Thu Jun 18 2026

Logo

“કોંગ્રેસ પાસે ઉમેદવારો નહોતા, અમે આપ્યા!”: ભાજપના ધારાસભ્યનો વીડિયો વાયરલ

2026-04-13 22:07:14
Author: Devayat Khatana
Article Image

જેતપુર: ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે. આ ચૂંટણી મેદાનને માર કરવા માટે ભાજપ સહિત તમામ રાજકીય પાર્ટીઓ ખૂબ જ મહેનત કરી રહી છે. ત્યારે આ દરમિયાન ભાજપના નેતાએ આપેલા નિવેદન પર ભારે રાજકીય ગરમાવો આવ્યો છે. આ નિવેદન ખુદ ભાજપના ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ આપ્યું છે. 

રાજકોટ જિલ્લાના જેતપુરમાં ભારતીય જનતા પાર્ટી-રાજકોટ જીલ્લા દ્વારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને યોજાયેલા “જનસેવા સંકલ્પ”કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં રાજકોટ જિલ્લાના ભાજપના અનેક મોટા નેતાઓ હાજર રહ્યા હતા.  આ  કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે. 

કાર્યક્રમમાં સંબોધન કરતા મહેન્દ્ર પાડલિયાએ કટાક્ષમાં જણાવ્યું હતું કે, “કોંગ્રેસ પાસે ચૂંટણી લડવા માટે પૂરતા ઉમેદવારો જ નહોતા, છેવટે અમે તેમને ઉમેદવારો પૂરા પાડ્યા છે.” ધારાસભ્યના આ નિવેદનથી સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓ જાગી છે અને વિપક્ષની નબળાઈ પર તેમણે સીધું નિશાન સાધ્યું છે.

વધુમાં તેમણે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, કોંગ્રેસમાં સ્થિતિ એટલી ખરાબ હતી કે કેટલાક ઉમેદવારોએ તો પક્ષના મેન્ડેટ પણ ફાડી નાખ્યા હતા. મહેન્દ્રભાઈ પાડલિયાના આ આક્ષેપો કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ નિવેદનને પગલે આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.