Sat Sep 12 2026

Logo

સ્વાસ્થ્ય વીમો મોંઘો થયો: છેલ્લા 3 વર્ષમાં પ્રીમિયમમાં સતત વધારો, કેન્દ્ર સરકારે લોકસભામાં સ્વીકાર્યું

2026-03-10 12:01:00
Author: Devayat Khatana
સ્વાસ્થ્ય વીમો મોંઘો થયો: છેલ્લા 3 વર્ષમાં પ્રીમિયમમાં સતત વધારો, કેન્દ્ર સરકારે લોકસભામાં સ્વીકાર્યું

નવી દિલ્હી: ભારતમાં મોંઘવારીની અસર સ્વાસ્થ્ય સેવાઓ પર પડી રહી છે અને હવે તેનો ખુદ સરકારે પણ સ્વીકાર કર્યો છે. તાજેતરમાં લોકસભામાં રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં સ્વાસ્થ્ય વીમાના પ્રીમિયમમાં સતત વધારો જોવા મળ્યો છે. નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલા ડેટા મુજબ, નાણાકીય વર્ષ 2024-25માં વ્યક્તિગત ફેમિલી ફ્લોટર વીમામાં 3.35 ટકાનો વધારો થયો છે અંતે તે અનુસાર પ્રતિ વ્યક્તિ સરેરાશ પ્રીમિયમ રૂ.7,020.06 રહ્યું હતું, જ્યારે ફેમિલી ફ્લોટર સિવાયના અન્ય વ્યક્તિગત વીમાં 9.95 ટકાનો વધારો થયો છે અને તેના લેખે આ રકમ રૂ. 11,187.64 નોંધાઈ હતી. પ્રીમિયમમાં આ વધારા પાછળ તબીબી મોંઘવારી, વીમાધારકોની વધતી જતી ઉંમર અને પૉલિસીમાં ઉમેરવામાં આવતી નવી સુવિધાઓ જેવા પરિબળો જવાબદાર હોવાનું સરકારે જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારે જવાબમાં જણાવ્યું હતું કે પ્રીમિયમમાં થતા વધારાને નિયંત્રિત કરવા અને સ્વાસ્થ્ય સેવાઓને વધુ સસ્તી બનાવવા માટે સરકાર અને વીમા નિયામક સંસ્થા IRDAI સક્રિય છે. નવેમ્બર 2025માં વીમા કંપનીઓ અને હોસ્પિટલ જૂથો સાથે આ મુદ્દે બેઠક યોજવામાં આવી હતી, જેમાં સેવાઓને વધુ સસ્તું અને સુલભ બનાવવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા. IRDAI એ સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે કે પ્રીમિયમ દરો અતિશય ન હોય અને ગ્રાહકોને તેમના નાણાંનું યોગ્ય વળતર મળી રહે.

વરિષ્ઠ નાગરિકો માટે રાહતના સમાચાર આપતા સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, જો વ્યક્તિગત સ્વાસ્થ્ય વીમા હેઠળ સિનિયર સિટીઝનના પ્રીમિયમમાં 10% થી વધુનો વધારો કરવામાં આવે, તો તેના માટે IRDAI ની પૂર્વ મંજૂરી અથવા પરામર્શ લેવો ફરજિયાત છે. જોકે, હાલમાં તમામ પૉલિસી કેટેગરીમાં આ પ્રકારનો 10% થી વધુ વધારા માટે પૂર્વ મંજૂરીનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. તમિલનાડુ જેવા ચોક્કસ રાજ્યોમાં પ્રીમિયમમાં અસંગત વધારા કે ક્લેમ નકારવા અંગે અત્યારે કોઈ વિશિષ્ટ માહિતી ઉપલબ્ધ નથી તેમ પણ જણાવાયું હતું.

મધ્યમ વર્ગ અને વરિષ્ઠ નાગરિકોને સુરક્ષા આપવા માટે સરકાર 'આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' (PMJAY) પર ભાર મૂકી રહી છે. આ યોજના હેઠળ હવે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના આશરે 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને આવરી લેવા માટે વિસ્તાર કરવામાં આવ્યો છે. આ સુવિધા તેમની સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી હોસ્પિટલમાં દાખલ થતી વખતે થતા ખર્ચમાં મોટી રાહત મળી શકે.