Sat Sep 05 2026

Logo

ગુજરાતમાં દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં સુરતમાં 79  દંપતીઓને રૂપિયા  41.75  લાખની સહાય ચૂકવાઈ

2026-03-17 19:23:11
Author: Chandrakant Kanoja
ગુજરાતમાં દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં સુરતમાં 79  દંપતીઓને રૂપિયા  41.75  લાખની સહાય ચૂકવાઈ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ગૃહમાં દિવ્યાંગ લગ્ન સહાય અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી ડૉ. મનીષા વકીલે મહત્વની વિગતો આપતા જણાવ્યું હતું કે, દિવ્યાંગ વ્યક્તિઓ સમાજમાં આત્મસન્માન સાથે જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેમાં છેલ્લા એક વર્ષમાં સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ કુલ 79અરજીઓ મંજૂર કરીને રૂ. 41.75 લાખની આર્થિક સહાય સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં DBT મારફતે જમા કરવામાં આવી છે. 

 લગ્ન કર્યાની તારીખથી 2 વર્ષની અંદર અરજી કરવી જરૂરી 

મંત્રીએ જણાવ્યું હતું કે દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા યોજનામાં મહત્વના વહીવટી અને આર્થિક સુધારા કરવામાં આવ્યા છે જેમાં જૂન 2025 થી સહાયની રકમ રૂ. 50 હજારથી વધારીને રૂ. 75 હજાર કરવામાં આવી છે. અરજી સાથે રજૂ કરવાના પુરાવાઓમાં બંનેનો સંયુક્ત ફોટો અથવા લગ્ન કંકોત્રીની જોગવાઈ રદ કરી પ્રક્રિયાને વધુ સરળ બનાવાઈ છે. આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે લગ્ન કર્યાની તારીખથી 2 વર્ષની અંદર અરજી કરવાની રહે છે.

21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા નાગરિકોને લાભ મળવાપાત્ર 

મંત્રીશ્રીએ કહ્યું કે આ યોજનાનો લાભ 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા નાગરિકો એટલે કે 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતાના કિસ્સામાં મળવાપાત્ર છે. જો પાત્રતા ધરાવતા બંને દિવ્યાંગ હોય તો યુગલને કુલ રૂ. 1.50 લાખ અને જો બે માંથી એક દિવ્યાંગ હોય તો રૂ. 75હજારની સહાય મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓ ઘરે બેઠા--  esamajkalyan.gujarat.gov.in...  પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકે છે અથવા ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર પરથી પણ અરજી કરી શકાય છે.