Mon Oct 05 2026

Logo

હરિયાણામાં વિસ્ફોટ કરવાના ષડયંત્રનો પર્દાફાશ, બે કિલો RDX સાથે ત્રણ લોકોની ધરપકડ...

2026-03-13 22:56:00
Author: Chandrakant Kanoja
હરિયાણામાં વિસ્ફોટ કરવાના ષડયંત્રનો પર્દાફાશ, બે કિલો RDX સાથે ત્રણ લોકોની ધરપકડ...

અંબાલા : હરિયાણામાં વિસ્ફોટ કરવાના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં એસટીએફ દ્વારા અંબાલામાંથી બે કિલો RDX પકડ્યું છે.  તેમજ આ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય વ્યક્તિઓ બરારાથી અંબાલા તરફ જઈ રહ્યા હતા ત્યારે એસટીએફ અંબાલા ટીમે ગુપ્ત માહિતીના આધારે તેમની ધરપકડ કરી હતી. આરોપીના કબજામાંથી એક બેગ મળી આવી હતી. તેની તપાસ કરતાં તેમાંથી વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી.

ત્રણેય આરોપીઓ આશરે 20 થી 25 વર્ષની ઉંમરના

પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેય આરોપીઓ આશરે 20 થી 25 વર્ષની ઉંમરના છે. આ  ત્રણેય એક મોટરસાઇકલ પર મુસાફરી કરી રહ્યા હતા. જેમાં એક આરોપી જગવીર છે. આ ત્રણ આરોપીઓમાંથી એક કમ્બાસી ગામનો, બીજો અજમેરનો અને ત્રીજો મેરઠનો રહેવાસી છે. હાલમાં  તેઓ વિસ્ફોટકો કેમ લઈ જતા હતા અને તેઓ કઈ ઘટનાને અંજામ આપવા માંગતા હતા તે જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એસટીએફ ના પ્રદીપને બાતમી મળી હતી કે ત્રણ યુવાનો મોટરસાઇકલ પર બરારાથી અંબાલા તરફ જઈ રહ્યા છે.

પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી હતી

એસટીએફ ડીએસપી  અને ડીએસપી બરારા સહિત પોલીસ  ઘટનાસ્થળે પહોંચી હતી.  હોલી ગામથી બરારા તરફ જતો રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમજ  બધી જ અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. આ  દરમિયાન આરોપીઓની પણ સ્થળ પર પૂછપરછ કરવામાં આવી રહી હતી.

ત્રણેય આરોપીઓના ગુનાહિત રેકોર્ડની ચકાસણી

આ દરમિયાન પોલીસે વિસ્ફોટક સામગ્રીને પોતાના કબજામાં લીધી છે. જ્યારે બોમ્બ સ્ક્વોડ - સ્નિફર ડોગ્સની મદદથી  આસપાસના વિસ્તારની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે.  પોલીસે સ્થાનિક રહેવાસીઓની પણ પૂછપરછ શરુ કરી છે. વિસ્ફોટકોના નમૂના એકત્રિત કરી લેબમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ હાલમાં ત્રણેય આરોપીઓના ગુનાહિત રેકોર્ડની ચકાસણી કરી રહી છે અને તેમના સંબંધિત  પોલીસ સ્ટેશનો સાથે સંપર્ક પણ સ્થાપિત કરી રહી છે. પોલીસ શનિવારે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા અને તેમના રિમાન્ડ મેળવશે.