Tue Jun 23 2026

Logo

2,000 સબસ્ક્રાઈબરવાળા સિંગરનું ગીત 'ચાય કી ટપરી' સોશિયલ મીડિયા પર વાયરલ

2026-06-23 21:23:13
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: કોમેડિયન સમય રૈનાના લોકપ્રિય શૉ 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' (Season 2) ના પહેલા જ એપિસોડમાંથી 'ચાય કી ટપરી' (સાચું નામ: બલ્લુ હરામી) ગીત સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયું છે. સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારે શું વાયરલ થઈ જાય, તેનો અંદાજો લગાવવો ઘણો મુશ્કેલ છે. 
ક્યારેક કોઈ ડાયલોગ્સની ચર્ચા થતી હોય છે, તો ક્યારેક કોઈ ગીતની ધૂન લોકોના માથે ચડી જતી હોય છે. તાજેતરમાં એવું જ એક ગીત ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે, જેને લોકો 'ચાય કી ટપરી' સોન્ગના નામથી ઓળખે છે. 

અન્ય એક ખાસ બાબત છે કે આ ગીત કોઈ મોટા ફિલ્મી પ્રોજેક્ટનો ભાગ નથી, પણ એક કોમેડિયન અને યુટ્યુબર સમય રૈનાના શૉ 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' સીઝન બેમાંથી આવ્યું છે. અમુક જ દિવસોમાં આ ગીતે સોશિયલ મીડિયા પર એવી પકડ બનાવી લીધી કે ઇન્સ્ટાગ્રામ રીલ્સથી માંડીને યુટ્યુબ શોર્ટ્સ સુધી દરેક જગ્યાએ આ ગીતના સૂર ફેલાયેલા છે. 

પ્રખ્યાત સ્ટેન્ડ અપ કોમેડિયન સમય રૈનાનો શૉ 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ની બીજી સિઝન હાલમાં જ શરૂ થઈ છે. પ્રથમ એપિસોડમાં બોલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ ગેસ્ટ તરીકે આવ્યા હતા. 
બંને અભિનેત્રીઓ પોતાની આવનારી ફિલ્મ 'આલ્ફા'ને પ્રમોટ કરવા આવી હતી. આ શૉમાં કેટલાક મજેદાર પરફોર્મન્સ જોવા મળ્યા, પણ સૌથી વધારે ચર્ચાનું કેન્દ્ર એક ગીત બન્યું હતું. આ ગીત ઇન્ટરનેટ પર જોરશોરથી વાયરલ થઈને એક ટ્રેન્ડ બની ગયું હતું. 

કોણે ગાયું હતું આ ગીત ?

મોટા ભાગના લોકો આ ગીતને 'ચાય કી ટપરી' નામથી ઓળખે છે, પણ આ ગીતનું સાચું નામ 'બલ્લુ હરામી' કહેવામાં આવી રહ્યું છે. આ ગીતને રેપર યંગ એજેએ લખ્યું છે, પણ શૉમાં આ ગીતને બલરામ વિશ્વકર્મા ઉર્ફ રોકિંગ ગોલીએ પરફોર્મ કર્યું હતું. ગીતના શબ્દો અને ગીતની દેશી શૈલી લોકોને એટલી બધી પસંદ પડી કે જોતજોતામાં આ ગીતના હજારો વીડિયો સોશિયલ મીડિયા પર બનવા લાગ્યા હતા. 

આ રિએકશન પરથી ગીતની પોપ્યુલારિટી કેટલી હશે તેનો અંદાજ લગાવી શકાય છે. આ ગીતના ઘણા ભાગો મીમ્સ, રીલ્સ અને ફેન એડિટ્સમાં ઉપયોગ કરવામાં આવે છે. આટલું જ નહીં પણ શૉમાં હાજર રહેલા આલિયા ભટ્ટ અને શર્વરી જેવા દિગ્ગ્જ કલાકારો પણ આ ગીતની ધૂન પર થિરકતા જોવા મળ્યા હતા. જેના લીધે આ ગીતની ચર્ચાઓએ વધારે વેગ પકડ્યો હતો. 

ઇન્ટરનેટ ટ્રેન્ડ બની ગયું  

ટપરી ગીતના સિંગર યંગ એજેના યુટ્યુબ પર 2 હજારથી વધારે સબસ્ક્રાઈબર છે. જો કે તેમના ચેનલ પર 50થી ઓછા વિડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના ફોલોઅર્સ પણ ઓછા છે. પરંતુ આ ગીતના લીધે થોડા જ સમયમાં તેઓ લોકોની ચર્ચાનું કેન્દ્ર બની ગયા હતા. યંગ એજેએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ઘણા વીડિયો શેર કર્યા છે, જેના પર લોકોએ રીલ્સ પણ બનાવી છે. હવે 'ચાય કી ટપરી' ફક્ત એક ગીત નહીં, પણ ઇન્ટરનેટ ટ્રેન્ડ બની ચૂક્યું છે. સોશિયલ મીડિયા પર તેની લોકપ્રિયતા પણ વધી રહી છે.