અમદાવાદ: ગુજરાત પોલીસ ભરતીના ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/202324/1 અન્વયે બિન હથિયારી PSIની ભરતી માટેનું હંગામી પરિણામ (Provisional Result) રોજ જાહેર કરવામાં આવ્યું છે.
અગાઉ તા. ૦૫.૦૨.૨૦૨૬ થી ૧૦.૦૨.૨૦૨૬ દરમિયાન ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી, જેના આધારે હવે કામચલાઉ પસંદગી યાદી અને પ્રતિક્ષા યાદી બહાર પાડવામાં આવી છે. હાલમાં SC, ST અને SEBC ઉમેદવારોના જાતિ અંગેના પ્રમાણપત્રોની ચકાસણી સંબંધિત વિભાગો દ્વારા ચાલુ છે, જેના અંતિમ નિર્ણય બાદ જ આખરી પસંદગી યાદી જાહેર કરવામાં આવશે.

આ કામચલાઉ પસંદગી યાદીમાં જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે કટઓફ ૨૨૯.૭૫ અને મહિલા ઉમેદવારો માટે ૨૧૬.૨૫ રહ્યું છે. તેવી જ રીતે EWS માં પુરુષો માટે ૨૨૭.૭૫, SEBC માં ૨૨૫.૨૫, SC માં ૨૨૧.૭૫ અને ST કેટેગરીમાં ૨૦૬.૨૫ કટઓફ જાહેર કરાયું છે. જો મેરિટ તૈયાર કરતી વખતે બે ઉમેદવારોના ગુણ સમાન જણાયા હોય, તો વધુ ઉંમર ધરાવતા ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવી છે અને જો ઉંમર પણ સમાન હોય, તો વધુ ઊંચાઈ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

જે ઉમેદવારોને આ જાહેર થયેલી હંગામી યાદી કે ગુણ અંગે કોઈ પણ પ્રકારની રજૂઆત કે વાંધો હોય, તો તેઓ જરૂરી આધાર-પુરાવા સાથે રૂબરૂમાં ભરતી બોર્ડની કચેરી ગાંધીનગર ખાતે અરજી કરી શકે છે. આ રજૂઆત માટે તા. ૨૮.૦૨.૨૦૨૬ ના સાંજે ૧૭:૩૦ વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.