અત્યારે કાળઝાળ ગરમીમાં પરસેવાથી રેબઝેબ પરેશાન થઈ જવાય છે. આવી પરિસ્થિમાં પોતાના પરસેવાની ગંધથી તો ઠીક પણ આસપાસના લોકોના પરસેવાની દુર્ગંધ પણ નાકમાં દમ લાવી દે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ મોંઘા મોંઘા પરફ્યુમ લગાવવા છતાં પણ જો કોઈ પરિણામ ના મળતું હોય તે અમે આજે તમારા માટે કેટલીક ખાસ ટિપ્સ લઈને આવ્યા છીએ જેની મદદથી તમે લાંબા સમય સુધી મહેકતા રહેશો...
પરસેવાની દુર્ગંધથી બચવા માટે માત્ર મોંઘા પરફ્યુમ વાપરવા પૂરતા નથી, પરંતુ તેને લગાવવાની સાચી રીત જાણવી પણ એટલી જ જરૂરી છે. જો તમે પણ કપડાં પર પરફ્યુમ છાંટો છો, તો જાણી લો કે આ રીત તદ્દન ખોટી છે. લાંબા સમય સુધી સુગંધિત રહેવા માટે પરફ્યુમ લગાવવાની 'પલ્સ પોઈન્ટ' ટેકનિક વિશે જાણવું અનિવાર્ય છે.
પરફ્યુમ લગાવવાની સાચી રીત અને ટિપ્સ-
ઘણીવાર આપણે મોંઘા પરફ્યુમ લગાવીને બહાર નીકળીએ છીએ, પણ ગણતરીની મિનિટોમાં તેની સુગંધ ગાયબ થઈ જાય છે. તેનું મુખ્ય કારણ તેને ખોટી જગ્યાએ લગાવવાની આદત છે.
કપડાં પર નહીં, ત્વચા પર લગાવો:
પરફ્યુમને ક્યારેય કપડાં પર ન છાંટવું જોઈએ, કારણ કે તે ડાઘ પાડી શકે છે અને તેની સુગંધ લાંબો સમય ટકતી નથી. તેને સીધું ત્વચા પર લગાવવું જોઈએ.
પલ્સ પોઈન્ટ્સનો જાદુ:
કાંડા, ગરદન, કાનની પાછળ અને છાતીના ભાગે પરફ્યુમ લગાવવું સૌથી વધુ અસરકારક છે. આ જગ્યાએ નસો ત્વચાની નજીક હોવાથી શરીરની કુદરતી ગરમી સુગંધને લાંબા સમય સુધી જાળવી રાખે છે.
રગડવાની ભૂલ ના કરશો:
ઘણા લોકો પરફ્યુમ છાંટ્યા પછી તેને હાથથી રગડે છે. આવું કરવાથી સુગંધના કણો (Molecules) તૂટી જાય છે અને પરફ્યુમની અસર ઓછી થઈ જાય છે. તેને કુદરતી રીતે સુકાવા દો.
મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ:
સૂકી ત્વચા પર પરફ્યુમ જલ્દી ઉડી જાય છે. તેથી પરફ્યુમ લગાવતા પહેલાં તે જગ્યાએ થોડું લોશન કે મોઈશ્ચરાઈઝર લગાવો, જેથી સુગંધ ત્વચામાં 'લોક' થઈ જાય અને લાંબા સમય સુધી ફ્રેશનેસનો અનુભવ થાય.
અનોખી જગ્યા:
ઘૂંટણની પાછળ, કોણીના અંદરના ભાગે અને પેટ પર પરફ્યુમ લગાવવાથી તે આખા શરીરમાં ધીમે ધીમે ફેલાય છે અને તમને દિવસભર તાજગીનો અહેસાસ કરાવે છે.
કઈ જગ્યાઓએ પરફ્યુમ લગાવવાનું ટાળવી?
વધુ પડતો પરસેવો આવતો હોય તેવી જગ્યાઓ અથવા અત્યંત સૂકી ત્વચા પર પરફ્યુમ લગાવવાનું ટાળવું જોઈએ, કારણ કે પરસેવો સુગંધને જલ્દી ખતમ કરી દે છે.