Wed Aug 19 2026

Logo

કૃષ્ણજન્મની વધાઈ હો!

2026-04-05 08:36:46
Author: શોભિત દેસાઈ
Article Image

આજે આટલું જ - શોભિત દેસાઈ

ઝવેરચંદ કાળીદાસ મેઘાણી, ‘મીનપિયાસી’, પરમપૂજ્ય ભાઈશ્રી (રમેશભાઈ ઓઝા)

ક્યારે એ તો ખબર નથી પણ પરમપૂજ્ય ભાઈશ્રી (રમેશભાઈ ઓઝા) નીકળી ગયા છે પોરબંદરથી મુંબઈ આવવા, માથે મૂકી કરંડિયામાં ‘મુંબઈ સમાચાર’ આયોજિત ‘માતૃભાષા ભાગવત સપ્તાહ’... 204 વર્ષનાં યુવાન વર્તમાનપત્ર ‘મુંબઈ સમાચાર’ના અસંખ્ય વાચકો અને સમગ્ર વિશ્ર્વનાં શ્રીમદ્ ભાગવતપ્રેમી શ્રીકૃષ્ણસેવકો! આવો, એમને ફૂલડે ફૂલડે વધાવીએ...

અગાઉ ક્યારેય ન લેવાયો હોય એવો સંકલ્પ છે આ કથાનું નિમિત્ત-માતૃભાષાને બચાવવાનો. આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી અને રાષ્ટ્રભાષા હિન્દી સામે આજે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (AI) ના યુગમાં આવા બહુભાષી દેશ ભારતની બધી માતૃભાષાઓ ક્રમશ: હ્રાસ પામી રહી છે, ઓછી થઈ રહી છે, રોજબરોજના ચલણમાંથી બહાર જઈ રહી છે. મનેકમને અંગ્રેજીને સ્વીકાર્યા વગર છૂટકો નથી અને રાષ્ટ્રભાષા ગમે છે ખૂબ પણ એની ઉપયોગિતા, હૂંફ, ઉષ્મા અને લાગણીશીલતા જેટલી માતૃભાષાની છે એટલી નથી. ‘હું’ ઉદ્ગારના ઉચ્ચાર સાથે જે જાત સાથેનું પોતાપણું અનુભવાય એ ‘મૈ’માં ગમે એટલા સમાધાનો કરીએ છતાં નથી જ આવતું. મધ્ય પ્રદેશના કાના જંગલમાંથી ખાસ પસંદગી પામીને ઈંગ્લેંડના કોઈ મહેલમાં લઈ જવાયેલો મોર મન મૂકીને ટહુકવાનું બંધ જ કરી દે છે, જ્યાં સુધી એ સોરઠી પાઘડી સજાવીને લંડનની ટહેલે આવેલા કોઈ ભારતીયને ન જુએ. અને જેવા પાઘપદર્શન થયા છજામાંથી મહેલના કે તરત જ ટહુકાની દેમાર થઈ જાય છે શરૂ તે એવી કે આખું લંડન નાચવા માંડે છે. આ જ તો છે માતૃભાષાની વાત. હમણાં ગુજરાતી ભાષામાં એવું સરસ, એક વાક્યમાં હાસ્ય પીરસાયું છે: સત્યાનાશ જાય આ યુદ્ધનું... કોઈક મારી સાઈકલ ચોરી ગયું ને સ્કૂટર મૂકી ગયું!!! ભારત ક્રમશ: ઉસ્તાદ બનતું જાય છે આંતરભાષા-સ્વીકૃતિની બાબતમાં. કસ્તુરબાથી શરૂ થયેલી સ્વીકૃતિ અત્યારે ‘બા’ને ક્યાંથી ક્યાં પહોંચાડી ચૂકી છે! અને હું ‘બા’ સંપૂર્ણપણે ગુજરાતી ભાષાની/નો શબ્દ છે એવો દાવો કરું તો કોઈને કંઈ વાંધો ખરો! લો, વાંધાની વાત પર કવિ અનિલ જોશીની નાનકી પંક્તિ યાદ આવી ગઈ.

ક્રાંઉં ક્રાંઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં
કીડીએ ખોંખારો ખાધો... 
તમને નથી ને કોઈ વાંધો?!

