ભરત ભારદ્વાજ
અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતીથી નારાજ ઈઝરાયલે લેબેનોન પર હુમલાનાં છમકલાં ચાલુ રાખ્યાં છે ત્યારે અમેરિકાએ ઈરાન સાથે શાંતિ સ્થાપવાની પોતાની ઈચ્છા મજબૂત હોવાનો સંકેત આપતાં ઇરાનને આગામી 60 દિવસ સુધી કોઈપણ દેશને તેનું ક્રૂડ ઓઇલ વેચવા માટે છૂટ આપી છે.
અમેરિકા-ઇરાન વચ્ચે સ્વિટ્ઝરલેન્ડમાં થયેલી મંત્રણામાં ઈરાને કોઈ પણ સંજોગોમાં હોર્મુઝ સ્ટ્રેઈટ ખુલ્લી રાખવાની ખાતરી આપતાં સામે અમેરિકાએ પણ ઉદારતા બતાવીને ક્રૂડ વેચવાની છૂટ આપી દીધી. અમેરિકાએ 60 દિવસ માટે એટલે કે 21 ઓગસ્ટ સુધી ઈરાનને ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના ઉત્પાદન, વેચાણ, ડિલિવરી અને આયાત માટે છૂટ આપી છે.
ઈરાન સાથેની વાટાઘાટો સારી ચાલે ને અમેરિકા તથા ઈરાન વચ્ચે ઈરાનના પરમાણુ કાર્યક્રમ મુદ્દે કોઈ સમજૂતી થાય તો આ છૂટ કાયમી પણ થઈ શકે છે. અત્યાર લગી અક્કડ રહેલું ઈરાન આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોને પોતાનાં પરમાણુ મથકોની ચકાસણી કરવા દેવા પણ તૈયાર થયું છે. પરમાણુ નીરિક્ષકો ક્યારે ઇરાન જશે તેનો ફેંસલો પણ એકાદ-બે દિવસમાં થઈ જશે કેમ કે ઈરાનની પરમાણુ નિરીક્ષકો સાથે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
અમેરિકાએ આપેલી 60 દિવસની છૂટના સમયગાળામાં પરમાણુ નિરીક્ષકો ઈરાનનાં પરમાણુ મથકોમાં જઈને ઈરાન પરમાણુ બોમ્બ નથી બનાવી રહ્યું તેની ખાતરી કરી લે અમેરિકાને રિપોર્ટ આપે તો 60 દિવસમાં બને દેશો વચ્ચે સમજૂતી થઈ જશે કેમ કે ઈરાન પરમાણુ શસ્ત્રો નહીં બનાવવા માટે સંમત થઈ જ ગયું છે. માનો કે 60 દિવસમાં પરમાણુ મથકોના ઈન્સ્પેક્શનનો કાર્યક્રમ ના પતે ને કોઈ સમજૂતી ના થાય પણ વાટાઘાટો હકારાત્મક દિશામાં આગળ વધે તો અમેરિકા 60 દિવસની છૂટને બીજા 60 દિવસ કે 6 મહિના માટે પણ લંબાવી શકે છે એ જોતાં આખી દુનિયા માટે આ બહુ મોટા સમાચાર છે.
ઈરાન પાસે લગભગ 210 અબજ બેરલ ક્રૂડ ઓઈલના ભંડાર છે. ઈરાન કરતાં વધારે ક્રૂડ ઓઈલના ભંડાર માત્ર વેનેઝુએલા અને સાઉદી અરેબિયા પાસે છે અને ઈરાન વિશ્વમાં ત્રીજા ક્રમે છે. વિશ્વમાં ક્રૂડ ઓઈલના કુલ ભંડારના આશરે 12 ટકા અને મિડલ ઈસ્ટમાં ક્રૂડ ઓઈલના કુલ ભંડારના 24 ટકા હિસ્સો ઈરાન પાસે છે. અત્યાર સુધી અમેરિકાના પ્રતિબંધોના કારણે ઈરાન ક્રૂડ ઓઈલ વૈશ્વિક બજારમાં વેચી નહોતું શકતું. હવે અમેરિકાએ છૂટ આપી છે એટલે ઈરાન દબાવીને ઉત્પાદન શરૂ કરશે ને શક્ય એટલો માલ વધારે વેચીને રોકડી કરશે કે જેથી યુદ્ધનો ખર્ચો પણ કાઢી લેવાય અને ભવિષ્ય માટે બચત પણ કરી શકાય.
ઈરાન વરસોના પ્રતિબંધના કારણે વેઠેલું નુકસાન સરભર કરવાની આ તક છે તેથી ઈરાન પાછું વળીને જોવાનું નથી. ઈરાન કોઈ પણ સંજોગોમાં હોર્મુઝ સ્ટ્રેઈટ બંધ નહીં કરવા માટે પણ તૈયાર છે તેથી બીજા દેશોમાંથી આવતાં ક્રુડ ઓઈલનાં જહાજ પણ નિર્વિઘ્ને આવન-જાવન કરી શકશે તેથી હવે પછી ક્રુડ ઓઈલનો પુરવઠો નહીં અવરોધાય. તેની અસર ક્રૂડ ઓઈલના ભાવ પર પડશે અને ભાવ ઘટશે તેથી દુનિયા માટે આ નિર્ણય સારો સાબિત થશે.
