નવી દિલ્હી: ભારતીય સેના દ્વારા 13 એપ્રિલ 1984ના રોજ શરૂ કરવામાં આવેલા ઐતિહાસિક 'ઓપરેશન મેઘદૂત'ને આજે 42 વર્ષ પૂર્ણ થયા છે. પાકિસ્તાનના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવવા માટે શરૂ કરાયેલું આ અભિયાન આજે પણ વિશ્વનું સૌથી લાંબુ સૈન્ય મિશન માનવામાં આવે છે. દર વર્ષે 13 એપ્રિલને 'સિયાચીન દિવસ' તરીકે ઉજવવામાં આવે છે, જે તે બહાદુર સૈનિકોના સમર્પણનું પ્રતીક છે જેઓ દરિયાઈ સપાટીથી 14,000 થી 22,000 ફૂટની ઊંચાઈએ, માઈનસ 40 ડિગ્રી તાપમાનમાં અને જીવલેણ હિમનદીઓ વચ્ચે દેશની સરહદોની રક્ષા કરી રહ્યા છે.
સિયાચીન ગ્લેશિયર પર કબ્જો મેળવવા પાકિસ્તાને વિદેશી પર્વતારોહકોને મોકલીને અને નકશામાં છેડછાડ કરીને ષડયંત્ર રચ્યું હતું, પરંતુ ભારતીય સેનાએ ગુપ્ત બાતમીના આધારે ટાણાસર હિલચાલ કરીને વ્યૂહાત્મક શિખરો પર કબ્જો મેળવી લીધો હતો. આ મિશનમાં ભારતીય વાયુસેનાની ભૂમિકા અત્યંત મહત્વની રહી છે. 1984માં માત્ર હેલિકોપ્ટર અને ટ્રાન્સપોર્ટ વિમાનોથી શરૂ થયેલી સફર આજે રાફેલ, સુખોઈ-30, ચિનૂક અને પ્રચંડ જેવા અત્યાધુનિક યુદ્ધ વિમાનો અને હેલિકોપ્ટરો સુધી પહોંચી છે. વાયુસેનાએ દુર્ગમ ઊંચાઈઓ પર સૈનિકો અને સામગ્રી પહોંચાડીને આ મિશનને જીવંત રાખ્યું છે.
સિયાચીનની લડાઈમાં દુશ્મનની સાથે તેના કરતા વધારે કુદરત સામે બાથ ભીડવાની હતી. છેલ્લા 42 વર્ષમાં ભારતે અહીં 1158 થી વધુ જવાનો ગુમાવ્યા છે, જેમાંથી મોટાભાગના મૃત્યુ હિમપ્રપાત, હાડ થીજવતી ઠંડી અને બરફની ઊંડી તિરાડોમાં પડવાને કારણે થયા છે. સેનાના નિયમ મુજબ દરેક ઇન્ફન્ટ્રી સૈનિકે તેમના કાર્યકાળ દરમિયાન ઓછામાં ઓછા એક વાર અહીં 90 દિવસની કઠિન ફરજ બજાવવી પડે છે. સુવિધાઓના અભાવે અને પરિવારથી દૂર રહીને પણ સૈનિકોનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે તેમને વિશેષ તાલીમ આપવામાં આવે છે, જે તેમને અહીં અડગ રાખે છે.
છેલ્લા છ વર્ષમાં ટેકનોલોજીના કારણે સિયાચીનમાં સ્થિતિ ઘણી સુધરી છે. હવે સૈનિકો પાસે ડ્રોન, ઓલ ટેરેન વ્હીકલ (ATV) અને પોકેટ વેધર ટ્રેકર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે, જે તેમને આવનારા તોફાનની ચેતવણી આપે છે. ઈસરો દ્વારા પૂરી પાડવામાં આવેલ ટેલીમેડિસિન સેવા અને VSAT ટેકનોલોજીથી ઈન્ટરનેટ કનેક્ટિવિટી વધતા જવાનો હવે રિયલ ટાઈમમાં વાતચીત કરી શકે છે. તાજા શાકભાજી અને સારા રાશનની સાથે હવે જવાનો અત્યાધુનિક કપડાં અને માઉન્ટેનિયરિંગ કિટથી સજ્જ છે, જેનાથી આ દુર્ગમ સ્થળે ભારતીય સૈન્યની પકડ વધુ મજબૂત બની છે.