Thu Apr 16 2026

Logo

ગુજરાતમાં ઔદ્યોગિક એકમો માટે ઘન વૈકલ્પિક ઇંધણ પરનું નિયંત્રણ ત્રણ મહિના માટે દૂર કરાયું

2026-04-07 20:09:22
Author: Chandrakant Kanoja
Article Image

અમદાવાદ : પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલિયમ ઉત્પાદનો તેમજ અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતા અને કિંમતો પર સતત નજર રાખવામાં આવી રહી છે.  આ દરમિયાન ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક કમિશનર  કે.સી. સંપતે જણાવ્યું કે, “ઔદ્યોગિક અને વાણિજ્યિક એકમો માટે ઘન વૈકલ્પિક ઇંધણ પરનું નિયંત્રણ ત્રણ મહિના માટે હટાવવામાં આવ્યું છે, જેથી ગેસ પુરવઠા પરનો દબાણ ઘટાડીને ઓપરેશનલ સુગમતા સુનિશ્ચિત કરી શકાય.

કેટલાક ઉદ્યોગો આંશિક રીતે પ્રભાવિત

તેઓએ આગળ કહ્યું કે, પશ્ચિમ એશિયાની પરિસ્થિતિની અસર હાલ રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્ર પર મર્યાદિત રહી છે અને મોટાભાગના ઉદ્યોગો નિયમિત રીતે કાર્યરત છે. જોકે કેટલાક ઉદ્યોગો આંશિક રીતે પ્રભાવિત થયા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર LNG અને LPG પુરવઠાના અસરકારક સંચાલન સાથે પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોને પૂરતું મહત્વ આપી રહી છે અને ઘરેલું LPG તથા PNG પુરવઠો અવિરત જળવાઈ રહે તે સર્વોચ્ચ પ્રાથમિકતા હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાતના ઉદ્યોગો પર પશ્ચિમ એશિયાના સંકટ વિશે વિગતવાર માહિતી નીચે મુજબ આપી છે.

1,212 ઉદ્યોગો બંધ થયા 

ગુજરાતમાં આશરે 4,11,73૩ ઉદ્યોગો નોંધાયેલા છે. તેમાંથી ટકાઉપણાના મુદ્દાના કારણે 1,212 ઉદ્યોગો બંધ થયા હોવાનું જાણવા મળ્યું છે, અને આશરે 28,517 ઉદ્યોગો આંશિક રીતે ઓછા કામકાજ સાથે કાર્યરત છે. મોરબીના ઉદ્યોગો ગેસ સપ્લાયને કારણે નહીં પરંતુ આર્થિક અડચણોને કારણે બંધ થયા છે.

કામદારોની છટણીના કોઈ મોટા બનાવો નોંધાયા નથી

જોકે, કામદારોની છટણીના કોઈ મોટા બનાવો નોંધાયા નથી. તેમજ આશરે 159 ઔદ્યોગિક સામુદાયિક રસોડા શરૂ કરવામાં આવ્યા છે, જેનાથી આશરે 50,000 ઔદ્યોગિક કામદારોને ફાયદો થયો છે.

આ ઉપરાંત  પ્રેસ બ્રિફિંગમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ  દિપેન ચૌહાણે જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયાના સંકટની શરૂઆતથી અત્યાર સુધી ગુજરાતમાં એકપણ CNG સ્ટેશન બંધ થયા નથી અને ગેસ પુરવઠો સતત જાળવવામાં આવ્યો છે.

દરરોજ અંદાજે 40 લાખ કિલો CNGનો વપરાશ 

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્યમાં દરરોજ અંદાજે 40 લાખ કિલો CNGનો વપરાશ થાય છે, જેના આધારે લગભગ 7.50 લાખ વાહનો સંચાલિત થાય છે. રાજ્યમાં ગેસનો જથ્થો પૂરતો ઉપલબ્ધ હોવાનું જણાવી તેમણે નાગરિકોને વહેલી તકે  PNG કનેક્શન લેવા અપીલ પણ કરી હતી.