Mon Aug 10 2026

Logo

હું, સોનલ ઝવેરી - પ્રકરણ- 30

2026-08-10 09:07:00
Author: Mavji Maheshwari
Article Image

માવજી મહેશ્વરી

‘મને મસ્તી સુઝતી હતી. મેં જાણી જોઈને મોડું કર્યું.’ 
મને ખબર હતી કે જય મારા પ્રશ્નથી ચીડાશે તે છતાં મેં પૂછ્યું. ‘જય ભાઈ કેમ છો?’ પપ્પાએ નવાઈથી મારી સામે જોયું. મમ્મીને પણ આશ્ચર્ય થયું. જયે ગુસ્સાથી મારી સામે જોતાં કહ્યું. 
‘પપ્પા આ છોકરીને સમજાવી દો કે મને અત્યારે ગુસ્સે ન કરે. નહીંતર હું તમારી સામે જ આને મારી બેસીશ.’  

હું પપ્પા સામે જોઈને હસી. જયનો છોકરો મારી બાજુમાં બેઠો હતો. મેં તેની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું, ‘બીટુ તારા ડેડી વાત વાતમાં ગુસ્સે થઈ જાય છે. તુમ તો નહીં હોગે ના?’ એ નિર્દોષ છોકરો મારી સામે જોઈને હસ્યો.

જયે તેને ઊંચકીને પોતાની બાજુવાળી ખુરશી પર બેસાડી દીધો. મને ખરેખર શરારત સુઝતી હતી. મેં ત્યાં ડીશમાં રાખેલા પાપડમાંથી ટુકડો તોડતાં જય સામે જોઈને કહ્યું, ‘જય, તું કારણ વગર મારા પર ગુસ્સો કરે છે. મેં બધું પપ્પાને સોંપી દીધું છે. હવે તમે જાણો ને પપ્પા જાણે. મને શાંતિથી રહેવા દ્યો. જો તમે ઈચ્છતા હો તો હું આ ઘર છોડીને બીજે રહેવા ચાલી જાઉં.’

‘સંજય શા માટે ઘર છોડીને ચાલ્યો ગયો એનો જવાબ જોઈએ મને.’ 
‘એ તું એને પૂછ. કમસે કમ મને ખબર નથી.’ મેં ઉડાઉ જવાબ આપ્યો. 
‘એ ચાલ્યો ગયો નથી. એને યુક્તિપૂર્વક કાઢવામાં આવ્યો છે. મને આજે ફેંસલો જોઈએ.’ 

‘શેનો ફેંસલો જય?’ મારી મમ્મીએ પૂછયું. 
‘અમારી મિલકતનો. જેના પર અમારો કાયદેસરનો હક થાય છે.’ 

‘એવા ફેંસલા આમ ઝઘડા કરીને ન થાય જય. તમે પહેલા પણ કોર્ટમાં જઈ ચૂક્યા છો. બીજી વાર જવું હોય તો છુટ છે. જો મિલકત જોઈતી હોય તો સભ્યતા શીખો. હું કેટલાંય વર્ષોથી જોતી આવી છું કે તમે વાત વાતમાં દાદાગીરી કરો છો. શું સમજો છો તમે?’ 

મમ્મીના અવાજમાં જુદો રણકો હતો. જયે મમ્મી સામે કતરાતી આંખે જોયું. એ કદાચ એ નક્કી ન કરી શક્યો કે પોતાની દાઝ કોના પર કાઢવી. જયે કહ્યું, ‘મમ્મી એક દિવસમાં જ પાવર આવી ગયો? હજુ તો તમે માત્ર મેનેજર બન્યા છો. તે પણ પપ્પાની મહેરબાનીથી. અમે બેય ભાઈઓ જે વિચારતા હતા તે સાચું હતું. મમ્મી સંજય પહેલા તમારા વિશે કહેતો હતો ત્યારે મને વિશ્વાસ નહોતો આવતો પણ આજે સમજાય છે કે તમે શું છો અને તમારા ઈરાદા શું છે. આ ચાલાક છોકરી તમારા ખભે બંદૂક રાખીને નિશાન લઈ રહી છે.’  

