Sat Sep 12 2026

Logo

ગુજરાતમાં ચૈત્રમાં ચોમાસું: 18 જિલ્લામાં માવઠાની આગાહી, પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી

2026-04-05 07:57:00
Author: Devayat khatana
ગુજરાતમાં ચૈત્રમાં ચોમાસું: 18 જિલ્લામાં માવઠાની આગાહી, પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી

અમદાવાદ: ગુજરાતમાં ચૈત્ર મહિને પણ ચોમાસા જેવો માહોલ છે. રાજ્યના હવામાન વિભાગે આજે 18 જેટલા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન રાજ્યના અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે, તેની સીધી અસર મહત્તમ તાપમાન પર પણ જોવા મળી રહી છે. જો કે આ દરમિયાન રાજકોટ, અમદાવાદ સહિત અનેક શહેરોમાં તાપમાનનો પારો ઊંચો રહ્યો છે.  

છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટમાં 34.7 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 34.6 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 34.1 ડિગ્રી સેલ્સિયસ અમરેલીમાં 35.3 ડિગ્રી સેલ્સિયસ,વડોદરામાં 34.3 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 33.6 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 32.4 ડિગ્રી સેલ્સિયસ,  ભાવનગરમાં 31.4 ડિગ્રી સેલ્સિયસ તેમજ દાહોદમાં 30.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. 

હવામાન વિભાગની આગાહી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે 04 એપ્રિલથી 05 એપ્રિલની સવાર સુધીમાં ઉત્તર ગુજરાતના આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, બીજા અને ત્રીજા દિવસે હવામાન સૂકું રહ્યા બાદ ચોથા દિવસે એટલે કે 07 એપ્રિલથી ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.