કવયિત્રીઓની ગઝલ રચનાનો રસથાળ...
- રમેશ પુરોહિત
ગુજરાતી ગઝલના આકાશમાં અનેક તારાઓ, સિતારાઓ અને ચાંદ છે. નભોમંડળમાં આકાશગંગા હોય છે. આપણી ગઝલમાં આવી આકાશગંગા છે આપણી શાયરાઓ જેમને ગઝલની મુલાયમ સુકુમાર અને રેશમી ધરતીને પોતાના શબ્દસામર્થ્યથી અને સ્ત્રીસહજ કોમળતાથી લીલીછમ્મ રાખી છે.
આપણા અગ્રગણ્ય ગઝલકાર આશિત હૈદરાબાદી વર્ષોથી ગઝલની સાધના અને આરાધના કરતા હતા. સંશોધનનો જીવ હતા. એમણે 2010માં ‘કાગળમાં નદીઓ ઉતારી’ નામનું સંપાદન આપ્યું જેમાં કવયિત્રીઓની રચનાનો રસથાળ આપ્યો છે. હૈદરાબાદી સાહેબે એક લેખનો હવાલો આપીને કહ્યું છે કે ‘1969માં સૌરાષ્ટ્રના લોધિકા રાજકુળમાં જન્મેલાં કુમારી ચંદ્રા જાડેજાનો કાવ્યસંગ્રહ પ્રગટ થાય છે. જેણેે કવયિત્રીઓની કાવ્ય સૃષ્ટિમાં નવી દિશા ખોલી નાખી ગઝલ સર્જનની. પછી તો અનેક શાયરા ગઝલક્ષેત્રે યોગદાન આપી રહી છે અને તેઓના ગઝલ સંગ્રહો પ્રગટ થઈ ચૂક્યા છે.
સૌ પ્રથમ ઉર્વિ પંચાલ ‘ઉરુ’ની રચનાઓ જોઈએ. નવસારીમાં શિક્ષણકાર્ય કરતાં કરતાં ‘ઉરુ’એ સારું કાઠું કાઢ્યું છે. એમની પાસે સોંસરવી વાત કરવાની સહજ કળા છે. એ વાસ્તવિકતાની ધરતી પર લખે છે અને સ્ત્રીસહજ અનુભવોને ગઝલની પંક્તિઓમાં આરપાર ઉતારે છે.
જોઇએ એમના થોડા શૅર :
જિંદગી માટે જરૂરી છે ઘણું
શ્ર્વાસથી જિવાય છે એવું નથી
આંખને અજમાવ તું ક્યારેક તો
જામથી પીવાય છે એવું નથી.
***
ગલી, ઘર ને નગર તારું,
બધું છૂટી ગયું તોયે,
મનોમન કો’ મિલનના સ્થાનકોને
પૂજતા રહેશે
મળીને ક્યાંં ગયા ઘાવો.,
અહીં મારી જ પાસે છે
કહો છો આપ કે એ તો સમયથી
રૂઝતા રહેશે
***
છે એ જ દૃષ્ટિ, એ જ દૃશ્યો,
એ જ ઘરના બધી
ન તોય કેવા ‘ઢંગથી બદલાય છે
તું માનવી ?’
આંસુઓને આંખમાં પાછાં જતાં જોયા નથી
ને સમયના વહેણને ઊલટા જતાં જોયાં નથી
બે ઘડીનું મૌન વસમું લાગતું જેને હતું
કૈં દિવસથી શબ્દ પણ ઉચ્ચારતા જોયા નથી.
જેમના માટે મેં જિંદગી ખરચી હતી,
એમને ‘ઉરુ’ આ જ લગ
મારા થતાં જોયાં નથી.
અમૃત ઘાયલના શહેર રાજકોટમાં કવિતા રાવલ ‘કવિ’ ઉપનામથી લખે છે. ડિઝાઇન, મૅનેજમેન્ટ વગેરે એમને ગમતાં કામો છે. કવિતા પરવીન શાકીરની જેમ પોતાના અવાજમાં લખવાનું પસંદ કરે છે. પોતે સ્ત્રીસર્જક છે એવા ભાન સાથે દિલની વાત કરે છે તેથી જ કવિતા એક સ્ત્રી તરીકે ગઝલ લખે છે. જેમ કે :
એ મને લાગે ઢળેલી સાંજ જેવો
કેટલાયે આથમે છે ત્યાં અરૂણો
હૂંફ જેવું છે કશુંક એની કને પણ
આમ છે તડકા સમો ને તોય કૂણો
આપણા ભટકાવવાના પર્યાય પ્રશ્નો
શક્ય ક્યાં છે કે બધા સમજાય પ્રશ્નો
એક વાવાઝોડું થઈ આવે વિચારો
ને સમયના ગર્ભમાં સેવાય પ્રશ્નો!
***
અમે તત્પર તમે તત્પર,
ઊભા છો કેમ થોભીને
નદીની જેમ બસ ક્યારેક
આવી જાય દોડીને.