‘જય તારે ફેંસલો જોઈએ છે ને? ચાલ સંજયને ફોન કરીને બોલાવી લે. હું ફોન કરીશ તો એ નહીં આવે.’ 
‘પપ્પા તમને વિશ્વાસ કેમ નથી આવતો એના પર? મારો ભાઈ ભોળો છે અને તમે મારી ગેરહાજરીમાં એને ઘરમાંથી બહાર કાઢ્યો છે.’ 
‘તો હું એને લેવા જાઉં? હાથ જોડીને વિનંતી કરું કે ભાઈ પાછો આવ. પપ્પાએ જરા ઊંચા અવાજે કહ્યું.

‘કેમ એ તમારો દીકરો નથી? જે ઘર કાયદેસર અમારું છે તેમાં રહેવા માટે તમારી મહેરબાની માગવી પડે એવા દિવસો શા માટે આવ્યા, કોના કારણે આવ્યા તે અમને નહીં સમજાતું હોય શું? આ છોકરી અહીં આવી ત્યારથી અમે તમારા માટે ઓરમાન બની ગયા છીએ.’ 

મને જયના શબ્દોમાં લાગણી ઘવાયાની પીડા દેખાઈ. ખબર નહીં શા માટે પણ મને જય પર વહાલ જાગ્યું. મેં કહ્યું, ‘જય, તમને બેય ભાઈઓને એમ લાગતું હોય તો હું ખસી જવા તૈયાર છું. હું મારો રસ્તો કરી લઈશ. તું સંજયને ફોન કરીને બોલાવી લે. હું જ પપ્પાને કહું છું કે એ મિલકતમાંથી તમને જે જોઈએ તે આપે.’ 

‘એ કદાપી નહીં બને.’ મમ્મી ગર્જી. 

મેં માત્ર મમ્મી સામે જોયું. તેની આંખોમાં જે ભાવ હતા તે તેની અદાકારી નહોતી. સૌથી વિચિત્ર હાલત પપ્પાની હતી. તે મમ્મીને અટકાવી શકે તેમ ન હતા. ટેબલ પર જમવાનું પીરસાઈ ગયું હતું. સૌથી પહેલા મેં મારી ડીશમાં નાખ્યું. મને વિચાર આવ્યો, પપ્પાને અત્યારે મારી સગી મમ્મી યાદ આવતી હશે કે કમળામા યાદ આવતા હશે. જય જુદું વિચારતો હતો એટલે તે મમ્મીને બદલે મારી સામે જોઈને બોલ્યો, ‘મમ્મીને જવાબ આપ સોનલ. એમને પૂછ કે શા માટે એવું નહીં બને?’ 

મને લાગ્યું કે મારે હવે કોઈ નક્કર વાત કરવી જ પડશે. મેં પણ એટલા જ વજનથી કહ્યું, ‘જય, મમ્મી માલિક નથી. શું બને અને શું ન બને તે નક્કી કરવાના હક એમના નથી. તું પહેલા સંજયને અહીં બોલાવ. હું બધા રસ્તા ખુલ્લા કરી નાખું.’ 

મારા શબ્દોથી હર્ટ થઈ ગઈ હોય તેમ મમ્મીએ સ્ત્રી ચરિત્ર શરૂ કર્યું. તેની અંદરની અભિનેત્રી બહાર આવી ગઈ, ‘અચ્છા આજે મને સમજાયું કે આ ઘરમાં મારું શું સ્થાન છે. મેં પહેલા પણ કહ્યું છે અને આજે ફરીથી કહું છું કે મેં મારું સ્ત્રીત્વ જે પુરુષ પાછળ દાવ પર લગાવ્યું છે તેને અન્યાય થાય એ સહન નહીં કરી શકું.’

મેં મમ્મીના શબ્દોની પરવા કર્યા વગર કહ્યું, ‘જય, તું સંજયને ફોન કર. હમણાં જ આવે અને એકલો નહીં ભાભી અને છોકરાને લઈ આવે. હું આ ઘરમાંથી નીકળી જાઉં તે પછી તમને જે કરવું હોય તે કરજો. પપ્પા તમે આજે કંઈ બોલતા નહીં હું જે કરું તમે મને અટકાવતા નહીં. જય તું ફોન કર.’ 

આવું કહીને હું ચુપચાપ ખાવા લાગી. મેં તેને ઉશ્કેરી નાખી હતી. તેણે પપ્પાને કરડા અવાજે કહ્યું, ‘શું તમે ચૂપ બેઠા છો? આ લોકો જે ઠીક લાગે છે તે બોલ્યે જાય છે અને તમે સાંભળ્યા કરો છો?’ 