કેવડો ગર્વ માતૃભાષાનો અને ગુજરાતી હોવાનો ચોટીલાના વાણિયા ઝવેરચંદ કાળીદાસ મેઘાણીને કે આ વણિકપુત્ર ગયા તો ખરા કલકત્તા વેપારાર્થે પણ અંદર ધબકતો કવિતાનો જીવ લઈ ગયો શાંતિ નિકેતનમાં કવિવર ટેગોર પાસે... થોડા શરૂઆતીય વાર્તાલાપ બાદ મેઘાણી ટેગોરને ગુજરાત પધારવાનું ઈજન પાઠવે છે, આમંત્રણ આપે છે અને ટેગોર સ્પષ્ટ પૂછે છે: આવું તો ખરો... જો ગુજરાતી ભાષામાંથી કોઈક કવિત, કોઈક કલ્પન, કોઈક ભાસ્ય મને સ્પર્શી જાય તો... અને ત્યાંને ત્યાં જ કવિવર ટેગોર, વિશ્ર્વના ઉચ્ચતમ સાહિત્ય ગૌરવ નોબેલ ઈનામના મેળવનારને એમની જ 1919માં રચાયેલી કવિતા હૃદય અમાર ઓઈ બુઝો નબબર્ષા ઍલો ભુવનભોરેનું એવું અલૌકિક અદ્ભુત અવર્ણનીય અનુસર્જન મુકે છે મન મોર બની થનગાટ કરે. 1944માં કે ટેગોર સ્તબ્ધ બની એટલું જ વિચારે છે મનોમન કે આ કવિતા મારી છે કે મેઘાણીની! મેઘાણી માટે અને ગુજરાતી ભાષા માટે ટેગોરનું આવું માનવું સુપર નોબેલ પ્રાઈઝ જેવું... તે... વાણિયાનાં દીકરા મેઘાણીએ ફગાવી ટોપી અને ધારણ કર્યું ફાળિયું અને લીધો ભેખ ગામેગામ ફરીને, ગુજરાતી ભાષાના ખેપિયા બનીને, વિશ્ર્વનું સૌ સુંદર ગુજરાતીમાં અવતારી ગુજરાતીને ઘેર ઘેર વધુ સમૃદ્ધ રીતે પહોંચાડવાનો... ટૂંકમાં કલકત્તા વધુ વેપારાર્થે કદાચ અંબાણી બનવા ગયેલો વાણિયાનો દીકરો મેઘાણી બનીને પાછો આવ્યો... (છેલ્લી નોંધ લોકસાહિત્યકારની જેનું નામ આ ક્ષણે સ્મરણમાં નથી)... જય ટેગોર... જય મેઘાણી... જય ગુજરાતી...

લો, આજે 31 માર્ચે સાંજનાં 5.30થી અત્યારે 8.29 સુધી વાર્તાલાપ માંડીને બેઠો છું... તે હવે તો આજે વિદાય લેવાની ઘડી આવી પહોંચી. તો... વિશ્ર્વભરમાંથી માત્ર ગુજરાતી ભાષામાં જ સર્જાયેલી એકાક્ષરી કવિતાનો મહાવૈભવ પ્રદર્શિત કરતી અને એ દ્વારા માનવતાનો અને માનવીયતાનો પાઠ ભણાવતી કવિતાથી આજે છૂટા પડીએ...

કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
કોયલ કૂજે કૂ કૂ કૂ
ને ભમરા ગુંજે ગૂં ગૂં ગૂં
ચકલા ઉંદર ચૂં ચૂં ચૂં ને
છછુંદરોનું છું છું છું
કૂજનમાં શી કક્કાવારી?
હું કુદરતને પૂછું છું:
ઘુવડ સમા ઘુઘવાટા કરતો
માનવ ઘૂરકે હું હું હું!
પરમેશ્ર્વર તો પહેલું પૂછશે:
કોઈનું સુખદુ:ખ પૂછ્યું’તું?
દર્દભરી દુનિયામાં જઈને 
કોઈનું આંસુ લૂછ્યું’તું?
ગેં ગેં ફેં ફેં કરતા કહેશો:
હેં હેં હેં હેં! શું શું શું?
આ કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
- દિનકરરાય કેશવલાલ વૈદ્ય
‘મીનપિયાસી’

આજે આટલું જ