આ પુસ્તકમાં મહાનગર કેવા હોવા જોઈએ? એનો સમગ્ર નક્શો
સુરત/ગાંધીનગરઃ ગુજરાતમાં સમયાંતરે IAS અધિકારીઓ ચર્ચામાં રહેતા હોય છે. કોઈનું નામ કામગીરીને લઈને તો કોઈનું કકળાટને કારણે જે તે વિભાગોમાં બોલાતું રહે છે, પરંતુ સુરત કોર્પોરેશનમાં કમિશનર પદે રહેલા IAS શાલિની અગ્રવાલે 'શેપિંગ ટુમોરોઝ સિટિઝ' નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકને કારણે તેઓ ચર્ચામાં છે. આ પુસ્તકમાં મહાનગર કેવા હોવા જોઈએ એ અંગે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે. IAS શાલિની અગ્રવાલે મુખ્યમંત્રીની મુલાકાત કરી અને પુસ્તકનું વિમોચન કર્યું હતું.
સુરતની સિદ્ધિમાં યોગદાન
IAS શાલિની અગ્રવાલ અગાઉ વડોદરા કોર્પોરેશનનાં કમિશનર પદે રહી ચૂક્યા છે. હાલમાં તેઓ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડનાં મેનેજિંગ ડાયરેક્ટર છે. આ વર્ષે જ એમને આ મોટી જવાબદારી રાજ્ય સરકારે સોંપી છે, સુરત શહેરને સ્વચ્છતામાં જે એવોર્ડ મળ્યો એ પાછળ પણ IAS શાલિની અગ્રવાલનું વર્કિંગ મોડલ અમલમાં મૂકાયું હતું.
ઈન્દૌર સિટીની સાથે સુરતને રેંક મળતા સુરત શહેરની સિદ્ધિમાં એમનું યોગદાન મોટું રહ્યું છે. વર્ષ 2005ની બેચના IAS શાલિની અગ્રવાલના નવા પુસ્તકમાં શહેરના ક્લાઈમેન્ટ ચેન્જના પાસાથી લઈ મૂળભૂત સુવિધા સુધીના પાસાઓની રૂપરેખા છે. આ ઉપરાંત કેટલાક પડકારોને અવસરમાં પરિવર્તિત કરવાની વાતનો પણ સ્પષ્ટ ઉલ્લેખ છે.
મોદીના વિઝનનું વર્કિંગ મોડેલ
IAS શાલિની અગ્રવાલના પુસ્તકનું એવા સમયે વિમોચન થયું છે જ્યારે ગુજરાત સરકાર મહાનગરના આંતરમાળખાને વિશ્વકક્ષાનું બનાવવા માટે પ્રાધાન્ય આપી રહી છે. દરેક પ્રોજેક્ટને પ્રજાના દ્રષ્ટિકોણથી ધ્યાને લઈને સવલત પર ફોક્સ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર વર્ષ 2025-26ને શહેરી વિકાસના વર્ષ તરીકે ઉજવી રહી છે એવા સમયે આ પુસ્તક વિકસી રહેલા શહેર માટે રોડમેપ બની શકે છે. શહેરી વિકાસના વર્ષને ઉજવવાનો શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે.
ગુજરાતમાં શહેરી વિકાસના વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરીને ધ્યાને લેતા 20 વર્ષની શાનદાર ઉજવણી કરી હતી. હવે આ પુસ્તક અન્ય શહેરો માટે પણ વિકાસના બીજ સમાન સાબિત થઈ શકે છે.
IAS શાલિની અગ્રવાલની કેરિયર જર્ની
IAS શાલિની અગ્રવાલ મૂળ બિહારના રહેવાસી છે. ગુજરાતમાં પોસ્ટિંગ મળ્યા બાદ જુદા જુદા શહેરમાં IAS પદે જવાબદારી નિભાવી ચૂક્યા છે. શાર્પ એન્ડ સ્ટ્રેટિજિક તરીકેની છબી બનાવ્યા બાદ સુરત શહેરમાં એમના નેતૃત્વમાં બ્રિજથી લઈને ટાઉન પ્લાનિંગ સુધી અને મેગા સિટીથી લઈને હવે મેટ્રો રેલ સિટીના પ્લાનિંગ થયા છે. બિહાર યુનિવર્સિટીમાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ સિવિલ સર્વિસમાં બે દાયકાની એમની સફર એક સિદ્ધિની યાત્રા સમાન છે.