Mon Jul 27 2026

Logo

ખજૂરના સ્વાદ પર યુદ્ધનું ગ્રહણ: પર્શિયન ગલ્ફમાં ગુજરાતના ૧૫૦થી વધુ વહાણો અટકી પડતા રમઝાન પૂર્વે ભાવ વધારાની ભીતિ

2026-03-02 10:44:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ ઈરાન-ઈકાર યુદ્ધની અસર હેઠળ કચ્છના મહાબંદર કંડલા, મુંદ્રા બંદર અને માંડવી બંદરેથી ખાડી દેશો તરફ નીકળેલા માલવાહક જહાજો અને કચ્છ- સૌરાષ્ટ્રના પરંપરાગત દેશી વહાણો મધદરિયે અટવાયાં હોવાનું જાણવા મળી રહ્યું છે.  પર્શિયન ગલ્ફમાં યુદ્ધની જ્વાળાના કારણે ગુજરાતના ૧૫૦થી વધુ દેશી વહાણો મધદરિયે અટવાયા છે. રમઝાન પૂર્વે મોટો ફટકો લાગતા ખજૂરની આયાત ખોરવાઈ છે. જેના કારણે ખજૂરના ભાવમાં વધારાની ભીતિ છે.

કેટલાક વહાણોને દરિયામાં 'વેઈટિંગ'માં રહેવાની ફરજ 

મળતી વિગતો પ્રમાણે, માંડવી, સલાયા અને જામનગરથી ઈરાન ઉપરાંત અખાતી દેશોના દુબઈ, ઓમાન અને શારજાહ તરફ જતાં આશરે ૧૨૦ થી ૧૫૦ જેટલા દેશી વહાણો હાલ પર્શિયન ગલ્ફના બંદરો અને સલામત ખાડીઓમાં રોકી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ, કંડલા મહાબંદર અને મુંદરા બંદરેથી યુરોપ અને અખાતી દેશો તરફ જતાં અંદાજે ૨૦ થી ૨૫ કન્ટેનર જહાજોને  તેમનો રૂટ બદલવો પડ્યો છે, કેટલાંક વહાણોને પાછા વાળવામાં આવ્યાં છે તો કેટલાક વહાણોને દરિયામાં 'વેઈટિંગ'માં રહેવાની ફરજ પડી છે. જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે તો ગુજરાતના ખેત પેદાશોની નિકાસને ખુબ મોટું નુકસાન થવાનો ભય ઉભો થયો છે.

કચ્છ-સૌરાષ્ટ્રના સંખ્યાબંધ ક્રુ મેમ્બર્સના  પરિવારજનોમાં ચિંતાનો માહોલ

દેશી વહાણોમાં મોટાભાગે પશુ આહાર, શાકભાજી અને ફળો જેવી નાશવંત વસ્તુઓ હોય છે. જો વહાણો વધુ દિવસો અટવાયેલા રહે તો મધદરિયે માલ બગડી જવાની ભીતિ રહે છે. આ ઉપરાંત અટવાયેલાં આ વહાણો પર કચ્છ-સૌરાષ્ટ્રના સંખ્યાબંધ ક્રુ મેમ્બર્સના  પરિવારજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો  છે અને તે સ્વાભાવિક છે કે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં મિસાઈલ કે ડ્રોન હુમલાનું જોખમ સતત રહેતું હોય છે.

દરમ્યાન, પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે ઈરાન અને ઈરાકથી કચ્છ-ગુજરાતમાં આવતી ખજૂરના કન્ટેનરો અને દેશી વહાણો અટવાઈ પડતાં ગુજરાત-કચ્છની બજારોમાં રમઝાનના દિવસોમાં ખજૂરની અછત થવા પામી છે.  જો હોર્મુઝની ખાડી હજુ લાંબો સમય બંધ  રહે તો પરિસ્થિતિ વધુ બગડવાનો ભય ઉભો થયો છે. 

કચ્છી વહાણવટા એસોશિયેશનના એક પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, ગુજરાતના દરિયામાંથી હાલે પર્શિયન ગલ્ફ તરફ અટવાયેલા ભારતીય જહાજો અને વહાણોને નૌકા દળ દ્વારા સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવે તે જરૂરી બન્યું છે.

(ઉત્સવ વૈદ્ય)