Fri May 01 2026

Logo

ગુજરાતનું રાજકીય દાન: ₹309 કરોડમાંથી ₹308 કરોડ એકલા ભાજપના ફાળે, બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોનો દબદબો

2026-03-28 10:44:00
Author: MayurKumar Patel
Article Image

 

ગુજરાતના કુલ દાનમાંથી  ₹69 લાખ કોંગ્રેસને અને માત્ર ₹10 લાખ AAP ને મળ્યા

અમદાવાદઃ રાજકીય પક્ષોને ચૂંટણી ખર્ચ માટે ઇલેક્ટોરલ ટ્રસ્ટ થકી દાન આપવાની વ્યવસ્થા હેઠળ વર્ષ 2024-25 ના આંકડા જાહેર થયા છે. આ વિશ્લેષણ મુજબ, સમગ્ર દેશમાં રાજકીય પક્ષોને દાન આપવામાં ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્ર પછી ત્રીજા ક્રમે રહ્યું છે. 

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે ₹20,000 થી વધુના રાજકીય દાનના કરવામાં આવેલા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, દિલ્હી અને મહારાષ્ટ્ર પછી ₹309.2 કરોડ સાથે ગુજરાત દેશમાં ત્રીજું સૌથી મોટું દાતા રાજ્ય રહ્યું છે.

 81% કોર્પોરેટ દાતાઓ તરફથી મળ્યું અધધ કરોડનું રાજકીય દાન

કુલ દાનમાંથી ₹308.4 કરોડ ભાજપને, ₹69 લાખ કોંગ્રેસને અને ₹10 લાખ AAP ને મળ્યા હતા. અહેવાલ મુજબ, કુલ દાનમાં ₹250.4 કરોડ અથવા 81% કોર્પોરેટ દાતાઓ તરફથી અને ₹57.5 કરોડ અથવા 19% વ્યક્તિગત દાતાઓ તરફથી મળ્યા હતા. અન્યનો ફાળો નજીવો રહ્યો હતો.

કુલ દાનનો 12% હિસ્સો આઠ સંસ્થા-વ્યક્તિઓનો

રિપોર્ટ મુજબ, આઠ કોર્પોરેટ સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલા 12 દાનનો હિસ્સો ₹130 કરોડ એટલે કે કુલ દાનના 42% જેટલો થાય છે. કુલ દાનમાં ₹45 કરોડ સાથે સફલ ગોયલ રિયલ્ટી LLP મોખરે હતું, ત્યારબાદ સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ અને નિર્મા લિમિટેડ દ્વારા ₹10-10 કરોડ, અને હાર્દિક અગ્રવાલ તથા દિનેશચંદ્ર અગ્રવાલ દ્વારા ₹10-10 કરોડના બે દાન આપવામાં આવ્યા હતા. નડિયાદ સ્થિત 'શ્રી કેદાર એગ્રો ન્યુટ્રીટેક LLP' એ ₹5 કરોડના ત્રણ દાન આપ્યા હતા, જ્યારે એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અને હિમગિરી કોર્પોરેશન દ્વારા પણ ₹5 કરોડનું દાન આપવામાં આવ્યું હતું.

67 દાન ₹1 કરોડથી વધુના

સમગ્ર યાદી મુજબ, કુલ 67 દાન ₹1 કરોડથી વધુના હતા. જેમાંથી 45 દાન ₹1 કરોડ થી ₹2 કરોડની વચ્ચે હતા. 10 દાન ₹2.5 કરોડ થી ₹4.5 કરોડની વચ્ચે હતા. 12 દાન ₹5 કરોડ કે તેથી વધુ રકમના હતા. ADR વિશ્લેષણ મુજબ, મોટાભાગના દાતાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બિલ્ડિંગ અને કોન્ટ્રાક્ટ, તેમજ માઇનિંગ અને સિમેન્ટ કંપનીઓ સાથે સંકળાયેલા છે. 

રાજકીય પક્ષો દાનની રકમ સ્વીકારવામાં દાતાઓને ઈએમઆઈની માફક ઈન્સ્ટોલમેન્ટ પણ કરી આપે છે! ટોચના દસ દાતાઓ સહિત ઘણા દાતાઓએ ટુકડે ટુકડે રકમ જમા કરાવી છે. જેથી એક સાથે મોટી રકમ દેખાય નહીં. ઉલ્લેખનીય છે કે, જાહેર થયેલા આ આંકડા તો રેકોર્ડ પરના વ્યવહારોના છે. રોકડમાં કરાતા વ્યવહારો આ આંકડામાં સામેલ નથી.

ગુજરાતના ટોચના 10 દાતા

  • સફલ ગોયલ રિયાલિટી એલએલપીઃ ₹45 કરોડ
  • હાર્દિક અગ્રવાલઃ ₹20 કરોડ
  • દિનેશચંદ્ર અગ્રવાલઃ ₹20 કરોડ
  • કેદાર એગ્રો ન્યુટ્રિટેક એલએલપીઃ ₹15 કરોડ
  • નિરમા લિમિટેડઃ ₹13 કરોડ
  • સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડઃ ₹10 કરોડ
  • ફ્રેન્ડ્સ ઈમ્પેક્સઃ ₹10 કરોડ
  • એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિમિટેડઃ ₹5 કરોડ
  • હિમગિરિ કોર્પોરેશનઃ ₹5 કરોડ
  • આરતી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડઃ ₹4.5 કરોડ