વધારો કરી દીધો છે. સ્ટાર્ટઅપ્સમાં કામનું ક્ષેત્ર વિશાળ હોય છે, જવાબદારીઓ વહેલી અને વિવિધ પ્રકારની મળે છે, જેનો અર્થ એ છે કે શીખવાની ગતિ ઝડપી બને છે. કોઈ સ્ટાર્ટઅપમાં, ઇન્ટર્ન માત્ર સહાયક તરીકે જ નહીં, પરંતુ ટીમના મુખ્ય સભ્ય તરીકે પણ કામ કરે છે. આ જ કારણ છે કે ઘણીવાર ઇન્ટર્નશિપમાંથી સીધા જ ફુલટાઇમ જૉબ ઑફર પણ મળી જતી હોય છે.
કોવિડ પછી ઇન્ટર્નશિપની દુનિયામાં એક મોટો બદલાવ આવ્યો છે, અને તે છે રિમોટ અને ઑનલાઇન ઇન્ટર્નશિપ. હવે વિદ્યાર્થીઓ માટે એ જરૂરી નથી રહ્યું કે તેઓ કોઈ મહાનગરમાં જઈને જ ઇન્ટર્નશિપ કરે, પરંતુ આ અનુભવ તેઓ પોતાનાં નાનાં શહેરો, કસબાઓ કે ગામડાંઓમાંથી પણ મેળવી શકે છે. ઇન્ટર્નશિપની તકો ફક્ત સ્થાનિક કંપનીઓ સુધી મર્યાદિત નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં પણ આજે ઇન્ટર્નશિપની ભરપૂર તકો ઉપલબ્ધ છે. તમે કોઈ પણ આંતરરાષ્ટ્રીય કંપની સાથે ઇન્ટર્નશિપ માટે પ્રયત્ન કરી શકો છો અને તેમની સાથે ફ્રીલાન્સ પ્રોજેક્ટ્સ પર કામ કરી શકો છો. આનાથી તમને બેવડો ફાયદો થશે, કામનો અનુભવ તો મળશે જ, સાથે ગ્લોબલ એક્સપોઝર પણ પ્રાપ્ત થશે. સૌથી મોટી વાત એ છે કે, ક્યાંય પહેલાં નોકરી કર્યા વગર પણ તમારું રિઝ્યુમ સામાન્ય ફ્રેશર કરતાં વધુ મજબૂત બનશે, કારણ કે આજની તારીખમાં સ્માર્ટ રિઝ્યુમનો અર્થ માત્ર ડિગ્રીઓ દર્શાવવી એવો નથી, પરંતુ તેમાં સામેલ પ્રોજેક્ટ્સ અને ઇન્ટર્નશિપ પણ મહત્ત્વનાં પાસાં તરીકે ઊભરી આવ્યાં છે. જો તમારી પાસે ઇન્ટર્નશિપનો અનુભવ છે, વાસ્તવિક પ્રોજેક્ટ્સનું પોર્ટફોલિયો છે અને પ્રૉબ્લેમ-સૉલ્વિંગની ક્ષમતા છે તો તમે કોઈ પણ કંપની માટે પહેલા દિવસથી જ મહત્ત્વના કર્મચારી સાબિત થઈ શકો છો. એટલે કે, આજે સારા કેરિયર માટે ઇન્ટર્નશિપ એક અત્યંત જરૂરી સાધન બની ગઈ છે.
ઇન્ટર્નશિપ માત્ર ટક્નિકલ કૌશલ્ય જ નથી શીખવતી, તે જીવન માટે જરૂરી સૉફ્ટ સ્કિલ્સ પણ વિકસાવે છે. કૉમ્યુનિકેશન, ટાઇમ મૅનેજમેન્ટ, ટીમવર્ક અને પ્રોફેશનલ એપ્ટિટ્યુડ આ એવા ગુણો છે જે કોઈ પણ નોકરીમાં લાંબા સમય સુધી તમારી સફળતા સુનિશ્ર્ચિત કરે છે. આ બાબતો માત્ર પુસ્તકો દ્વારા શીખી શકાતી નથી. ઘણીવાર વિદ્યાર્થીઓ માટે એ નક્કી કરવું મુશ્કેલ હોય છે કે તેઓ આખરે કયા ક્ષેત્રમાં કરિયર બનાવે, ઇન્ટર્નશિપ તેમને આ સમજવામાં મદદ કરે છે. અને ઇન્ટર્નશિપ માત્ર વિદ્યાર્થીઓ કે ફ્રેશર્સ માટે જ મહત્ત્વની નથી, તે કંપનીઓ માટે પણ એટલી જ ઉપયોગી છે. કંપનીઓ પણ ઇન્ટર્નશિપ દ્વારા ખૂબ જ ઓછા ખર્ચે પ્રતિભાને પારખી શકે છે. તેઓ ભવિષ્યના કર્મચારીઓને ટ્રેનિંગ આપી શકે છે અને તેમની જરૂરિયાત મુજબ તેમનામાં સ્કિલ વિકસાવી શકે છે. કુલ મળીને ઇન્ટર્નશિપ આજે એટલા માટે ખૂબ મહત્ત્વની છે કારણ કે -
આના દ્વારા નોકરી મેળવતાં પહેલાં વાસ્તવિક કાર્ય-અનુભવ મળે છે.
મજબૂત રિઝ્યુમ વધુ સારી પસંદગીની શક્યતાઓ વધારે છે.
ઇન્ટર્નશિપ કરવાથી વ્યાવસાયિક નેટવર્કિંગની તક મળે છે.
ઇન્ટર્નશિપ કારકિર્દીની દિશા નક્કી કરવામાં અને સૉફ્ટ અને ટેક્નિકલ કૌશલ્યો વિકસાવવામાં મદદ કરે છે.
સારી ઇન્ટર્નશિપ તમને પ્રી-પ્લેસમેન્ટ ઑફર મેળવવાની તક આપે છે.