અમેરિકાનો આ નિર્ણય ભારત માટે સૌથી વધારે ફાયદાકારક છે કેમ કે ઈરાન ભારતની એકદમ નજીક છે. તેના કારણે વૈશ્વિક ભાવે મળે તો પણ ઈરાનનું ક્રૂડ ઓઈલ ભારતને સસ્તું પડે કેમ કે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો બચી જાય. અંતર નજીક હોવાના કારણે સમય પણ ઓછો લાગે તેથી ભારતને બહુ મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ કે પેટ્રોલિયમ ઉત્પાદનોનો સંગ્રહ ના કરવો પડે.
ભૂતકાળમાં તો ઈરાનને ભારત ભારતીય રૂપિયામાં ચૂકવણી કરતું હતું ને ભારત પાસેથી બીજી ચીજો પણ લેતું હતું તેથી ભારત માટે બહુ ફાયદાનો સોદો હતો. ઈરાન પર એ વખતે પ્રતિબંધો હતા તેથી ઈરાન મર્યાદિત પ્રમાણમાં ક્રૂડ ઓઈલ વેચી શકતું હતું. તેમાં ભારત જેવો મોટો ગ્રાહક મળે તો બીજી કડાકૂટમાં ના પડવું પડે એટસે ઈરાને ભારતને બહુ બધી છૂટછાટો આપેલી. ભારત અને ઈરાનના સંબંધો પણ બહુ સારા હતા તેથી પણ ઈરાન ભારત પર મહેરબાન હતું.
અત્યારે ભારતના ઈરાન સાથે એટલા સારા સંબંધ નથી ને ઈરાન પાસે ક્રૂડ વેચવા માટે આખી દુનિયાના દેશો છે એ જોતાં ભારતીય રૂપિયામાં ચૂકવણી કે ક્રૂડના બદલામાં અનાજ સહિતની ચીજો લેવા માટે ઈરાન તૈયાર ના થાય પણ કમ સે કમ ટ્રાન્સપોર્ટેશન અને ઈન્સ્યોરન્સનો ખર્ચ ઓછો થાય તો પણ ભારત ફાયદામાં જ રહેશે. આ સંજોગોમાં ભારતે પ્રાર્થના કરવી જોઈએ કે, ઈરાન અને અમેરિકાની વાટાઘાટો સફળ થાય અને ઈરાન પરનો ક્રૂડ ઓઈલ પરનો પ્રતિબંધ કાયમ માટે હટી જાય.
ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતી થશે તો ઈરાન સાથે વ્યાપારનો રસ્તો પણ ખૂલી જશે. ભારત ઈરાનને સંખ્યાબંધ ચીજો આપી શકશે ને નિકાસમાંથી તગડી કમાણી પણ કરી શકશે. ઈરાનનાં ચાબહાર સહિતના બંદરોનો વહીવટ કરવા સહિતના કોન્ટ્રાક્ટ પણ ભારતને મળશે તેથી ભારત માટે આ સમજૂતી ફાયદાનો સોદો છે.
ભારતને સસ્તા ભાવે અને સરળતાથી ક્રૂડ મળ્યા કરે એ સૌથી મહત્વનું છે કેમ કે ભારત તેના વપરાશમાં રહેલા ક્રડ ઓઇલના લગભગ 85 ટકા આયાત કરે છે. આ આયાતના કારણે ભારતની મોટા ભાગની કમાણી ક્રૂડ ઓઈલમાં સમાણી છે. ક્રડ ઓઈલના ભાવ અત્યંત સંવેદનશીલ છે અને દુનિયામાં ક્યાંય પણ જરાક સરખો પણ ડખો થાય તો સૌથી પહેલી અસર ક્રૂડ ઓઈલના ભાવ પર પડે છે. તેના કારણે ભારતનું ક્રુડ ઓઈલનું બિલ વધી જાય છે.
ભારતનો રૂપિયો પણ અમેરિકાના ડોલર સામે ઘસાઈ રહ્યો છે તેથી રૂપિયો ગગડે તેમ તેમ આપણું ક્રૂડ ઓઈલ આયાતનું બિલ પણ વધે છે. આ બધી સમસ્યાઓનો એક માત્ર ઉકેલ ક્રૂડ ઓઈલના ભાવોમાં સ્થિરતા છે. ઈરાન-અમેરિકા સમજૂતી થાય તો આ સ્થિરતા આવે તેથી ભરાત માટે આ સમજૂતી ભવિષ્યની આશા પણ
અત્યારે ભારત રશિયા પાસેથી જંગી પ્રમાણમાં ક્રૂડ ખરીદે છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી, ભારત સસ્તા ભાવે મળતા રશિયન ક્રૂડ ઓઈલના સૌથી મોટા ખરીદદારોમાંના એક બન્યું છે.
ભારતની ક્રૂડ આયાતમાં લગભગ એક તૃતીયાંશથી 40 ટકા હિસ્સો હવે રશિયામાંથી આવે છે. આ સિવાય સાઉદી અરેબિયા, ઇરાક અને યુએઈ સહિત ગલ્ફ દેશો પણ ભારતને સારા એવા પ્રમાણમાં ક્રૂડ આપે છે પણ ઈરાન સૌથી સારો વિકલ્પ છે તેથી આ સમજૂતી કાયમી થાય તો સારું.