તમારો ભાસ અને આભાસ થઇ ઘેરી વળે પડઘા
થવું છે તરબતર આ જાતને તેમાં ઝબોળીને
***
આમ તો એ હતો એકલો યાદવ
રાધિકા જો મળી તો થયો માધવ
મુંબઈમાં રહેતા જયોતિ હિરાણી સારા કવિ છે અને સહૃદયી વિવેચક છે. ગીત અને ગઝલ બન્નેમાં સારી ફાવટ છે. એમાં થોડાક શેર જોઈએ.
આજ ભરતી ઓટ ને તટ ચૂપ છે
નાવ, રેતી, જળ અને કેવટ ચૂપ છે.
વાત ઘર ઉંબરની, લ્યો મોભે ચડી
એ ફળી, ડેલીની ઘરવટ ચૂપ છે
***
હવા આંખોને પૂછી લે કે ભીની
ક્ષણને લૂછી લે
સ્મરણના આયનામાં ઝળહળી તૂટી જવાની રાત!
આગમન એનું હવે છાનું નથી
મ્હેક એની શ્વાસ છલકાવી ગયું
***
ગાંધીધામ (કચ્છ)માં જન્મ અને ધ્રાંગધ્રા જેમનું વતન છે એ દક્ષાબહેન સંઘવી ગઝલ અને ગીત બન્ને લખે છે. દક્ષાની ગઝલમાં લય છે, લાગણીની ભીનાશ છે અને અનુભૂતિનો ઉજાસ છે. એમના કેટલાક શેરો માણીએ.
પંખી એક અજાણી ડાળે માળો બાંધે
ટહુકાઓ વિસરાવી કહેવું અવસર આવ્યા
***
બંધ આંખે એક - બે અશ્રુ કદી જો ઝળહળે
ભીતર છલકે ઉજાસો સાચવી રાખું હજી !
બ્રહ્માંડે આ પૃથ્વી પર તું ટપકા જેવો
તારું-મારું છોડી ચાલ સકળમાં જઈએ
આ હથેળીમાં હજી કોના ગરમ શ્વાસો નિસાસ થઇ જાતા
દૂર થઈ જા તો બધી બોલારા છૂટે ને તમે જોયા કરો.
***
વડોદરામાં જેનો વાસ છે, ગઝલ જેનો સહવાસ છે અને સ્વાસ્થના નિષ્ણાંત છે એવાં ડો. દિના શાહ સ્ત્રીતજજ્ઞ છે. પોતાના દિના ક્લિનિકમાં સેવાયત કરે છે. અત્યાર સુધીમાં ‘ટેરવા ટહુક્યાં’ અને ‘આયના ટોળે વળ્યાં’ એમ બે સંગ્રહો આપ્યાનું યાદ છે. ગઝલ સભાનો ઍવોર્ડ પ્રાપ્ત થયો છે. ખુમારી, સામાજિક દૂષણો પ્રત્યેની વ્યથા, ચિંતા અને તેમાંથી પ્રકટતું ચિંતન મોટે ભાગે એમની ગઝલમાં દેખાયા કરે છે. થોડીક રચનાઓ માણીએ.
મને તો હૃદય પર ભરોસો છે પૂરો
તને હર વખત કેમ સંશય ગમે છે!
‘દિના’ ફૂલની નમ્રતાની છું ચાહક
મને જે ગમે છે તે સવિનય ગમે છે.
***
યાદ ટોળે વળે છે તો બને છે ગઝલ
દિલનો શણગાર છે એ, સજે છે ગઝલ
શબ્દનો અર્થ તું ભાવ, ભાષા ય તું
તું મળે છે તો તાજી મળે છે ગઝલ
***
ફૂલ કેવાં પરગજુ થઈ જાય છે
મ્હેકની સાથે રજૂ થઈ જાય છે.
તું જ મારી બંદગી ને તું ખુદા
જોઉં છું જયારે વજૂ થઇ જાય છે.
સુરત એટલે ગઝલની ભૂમિ, સુરતની. રંગીલી રોનકમાં ગઝલના પરવાન ચઢે છે. આ શહેરમાં દિવ્યા મોદી ગઝલ કહે છે. આમ ગણિત જેવા નીરસ વિષયમાં
સ્નાતક છે પણ ના તો ગઝલની રેશમી સુકુમારતા સાથે બાંધ્યો છે. આ વાતચીતની ભાષામાં ગઝલને બહેલાવે છે. થોડાક
શેર જોઇએ.
તારા ગયા પછીથી કેવું થયું ખબર છે?
સૂની બની હવેલી, સૂનું થયું નગર છે.
આ વૃક્ષને રડાવી ઊડી ગયા છે ટહુકા
પર્ણોની લીલી નસમાં પણ લોહીની ટશર છે.
***
તમારા એક સ્પર્શે કાળજે કૂંપળ નવી ફૂટી
અને હૈયુંય લીલુછમ કે મેં વરસાદ પીધો છે.
***
ડૂબતા આ સૂર્યને રોકો જરી
સાંજને વાતો હજી કરવી હતી
***
સતત એકલી હું બધામાં રહું છું
બધામાં તને શોધવામાં રહું છું.
***
અમેે ખોબલે ખોબલે આંસું પીધાં
અને સૌ કહે છે નશામાં રહું છું.
આવતા સપ્તાહે બીજી નવોદિત ગઝલકાર વિશે વાત આગળ વધારી શું.
(ક્રમશ:)