ગાંધીનગર : ગુજરાતમાં રાજ્યમાં રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને રાજ્ય સરકાર દ્વારા તે અંગે કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવાની લોકોને અપીલ કરવામાં આવી છે. ગેસ એન્જસીઓ તરફથી LPG સિલિન્ડરની યોગ્ય આપૂર્તિ સુનિશ્વિત કરવા માટે ચોક્કસ દેખરેખ રાખવામાં આવી રહી છે. તેમજ સરકારે કહ્યું કે નાગરિકોએ તેમના સિલિન્ડર માટે એજન્સીએ જઇને લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા નાગરિકોને તેમના ઘરે જ સરળતાથી સિલિન્ડર મળી રહે તે માટે ટેક્નોલોજીના ઉપયોગથી પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
બુકિંગ બાદ સરળતાથી સિલિન્ડરની હોમ ડિલીવરી થઇ જશે
તેમજ રાજ્યમાં LPG બુકિંગ અને રિફીલ માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નોંધાયેલા લાભાર્થીઓ વોટ્સએપ, મિસ્ડ કૉલ, SMS/IVR બુકિંગ, સ્માર્ટફોન એપ્લિકેશન અને કંપનીના સત્તાવાર પોર્ટલનો ઉપયોગ કરીને સરળતાથી બુકિંગ કરી શકે છે. IOCLના જણાવ્યા અનુસાર મોબાઇલ દ્વારા LPG બુકિંગ માટે નીચે મુજબની સુવિધાઓનો ઉપયોગ કરી શકાય છે. બુકિંગ બાદ સરળતાથી સિલિન્ડરની હોમ ડિલીવરી થઇ જશે.
LPG વિતરણની ચુસ્ત દેખરેખ માટે અધિકારીઓની નિમણૂક
રાજ્યની તમામ જાહેર ક્ષેત્રની તેમજ ખાનગી ગેસ એન્જસીઓમાં ચુસ્ત દેખરેખ અને મોનિટરિંગ માટે રેવન્યૂ તથા પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેમના દ્વારા એ સુનિશ્વિત કરવામાં આવી રહ્યું છે કે નાગરિકોને સમયસર LPG પુરવઠો મળે અને ગેરરીતિને અટકાવી શકાય.
LPG માટે રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-233-0222
રાજ્યમાં LPG અંગેના કોઈ પ્રશ્ન માટે નાગરિકોને રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-233-0222નો સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા એ સુનિશ્વિત કરવામાં આવી રહ્યું છે કે નાગરિકોને સત્તાવાર રીતે સચોટ માહિતી મળતી રહે.