નવી દિલ્હી: બેંકિંગ ક્ષેત્રમાં પારદર્શિતા અને ગ્રાહકોનો વિશ્વાસ સૌથી વધુ મહત્વનો હોય છે. તાજેતરમાં IDFC First Bankની ચંદીગઢ શાખામાં હરિયાણા સરકારના વિભાગીય ખાતાઓ સાથે જોડાયેલી નાણાકીય વિસંગતતા સામે આવ્યા બાદ બેંકે જવાબદારીપૂર્વક નિવેદન આપ્યું છે. બેંકે આ મુદ્દે સત્તાવાર કહ્યું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બેંકની શાખાના અમુક કર્મચારીઓએ કથિત બનાવટી દસ્તાવેજો અને ચુકવણી સૂચનાઓ ક્લિયર કરીને છેતરપિંડી કરી હતી, જેમાં બાહ્ય પક્ષો સાથે સંભવિત મિલીભગત પણ હોઈ શકે છે પણ આ કેસમાં સંબંધિત એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
IDFC First Bankના જણાવ્યા અનુસાર પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે શાખાના કેટલાક કર્મચારીઓએ નકલી દસ્તાવેજો અને ખોટી પેમેન્ટ ઇન્સ્ટ્રક્શન દ્વારા છેતરપિંડી આચરી હતી, જેમાં બહારના તત્વોની પણ મિલીભગત હોવાની શંકા છે.
આ મામલાની ગંભીરતા જોતા બેંકે તપાસ ચાલુ હોવા છતાં હરિયાણા સરકારના સંબંધિત વિભાગોની મૂળ રકમ અને વ્યાજ સહિતની 100 ટકા રકમ એટલે કે કુલ રૂ. 583 કરોડ તાત્કાલિક ચૂકવી દીધા છે. બેંકના આ નૈતિક અને પ્રોફેશનલ વ્યવહારની હરિયાણા સરકારે પણ પ્રશંસા કરી છે. ઉપરાંત, બેંકે સ્પષ્ટ કર્યું છે કે હરિયાણા સરકાર અને અન્ય કેન્દ્રીય એજન્સી સાથે મળીને દોષિતો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.
બજારમાં ફેલાયેલી ચિંતાઓ વચ્ચે બેંકે આંકડાકીય વિગતો રજૂ કરીને પોતાની નાણાકીય સદ્ધરતા સાબિત કરી છે. 31 ડિસેમ્બર 2025 સુધીના ડેટા મુજબ, બેંક પાસે CRISIL દ્વારા આપવામાં આવેલી સર્વોચ્ચ AAA રેટિંગ છે. બેંકનો કુલ બિઝનેસ (લોન અને ડિપોઝિટ) 22.6%ના ઉછાળા સાથે રૂ. 5,62,090 કરોડે પહોંચ્યો છે.
વધુમાં, બેંકની એસેટ ક્વોલિટી પણ મજબૂત છે, જેમાં નેટ NPA માત્ર 0.53% અને કેપિટલ એડિક્વસી રેશિયો 16.22% છે. આ આંકડાઓ દર્શાવે છે કે 583 કરોડની ચૂકવણી છતાં બેંકની આર્થિક સ્થિતિ પર કોઈ નકારાત્મક અસર પડી નથી.
IDFC First Bank હાલમાં 'ઇન્વેસ્ટમેન્ટ ફેઝ'માં છે, એટલે કે તે ટેકનોલોજી, ગ્રામીણ બેંકિંગ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું રોકાણ કરી રહી છે. બેંકની ક્લાઉડ-આધારિત આધુનિક સિસ્ટમ અને મોબાઈલ એપને વૈશ્વિક સ્તરે બીજા ક્રમનું રેટિંગ મળ્યું છે. બેંક મેનેજમેન્ટને આશા છે કે આ ટેકનોલોજીકલ રોકાણનો લાભ નાણાકીય વર્ષ 2027થી નફામાં સ્પષ્ટપણે જોવા મળશે. હાલમાં બેંક કોર્પોરેટ એક્સપોઝર ઘટાડીને રિટેલ અને NRI સેવાઓ પર વધુ ભાર આપી રહી છે.
બેંકે સ્પષ્ટ કર્યું છે કે તે કાયદાકીય એજન્સી સાથે મળીને આ છેતરપિંડીના મૂળ સુધી પહોંચવા કટિબદ્ધ છે. બેંકની આંતરિક વિજિલન્સ ટીમ અને સરકારી એજન્સી સાથે મળીને કામ કરી રહી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. બેંકે તેના ગ્રાહકોને ખાતરી આપી છે કે તેમની ડિપોઝિટ સુરક્ષિત છે.