Sat Mar 14 2026

Logo

સાવધાન! સતત રહેતો માનસિક તણાવ શરીરને બનાવી શકે છે બીમારીઓનું ઘર

2 weeks ago
Author: Mumbai Samachar Team
Article Image

આજની ફાસ્ટ લાઈફમાં ટ્રેસ અને ટેન્શન જાણે જીવનનો એક ભાગ બની ગયા છે. આપણે ઘણીવાર માનસિક દબાણને અવગણીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આ દબાણ ધીમે-ધીમે તમારા શરીરના આંતરિક અંગોને નુકસાન પહોંચાડે છે? નિષ્ણાતોના મતે, માનસિક સ્વાસ્થ્ય સીધી રીતે શારીરિક સંતુલન સાથે જોડાયેલું છે. જ્યારે મગજ સતત તણાવમાં રહે છે, ત્યારે શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સનું પ્રમાણ વધે છે, જે લાંબા ગાળે જીવલેણ બીમારીઓ નોંતરી શકે છે.

વધારે પડતો તણાવ લેવાથી શરીરમાં 'કોર્ટિસોલ' નામના સ્ટ્રેસ હોર્મોનનું ઉત્પાદન વધી જાય છે. આ હોર્મોન વધવાને કારણે એસ્ટ્રોજન અને થાઈરોઈડ જેવા અન્ય જરૂરી હોર્મોન્સનું સંતુલન બગડે છે. આટલું જ નહીં, સતત ચિંતામાં રહેવાથી હૃદયના ધબકારા વધે છે અને ધમનીઓ સાંકડી થાય છે, જે હાઈ બ્લડ પ્રેશર (High BP) નું મુખ્ય કારણ બને છે. લાંબા સમયે આ સ્થિતિ હાર્ટ એટેક કે સ્ટ્રોકનું જોખમ અનેકગણું વધારી દે છે.

જો તમારું વજન અચાનક વધી રહ્યું હોય, ખાસ કરીને પેટની આસપાસની ચરબી વધી રહી હોય, તો તેનું કારણ સ્ટ્રેસ હોઈ શકે છે. હોર્મોનલ ગરબડને કારણે વધેલું આ વજન ઘટાડવું ખૂબ મુશ્કેલ હોય છે. આ ઉપરાંત, કોર્ટિસોલનું ઊંચું સ્તર રાતની ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. અપૂરતી ઊંઘને કારણે વ્યક્તિ આખો દિવસ થાક અને નબળાઈ અનુભવે છે, જેનાથી તેની કાર્યક્ષમતા અને એકાગ્રતામાં ઘટાડો થાય છે.

માનસિક તણાવ માત્ર શરીરને જ નહીં પણ મગજને પણ નબળું પાડે છે. સતત ચિંતા કરવાથી યાદશક્તિમાં ઘટાડો અને નિર્ણયો લેવામાં મૂંઝવણ જેવી સમસ્યાઓ સર્જાય છે. તેનાથી બચવા માટે નકારાત્મક વિચારોથી દૂર રહેવું અને મનપસંદ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું જરૂરી છે. તમારી જીવનશૈલીમાં પૌષ્ટિક આહાર, નિયમિત વ્યાયામ, યોગ અને મેડિટેશનનો સમાવેશ કરવાથી સ્ટ્રેસને માત આપી શકાય છે.

ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર સામાન્ય જાણકારી માટે છે. કોઈપણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા માટે અથવા જીવનશૈલીમાં ફેરફાર કરતા પહેલા નિષ્ણાત ડોક્ટર કે મનોચિકિત્સકની સલાહ લેવી અનિવાર્ય છે.