Sat May 16 2026

Logo

ગુજરાતમાં ચોમાસા પૂર્વે સરકારે તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી,  જિલ્લાઓમાં મોકડ્રિલ હાથ ધરાશે

2026-05-16 20:19:00
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર: ગુજરાતમાં આગામી ચોમાસામાં તકેદારી રાખવા  મહેસૂલ  સચિવ ડૉ.જયંતિ રવિએ સંબંધિત અધિકારીઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી  હતી. તેમણે જિલ્લાના વહીવટી અધિકારીઓને જણાવ્યું હતું કે કોઈપણ જાન કે માલ હાનિ ના થાય તે માટે  અગમચેતીના ભાગરૂપે અત્યારથી જ જિલ્લા કક્ષાએ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવી પડશે. 

મામલતદાર તેમજ DPO સાથે સંવાદ

ડૉ. જયંતિ રવિએ મામલતદાર તેમજ DPO સાથે સંવાદ કરતાં કહ્યું હતું કે, જિલ્લામાં ચોમાસાને ધ્યાનમાં રાખીને આગામી 15 દિવસમાં સ્થાનિક વિષય જેવા કે હીટવેવ, પૂર વગેરે આપત્તિ સંબંધિત વિવિધ મોકડ્રિલ તાલુકા સ્તરે હાથ ધરવાની રહેશે. જેમાં દરિયા કિનારાના જિલ્લામાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિશેષ મોકડ્રિલ યોજવામાં આવે તે ખૂબ જરૂરી છે. આ ક્વાયતનું સોશિયલ અને વિવિધ મીડિયાના માધ્યમથી બહોળી પ્રચાર-પ્રસિદ્ધિ થાય તે પણ‌ જરૂરી છે જેથી નાગરિકોમાં વધુ જાગૃતિ લાવી શકાય.

આપદા મિત્રોને તાલીમ આપીને તૈયાર રાખવા તાકીદ 

આ ઉપરાંત ટ્રેનર દ્વારા ગ્રામીણ- શહેરી સ્તરે આપદા મિત્રોને તાલીમ આપીને તૈયાર કરવામાં આવશે.પ્રિ- મોન્સૂનના ભાગરૂપે દરેક ગામના આપદા મિત્રો સહિત અગત્યના ફોન નંબર સાથેની એક અદ્યતન ડિરેક્ટરી એક સપ્તાહમાં તૈયાર કરવી જેથી આપત્તિ સમયે તાત્કાલિક સંપર્ક અને બચાવ કામગીરી કરી શકાય. આ સિવાય NCC અને NSSના યુવાનોની વિગતો-સંપર્ક નંબર તૈયાર રાખવા જેથી જરૂર પડે વોલિન્ટિયર તરીકે તેમની મદદ લઈ શકાય.

નાગરિકોને આશરો આપી શકાય‌ તેવું આયોજન કરવું 

તેમજ જિલ્લા,મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા સ્તરે કંટ્રોલ રૂમ, બોટ, જનરેટર, હેમ‌ રેડિયો હોટલાઈન સેટ, સેટેલાઈટ ફોન, લેન્ડ લાઈન ફોન વગેરે સંબંધિત ઉપકરણો ચાલુ સ્થિતિમાં છે તેની રૂબરૂ ખરાઈ-ટેસ્ટિગ કરી લેવું જોઈએ, જેથી આપત્તિ સમયે તેનો ઉપયોગ કરી શકાય. આ સિવાય ભારે પૂરના સમયમાં જે તે ગામ-શહેરના શેલ્ટર હોમ, સરકારી પ્રાથમિક શાળા, ડેરી વગેરે ઇમારતોની પણ ખરાઈ કરી લેવી જેથી જરૂર પડે તો ત્યાં નાગરિકોને આશરો આપી શકાય‌ તેવું આયોજન કરવામાં આવે તે જરૂરી છે. 

જોખમી સ્થળો-જૂના ઘરનું  મેપિંગ કરીને પગલાં લેવા આદેશ 

ડૉ. રવિએ વધુમાં કહ્યું હતું કે, વિવિધ વિસ્તારોમાં આવતા કાંસ, નાળા, કેનાલ અને તળાવની યોગ્ય સફાઈ થાય તે પણ સુનિશ્ચિત કરવું જોઇએ. જે તે વિસ્તારમાં આવતા જોખમી સ્થળો-જૂના ઘરનું અત્યારથી જ યોગ્ય મેપિંગ કરીને પગલાં લેવા, જેથી મોટી દુર્ઘટના ટાળી શકાય. આ ઉપરાંત રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર સંદર્ભે જે જગ્યાઓ‌ ખાલી હોય તે પણ જલ્દીથી ભરવા ડૉ. રવિએ સંબંધિતોને તાકીદ કરી હતી. 

આપત્તિથી બચવા યોગ્ય એક્શન પ્લાન જરૂરી 

આ પ્રસંગે રાહત કમિશનર  રાજેશ માંજુએ જણાવ્યું હતું કે, આપત્તિથી બચવા યોગ્ય એક્શન પ્લાન જરૂરી છે જેથી જાનહાનિ ટાળી શકાય. આ એક્શન પ્લાનમાં પ્રિપેર્ડનેસ, રિસ્પોન્સ, રિકવરી અને મિટિંગ જરૂરી છે. ભૂતકાળના અનુભવોનું યોગ્ય દસ્તાવેજીકરણ કરીશું તો આવનાર આપત્તિથી બચી શકાય. જે તે જિલ્લામાં આવતા ડેમ, જળાશયો, કેનાલ તેમજ કાચા મકાનોની વર્તમાન સ્થિતિનો સર્વે કરી લેવો જોઈએ.    

ગાંધીનગર ખાતેથી ઓનલાઇન બેઠક યોજાઇ
     
રાજ્યમાં  ચોમાસાની પૂર્વ તૈયારી અને  સમીક્ષા માટે તમામ જિલ્લાના ડિઝાસ્ટર મામલતદાર તેમજ ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર-DPO સાથે આજે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિની અધ્યક્ષતામાં SEOC, ગાંધીનગર ખાતેથી ઓનલાઇન બેઠક યોજાઇ હતી.  આ બેઠકમાં રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ જેવી કે, IMD,  SDRF,NDRF,GSDMA,GIDM,UNISEF,એરફોર્સ અને સેના દ્વારા આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભે વિવિધ પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા.