Tue Sep 01 2026

Logo

હરિદ્વારના વિશ્વપ્રસિદ્ધ 'હર કી પૌરી'ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો

2026-05-18 14:11:41
Author: Vimal Prajapati
હરિદ્વારના વિશ્વપ્રસિદ્ધ 'હર કી પૌરી'ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો

હરિદ્વાર: ઉત્તરાખંડના પવિત્ર તીર્થસ્થળ હરિદ્વારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીંના વિશ્વપ્રસિદ્ધ અને સૌથી પવિત્ર ગંગા ઘાટ 'હર કી પૌરી' (Har Ki Pauri)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકીભર્યો ફોન કોલ આવ્યા બાદ પોલીસ વિભાગ અને સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ લોકેશન ટ્રેસ કરીને મુખ્ય આરોપીને દબોચી લીધો છે.

દારૂના નશામાં 112 નંબર પર કર્યો કોલ

સૃત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 30 વર્ષના એક યુવક પર દારૂનો નશો એટલો હાવી થઈ ગયો હતો કે તેણે સીધો ઇમરજન્સી નંબર 112 પર કોલ જોડી દીધો. તેણે ધમકી આપી હતી કે આગામી 4 દિવસમાં 'હર કી પૌરી' સહિત હરિદ્વારના અન્ય મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. આ કોલ આવતા જ હરિદ્વાર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. ટેકનિકલ સેલની મદદથી જ્યારે કોલ અને લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું, ત્યારે આરોપી પૌડી જિલ્લાના યમકેશ્વરનો રહેવાસી સોહન સિંહ રાવત હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસની કડક પૂછપરછની આરોપીએ શું કહ્યું?

પોલીસે જ્યારે સોહન સિંહની અટકાયત કરીને કડક પૂછપરછ કરી, ત્યારે તેણે સાચું ઓકી દીધું હતું. તેણે કબૂલ્યું કે તેણે ભારે દારૂ પીધો હતો અને નશામાં જ આ ધમકીભર્યો ફોન કર્યો હતો. હરિદ્વાર નગર કોતવાલી પોલીસે આરોપી વિરૂદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેને જેલ ભેગો કરી દીધો છે. આ મામલે હરિદ્વાર પોલીસે સત્તાવાર નિવેદન જાહેર કરીને પરિસ્થિતિ અંકુશ હેઠળ હોવાનું જણાવ્યું હતું. પરંતુ આવી રીતે દારૂના નશામાં કોઈ પોલીસને ફોન કરીને આવી ધમકી આપી છે તેવી ઘટનાએ હરિદ્વારમાં લોકોને ડરાવી દીધા હતા. કારણ કે, અહીં રોડ લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે.