Wed Jun 24 2026

Logo

ગુજરાતના યાત્રાધામો અને પ્રવાસન સ્થળોના વિકાસ માટે રૂપિયા 3.28 કરોડની મંજૂરી

2026-06-24 20:01:56
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર : ગુજરાતને વૈશ્વિક પ્રવાસન નકશા પર વધુ મજબૂત બનાવવા અને રાજ્યના પવિત્ર યાત્રાધામો ખાતે આવતા લાખો શ્રદ્ધાળુઓની સુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. જેમાં યાત્રાધામો અને પ્રવાસન સ્થળોના વિકાસ કાર્યો માટે રૂપિયા 3.28  કરોડથી વધુ રકમના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. 

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દરખાસ્તોને મંજૂરી આપી 

આ બેઠકમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોના સર્વાંગી વિકાસ માટે વિવિધ મહત્વની દરખાસ્તોને મંજૂરી આપી છે.પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને શ્રેષ્ઠત્તમ સુવિધાઓ મળી રહે તે હેતુથી આજે વિવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સ અને આસ્થાના કેન્દ્રોના વિકાસ કાર્યોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

સાપુતારાના સનરાઈઝ પોઈન્ટ જતા રસ્તા માટે ગ્રાન્ટ મંજૂર

વલસાડ જિલ્લાના કોસંબા ખાતેના શ્રી અક્ષરપુરષોત્તમ સ્વામીનારાયણ મંદિરમાં સુવિધાઓ ઉમેરવા માટે, ડાંગ જિલ્લાના સાપુતારા પ્રવાસન સ્થળે પ્રવાસીઓના આકર્ષણ સમાન સનરાઈઝ અને સનસેટ પોઈન્ટ પર જતા રસ્તા માટે ગ્રાન્ટ મંજૂર કરાઈ છે. તે ઉપરાંત રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સ્થિત શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે સોલર રૂફ ટોપ પ્રોજેક્ટ મંજૂર કરાયો છે. 

શ્રી મલ્લીનાથજી મહારાજ જૈન તીર્થ ખાતે યાત્રિકોની સુવિધા માટે પણ ખર્ચ મંજૂર 

જ્યારે અમદાવાદ જિલ્લાના ભોંયણી ખાતે આવેલા શ્રી મલ્લીનાથજી મહારાજ ઐતિહાસિક જૈન તીર્થ ખાતે યાત્રિકોની સુવિધા માટે પણ ખર્ચ મંજૂર કરાયો છે. વડોદરા જિલ્લાના શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિરના પૌરાણિક મંદિરના મુખ્ય જીણોદ્વાર, બોરવેલ, કોટા સ્ટોન ફ્લોરીંગ, સુશોભન દરવાજા અને ઇલેક્ટ્રીફીકેશન સહિતના વિવિધ વિકાસ કામો માટે પણ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.તેવી જ રીતે સુરતના અડાજણ ખાતે આવેલા શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સિવિલ તેમજ સોલારના વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે. 

યાત્રાધામ ક્ષેત્રને એક નવી ઊંચાઈ મળશે

નાયબ મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને આ તમામ મંજૂર થયેલા પ્રોજેક્ટ્સ સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી દિશા-નિર્દેશો આપ્યા છે. સરકારના આ નિર્ણયથી આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસન અને યાત્રાધામ ક્ષેત્રને એક નવી ઊંચાઈ મળશે.