‘જુઓ પપ્પા આજે તમે મારી સાથે નહીં રહો તો હું તમને ક્યારેય માફ નહીં કરું. તમારા કારણે જ હું કારણ વગર હેરાન થઈ છું.’ મેં ઈમોશનલ પાસો ફેંક્યો.

અચાનક જુદું જ બન્યું. પપ્પાએ મારી સામે જોયું પછી મમ્મી સામે જોયું. તેમની આંખોનો રંગ બદલાયો. તેમણે જરા ઊંચા અવાજે કહ્યું, ‘સોનલ મેં તને ક્યારે હેરાન કરી? ખરેખર તો તારા કારણે હું હંમેશાં હેરાન થયો છું. તારે અહીં રહેવું હોય તો રહે નહીંતર, તું પણ ચાલી જા.’ મને કલ્પનાય નહોતી કે મારા પપ્પા આવું બોલે. મને લાગ્યું કે મારે હવે શા માટે મારા પપ્પાનીય પરવા કરવી જોઈએ? જે એક સ્ત્રીની સામે એટલો મજબૂર થઈ ગયો છે કે સગા દીકરાનું પણ વિચારતો નથી. 

મારા મોંમાંથી કડવા શબ્દો નીકળી ગયા, ‘મારા કારણે તમે હેરાન થયા એમ? તો કોણે તમને કહ્યું હતું કે અમને મા દીકરીને અહીં લઈ આવજો? તમે મારી માની જિંદગી બગાડી. પપ્પા હું ચોક્કસ જાણતી નથી, પણ મને શંકા છે કે મારી મમ્મી પડી જવાથી મરી નથી, કોઈએ એને મારી નાખી છે. મારી મમ્મી કોને આડી આવતી હતી, કોને દુશ્મન લાગતી હતી એ સ્પષ્ટ છે. મહેરબાની કરી મને બોલાવો નહીં.’ 

મારી વાત સાંભળીને મારી મમ્મી એકદમ ઊભી થઈ ગઈ. સભ્યતાના બધા જ આવરણ તેણે ફેંકી દીધા. તે મારી સામે જોરથી બરાડી, ‘શટ અપ યુ નોનસેન્સ. તારું કહેવું એમ છે કે મેં તારી માને મારી નાખી એમ?’ 

ખબર નહીં કેમ પણ મને તેની ગાળ કાળજે લાગી ગઈ. મેં પણ હું કોણ છું, ક્યાં છું તેની પરવા કર્યા વગર ઘાંટો પાડ્યો, ‘યુ શટ અપ એન્ડ માઈન્ડ યોર લેન્ગ્વેજ અધરવાઈઝ હું ભૂલી જઈશ કે તમે મારા કોણ છો...’ 

‘તું મારી કોઈ જ નથી. ક્યારેય નહીં હોય બોલ. મેં મારી કેરીયર ખતમ કરી નાખી આ સાંભળવા માટે? તેં મારા પર આક્ષેપ નાખી જ દીધો છે તો હવે સાંભળી લે. હું આ ઘરની માલિક છું. જે વસિયતને કારણે તું કૂદી રહી છો તે વસિયત કરનાર મણિરામ ઝવેરીની પુત્રવધૂ છું. તારે જે કરવું હોય તે કરી લે. તું કોના ઈશારે રમે છે તેની મને ખબર છે. અત્યાર સુધી હું ચૂપ રહી છું, હવે નહીં રહું. સોનલ તું મારી સામે પડવાની હિંમત ન કરતી હારી જઈશ.’ 

હું મીનાક્ષી મમ્મીની આંખો જોઈ રહી. સાંજથી નક્કી કર્યું હતું કે જે પણ થાય આ લોકોની સામે હાર નથી માનવી. મેં પણ સામે ચોડ્યું, ‘આ બન્ને ભાઈ સાચું કહેતા હતા. તમે જે ઈરાદાથી આ ઘરમાં પગ મૂક્યો હતો તે હવે તમારા મોઢામાંથી નીકળી રહ્યું છે. મને લાગે છે હવે મારે તમને તમારી હદ બતાવવી પડશે. અત્યાર સુધી અન્યાય સહન કર્યો. તમારે મારી સાથે તમીજથી વાત કરવાની, હું તમારી નોકર નથી.’ એટલું કહી હું જમવાના ટેબલ ઉપરથી ઊઠી ગઈ. જય કંઈજ ન બોલ્યો તેનું મને આશ્ચર્ય થયું. 

