Mon Oct 05 2026

Logo

આસામમાં હિમંતા બિસ્વા સરામા ફરી બનશે CM; NDA ની બેઠકમાં લેવાયો નિર્ણય, ક્યારે છે શપથ વિધિ?

2026-05-10 13:10:00
Author: Vimal Prajapati
આસામમાં હિમંતા બિસ્વા સરામા ફરી બનશે CM; NDA ની બેઠકમાં લેવાયો નિર્ણય, ક્યારે છે શપથ વિધિ?

દિસપુર: આસામ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર હિમંતા બિસ્વા સરામા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આજે NDA ધારાસભ્ય દળની બેઠકમાં હિમંતા બિસ્વા સરામાને સર્વસંમતિથી નેતા પસંદ કરવામાં આવ્યા છે. તેઓ આગામી 12 મે ના રોજ આસામના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. ભાજપે આસામ વિધાનસભા ચૂંટણીમાં ખૂબ જ સારૂ પ્રદર્શન કર્યું છે. NDA ધારાસભ્ય દળની બેઠકમાં જેપી નડ્ડા અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની આ બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષક અને સહ-નિરીક્ષક તરીકે હાજર રહ્યા હતા.

જેપી નડ્ડાની હાજરીમાં લેવાયો નિર્ણય

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીની ઉપસ્થિતિમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેપી નડ્ડાએ જણાવ્યું કે ભાજપના આઠ ધારાસભ્યોએ હિમંતા બિસ્વાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ગઠબંધનના સાથી પક્ષો- આસામ ગણ પરિષદ (AGP) અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (BPF) એ પણ ટેકો આપ્યો હતો.

આસામમાં સતત ત્રીજીવાર NDA સરકાર

વિગતે વાત કરવામાં આવે તો, 126 બેઠકો ધરાવતી આસામ વિધાનસભામાં NDA ગઠબંધને બે-તૃતિયાંશ બહુમતી સાથે ઐતિહાસિક જીત મેળવી છે. આંકડો જોઈએ તો,  ભાજપને 82 બેઠકો, AGPને 10 બેઠકો અને BPFને 10 બેઠકો પર વિજય થયો છે.  હિમંતા બિસ્વા સરામા આજે સાંજે રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. 12 મેના રોજ યોજાનારા આ ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ હાજર રહેવાની શક્યતા છે.

આસામ વિધાનસભા ચૂંટણીમાં NDAની સતત ત્રીજી જીત

ભાજપની આગેવાની હેઠળના NDA એ વિધાનસભા ચૂંટણીમાં સતત ત્રીજી વખત વિજય મેળવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપનું ટોચનું નેતૃત્વ અને NDAના ઘણા વરિષ્ઠ નેતાઓ આ ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. હિમંત બિસ્વાના રાજ્યાભિષેક સાથે, ભાજપ સતત ત્રીજા કાર્યકાળ માટે આસામમાં સરકાર બનાવશે. જો કે, આસામમાં NDAની સરકાર બનશે તેમાં કોઈને શંકા નહોતી, પરિણામ પણ તે જ પ્રમાણે આવ્યું છે.