અમદાવાદઃ ગુજરાતમાં શાળાપ્રવેશોત્સવના કાર્યક્રમો સહિત ઘણા કાર્યક્રમો થાય છે, જેનો આશય શિક્ષણનો વ્યાપ વધારવાનો છે. ત્યારે તાજેતરના રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વે (નેશનલ ફેમિલી હેલ્થ સર્વે) માં કંઈક અલગ જ ચિત્ર ઉપસી આવ્યું છે. અહેવાલોમાં જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પ્રિ-સ્કૂલમાં ભણતા બાળકોની સંખ્યામાં અગાઉના સર્વેની તુલનામાં ઘટાડો થયો છે, જેના કારણે નિષ્ણાતોમાં ઔપચારિક શાળાકીય શિક્ષણ મામલે ચર્ચા જાગી છે.
અહેવાલો અનુસાર સર્વેક્ષણ સમયગાળા દરમિયાન ગુજરાતમાં 2 થી 4 વર્ષની વયના ફક્ત 49.1% બાળકો પ્રિ-સ્કૂલમાં ગયા હતા. અગાઉના સર્વેક્ષણમાં, આ આંકડો 55.1% હતો. આ છેલ્લા કેટલાક વર્ષોમાં છ ટકાનો ઘટાડો દર્શાવે છે.
છેલ્લા અમુક સમયથી પ્રિ-સ્કૂલ એજ્યુકેશનને વધારે ગંભીરતાથી લેવામાં આવ્યું છે. પ્રિ-સ્કૂલ અને આંગણવાડીઓ બાળકોને પ્રાથમિક શાળામાં પ્રવેશતા પહેલા ભાષા, સંદેશાવ્યવહાર અને તેની સાથે શિખવાની સ્કિલ વિકસાવે તે માટે છે.
શિક્ષણ નિષ્ણાતો કહે છે કે જે બાળકો પ્રિ-સ્કૂલ ચૂકી જાય છે તેમને પછીથી ક્લાસમાં શિક્ષણ સાથે અનુકૂલન સાધવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વહેલુ શિક્ષણ, વાંચન ક્ષમતા, બૌદ્ધિક વિકાસ અને સામાજિક આદાન-પ્રદાનમાં પણ મદદ કરે છે. આ ઘટાડો ખાસ કરીને નોંધપાત્ર છે, કારણ કે ગુજરાતમાં મોટાભાગના શિક્ષણ અને આરોગ્ય સંબંધિત અન્ય માપદંડોમાં સ્થિરતા અથવા સુધારો દેખાઈ રહ્યો છે.
આ અંગે મહિલા અને બાળ વિકાસ વિભાગના સૂત્રોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે પ્રિ-સ્કૂલ એડમિશનમાં ઘટાડો ઘણા કારણોને આભારી છે. જેમાં કોરાનાની મહામારીની લાંબી ચાલી રહેલી અસર, સ્થળાંતર, આર્થિક ભીંસ જવાબદાર હોઈ શકે. આ સાથે બાળકોને નાની ઉમરે સ્કૂલમાં ન મૂકવાની માનસિકતા પણ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
અગાઉ સરકારી સ્કૂલોમાં ઓછી સંખ્યા અને તેના લીધે અમુક સ્કૂલો બંધ થવાના અહેવાલો આવ્યા હતા. આ સાથે ડ્રોપ આઉટ રેશિયો પણ ચિંતાનો વિષય છે. તેની સાથે આ નવો અહેવાલ ચર્ચા માગી લે તેવો છે.