Tue Sep 15 2026

Logo

PM મોદીની અપીલની અસર: સી. આર. પાટીલે પ્રોટોકોલ તોડ્યો, હવે કાફલામાં પાયલોટ-એસ્કોર્ટ ગાડીઓ નહીં જોવા મળે!

2026-05-12 16:48:48
Author: Devayat Khatana
PM મોદીની અપીલની અસર: સી. આર. પાટીલે પ્રોટોકોલ તોડ્યો, હવે કાફલામાં પાયલોટ-એસ્કોર્ટ ગાડીઓ નહીં જોવા મળે!

નવી દિલ્હીઃ પહેલા હૈદરાબાદ અને પછી વડોદરામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને  કરેલી 7 અપીલોની સમગ્ર દેશમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે હવે શેઠની શિખામણ ઝાંપા સુધી ન રહે તે માટે પીએમ મોદીની કેબિનેટના સભ્યોએ પણ અપીલને આવકારીને અપનાવવાની શરૂઆત કરી છે. જેની શરૂઆત ખુદ સુરતના સાંસદ કેન્દ્રીય પ્રધાન સી. આર. પાટીલે કરી છે. 

પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક અને રાજકીય તણાવના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ અને પુરવઠા પર અસર પડવાની શક્યતા છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણનો વપરાશ ઘટાડવા અને સાદગી અપનાવવા અપીલ કરી હતી. વડાપ્રધાનની આ હાકલને ઝીલી લઈને કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી.આર. પાટીલે એક પ્રશંસનીય અને પ્રેરણાદાયી નિર્ણય લીધો છે.

કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલે તેમના ઉત્તરાખંડના રૂડકીના પ્રવાસ પૂર્વે રાજ્ય સરકારને સ્પષ્ટ સૂચના આપી હતી કે તેમના પ્રવાસ દરમિયાન પ્રોટોકોલ મુજબ ફાળવવામાં આવતી પાયલોટ કે એસ્કોર્ટ ગાડીઓ રાખવામાં ન આવે. સામાન્ય રીતે કેન્દ્રીય મંત્રી જ્યારે કોઈ રાજ્યના પ્રવાસે હોય ત્યારે સુરક્ષા પ્રોટોકોલના ભાગરૂપે તેમના કાફલાની આગળ પાયલોટ વાહન અને પાછળ એસ્કોર્ટ વાહનો તૈનાત હોય છે, પરંતુ પાટીલે આ વધારાની ગાડીઓ લેવાનો ઈનકાર કરીને ઈંધણની બચત તરફ પોતાનું યોગદાન આપ્યું છે.

સી. આર. પાટીલ દિલ્હીમાં પણ મોટા કાફલા વગર સામાન્ય રીતે અવરજવર કરવા માટે જાણીતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડા પ્રધાન મોદીએ જ્યારે પેટ્રોલ-ડીઝલની ખપત ઘટાડવા, કાર પૂલિંગ કરવા અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો, ત્યારે મંત્રીએ પોતે જ આ પહેલ કરીને સરકારની અંદર એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

કેન્દ્રીય પ્રધાનોને તેમની સુરક્ષા શ્રેણી મુજબ વિશેષ સુરક્ષા વ્યવસ્થા મળતી હોય છે, જેમાં અનેક વાહનોનો કાફલો જોડાયેલો હોય છે. જોકે, પાટીલના આ નિર્ણયથી માત્ર સરકારી તિજોરી પરનું ભારણ અને ઈંધણનો બચાવ જ નહીં થાય, પરંતુ અન્ય નેતાઓ અને નાગરિકોમાં પણ 'સાદગી અને બચત'નો સકારાત્મક સંદેશ જશે. રાજકીય વર્તુળોમાં સી.આર. પાટીલના આ પગલાને વડા પ્રધાનના વિઝનને સાચા અર્થમાં અમલમાં મૂકવાની દિશામાં એક મહત્વનું કદમ માનવામાં આવી રહ્યું છે.