હું મારા રૂમમાં જઈ કપડાં ચેન્જ કર્યા, મારી ગાડીની ચાવી લીધી અને સીધી એક રેસ્ટોરાં પાસે ઊભી રાખી. એ રેસ્ટોરાં મારી પ્રિય જગ્યા છે. હું છેડાના ટેબલ પર બેઠી. ઓર્ડર આપતાં પહેલા મેં રત્નાકરજીને ફોન કરી આવવાનું કહ્યું અને ઘરમાં જે થયું તે બધું કહી નાખ્યું. મને નવાઈ લાગી કે રત્નાકરજી મારી વાત સાંભળીને જરા હસ્યા અને કહ્યું, ‘તારે આ વહેલું કહેવાની જરૂર હતી બેટા. પણ બહુ સારું કર્યું.’

વીસેક મિનિટ પછી રત્નાકરજી આવ્યા. તેમના મોં ઉપર હંમેશ કરતા જુદી જાતનો આનંદ મને દેખાયો. થોડીવાર પહેલા ઘરમાં ઘટેલી ઘટનાથી વ્યગ્ર થયેલું મારું મન રત્નાકરજીના આવવાથી શાંત થઈ ગયું.. રત્નાકરજી અને મેં ઘણી વાતો કરી. મેં મારો નિર્ણય જણાવી દીધો કે કાલે પપ્પાને આપેલું પાવરનામું પાછું ખેંચી લેવું, મકાન પપ્પાના નામે કરી દેવું. મારા માટે બીજું મકાન શોધવું. 

સંજય અને જયને કુલ મિલકતનો અડધો હિસ્સો આપી દેવો. અમે નિરાંતે ચર્ચા કરતા હતા. મને એવું લાગ્યું કે એન્ટ્રી પાસેના ટેબલ ઉપર બેઠેલા બે જણમાંથી એક સતત મને તાકી રહ્યો છે. મેં આ વાત રત્નાકરજીને કહી તો એમણે કહ્યું, ‘બેટા તું ખાવામાં ધ્યાન આપ. હું અહીં એટલે જ આવ્યો છું. આજથી તારે એલર્ટ રહેવાનું છે.’

મને રત્નાકરજીના પગ પકડી લેવાનું મન થયું. એ માણસ મારું કેટલું બધું ધ્યાન રાખતો હતો. અમે ખાસ્સા બે કલાક બેસી રહ્યા. તેમણે મને પુછ્યું, ‘પપ્પાને પાવરદાર બનાવ્યા, હવે જો તમે ફરી સત્તા પાછી લઈ લેશો તો સ્ટાફમાં તમારું ખરાબ નહીં લાગે?’ 

‘ભલેને લાગે. મને એની ચિંતા નથી. દાદાજી હવે માત્ર મારો હુકમ ચાલશે.’ 
‘તારું આ રૂપ મને ગમ્યું બેટા. તારામાં મણિરામની ખુમારી જોઈ રહ્યો છું.’ 

અમે બહાર આવ્યા. અચાનક મારું ધ્યાન ગયું કે મારી કારની બાજુમાં એ જ બ્લ્યુ કાર ઊભી હતી જેની સાથે મારી કાર અથડાતા બચી ગઈ હતી. મારો ચહેરો તંગ થઈ ગયો. મારો ચહેરો વાંચી ગયેલા રત્નાકરજી બોલ્યા, ‘તું સરળ છો એટલે અટપટી વાતો તને તરત નથી સમજાતી આ કાર સંજયના મિત્રની છે. હું તારી સાથે હતો એ વાત આજે તારી ફેમિલીમાં ચર્ચાશે. તને સલામત રાખવાનો મારા મિત્રને આપેલો વાયદો પૂરો કરવાનો સમય આવ્યો છે. હવે શાંતિથી ઘરે જા. કાલે શું કરવું તે તારા ઈશ્વરને સાક્ષી રાખી વિચારજે.’   (ક્રમશ:)