અમદાવાદઃ ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાના અમલ માટે રચાયેલી જસ્ટિસ (નિવૃત્ત) રંજના પ્રકાશ દેસાઇની અધ્યક્ષતા હેઠળની સમિતિએ અહેવાલ સોંપ્યા બાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ યોજાયેલી કેબિનેટ બેઠકમાં તેનો સ્વીકાર કરાયો હતો. આ અહેવાલના આધારે ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026’ વિધેયકને મંજૂર કરી આગામી મંગળવારે વિધાનસભામાં સર્વગ્રાહી ચર્ચા માટે રજૂ કરાશે. જે બાદ UCC અમલી બનતાં મુસ્લિમ પુરુષો 4 પત્નિ નહીં રાખી શકે. આ ઉપરાંત બીજી અસર પણ થશે.
લીવ ઇન રિલેશન માટે હવે શું થશે
લગ્નની વિધિ, લગ્ન કરાર માટે સૂચિત કાયદામાં જોગવાઇ સૂચવાઇ છે. લીવ ઇન રિલેશનમાં રહેનાર પુખ્ત વયના સ્ત્રી, પુરુષે રિલેશનશીપમાં છે અથવા જોડાવાના છે તેવું લેખિતમાં નિયત રજિસ્ટ્રાર પાસે નોંધાવવાનું રહેશે. જ્યારે લગ્ન-કરાર સમયે પુરુષની 21 અને સ્ત્રીની ઉંમર 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તેમજ અમલમાં હોય તેવા કોઇપણ કાયદા હેઠળ લગ્ન પ્રતિબંધિત ન હોય તેવા કિસ્સામાં લગ્નવિધિ કે લગ્ન કરાર કરી શકશે. તેની નોંધણી કરાવવાની રહેશે. એક પુરુષ અને એક સ્ત્રી વચ્ચેના લગ્નવિધિ કે કરાર તેમની રૂઢીગત પ્રથાઓ, ધાર્મિક માન્યતાઓ, વિધિઓ, સંસ્કારો અને ધાર્મિક વિધિ મુજબ કરવા જોઇએ. જેમ કે સપ્તપદી, આશીર્વાદ, નિકાહ, પવિત્ર સંઘ, આનંદ કરજ, આર્ય સમાજી વૈદિક વિધિ, નિસ્સુઇન અને મંગળફેરા ઉપરાંતની વિધિ.
લગ્ન અને લગ્ન કરારની નોંધણી કરાવવાની રહેશે
ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ, 2006 હેઠળ અગાઉથી નોંધાયેલા હોય તે સિવાય, આ સંહિતા અમલમાં આવે તે પહેલાં જેમણે વિધિવત કરેલા લગ્નો અને લગ્ન કરારોની નોંધણી કરાવવાની રહેશે. આ માટે કોઇપણ એક પક્ષકાર લગ્ન સમયે રાજ્યનો રહેવાસી હોય તે તમામને આ લાગુ પડશે. આ જ રીતે રાજ્ય બહાર લગ્નવિધિ કે કરારથી જોડાનાર પણ નોંધણી કરાવી શકશે. કાયદો અમલમાં આવ્યા પછી કોર્ટ થકીથતાં છુટાછેટાની નોંધણી રજિસ્ટ્રાર પાસે કરાવી શકશે. રજિસ્ટ્રાર પક્ષકારોને સાંભળ્યા પછી જ છtટાછેટા માન્ય કરશે.
લવ જેહાદ પર નિયંત્રણ આવશે, છેતરપિંડીના કિસ્સામાં મહિલાઓને રક્ષણ મળશે
સમાજમાં અનેક વખત નામ અટક બદલીને છોકરીઓને ફસાવી લગ્ન કરવામાં આવતા હોય છે. આવા લગ્નોમાં છોકરીને માલુમ થાય કે તેને અન્ય સ્ત્રી સાથે પણ શારીરિક સંબંધો છે અથવા તો છેતરપિંડી કરીને લગ્ન કર્યા છે એવા કિસ્સાઓમાં છૂટાછેટા અને ભરણપોષણ માટે મહિલા હક્કદાર બનશે. ઘણી વખત મહિલાઓને ધાકધમકી, બળજબરી, જબરદસ્તીથી સંમતિ મેળવીને લગ્ન કરાયા હોય તેમાં પણ લગ્ન રદ થઇ શકશે. લગ્ન સમયે પત્ની પતિ સિવાયના પુરુષથી ગર્ભવતી થઇ હોય અથવા પતિએ લગ્ન સમયે પત્નિ સિવાયની કોઇ સ્ત્રીને ગર્ભવતી બનાવી હોય એવા કિસ્સા ઉપરાંત લગ્ન સમયે ઓળખ છુપાવી હોય તેવા કિસ્સામાં લગ્ન રદ બાતલ કરી શકાશે. આ જ રીતે લગ્નવિધિ કે કરારના કિસ્સામાં અરજદાર સિવાયની અન્ય વ્યક્તિ સાથે સ્વૈચ્છિક શારીરિક સંબંધો સ્થાપ્યા હોય, અરજદાર સાથે ક્રૂર વર્તન થયુ હોય, અરજદારને બે વર્ષ કરતાં ઓછા સમયમાં ત્યાગ કરી દીધોહોય તેવા કિસ્સામાં છૂટાછેડા મેળવી શકશે.
બારોબાર લગ્નવિચ્છેદ પર પ્રતિબંધ
લગ્નના કોઇપણ પક્ષકારના કોઇ રૂઢિ રિવાજ, પરંપરા, અંગત કાયદા અથવા તેનાથી વિરુદ્ધનો કોઇપણ અધિનિયમન હોય તેમ છતાં, આ સંહિતાના અમલ પહેલા અથવા પછી વિધિવત કે કરારથી કોઇપણ લગ્નનો કોઇપણ રીતે વિચ્છેદ કરી શકાશે નહીં. એ જ રીતે પુર્નલગ્ન કરવાના અધિકારમાં, છૂટાછેડા લીધેલા જીવનસાથી સાથે, પુન: લગ્ન પહેલાં ત્રીજા વ્યકિત સાથે લગ્ન કરવા જેવી કોઇ શરત વિના પુન: લગ્ન કરવાનો અધિકાર મળશે. લગ્ન રદ અથવા છૂટાછેડાના કિસ્સામાં આવા લગ્ન થકી થયેલું સંતાન કાયદેસરનું ગણાશે.