અમદાવાદ: ગુજરાતમાં હાલ પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી માટે શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે આ શારીરિક કસોટી દરમિયાન અનેક યુવાનોના મોત થયાના બનાવોએ વાલીઓમાં અને ભરતીની તૈયારી કરતાં ઉમેદવારોમાં ચિંતા જગાવી છે. જુવાનજોધ દીકરા-દીકરીના મોતથી પરિવારનો આધાર ભાંગી પડે છે તેવી ગંભીર પરિસ્થિતિ મુદે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ રાજ્ય સરકારને આકરી શારીરિક કસોટી મુદ્દે વેધક સવાલો કર્યા હતા.
આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે, હાલ ગુજરાત સરકારે જે પોલીસ ભરતી જાહેર કરી છે તેમાં 12 લાખથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.પરંતુ શારીરિક કસોટી એટલી હાર્ડ રાખી છે કે છેલ્લા 20 દિવસમાં માં જ નવ જેટલા આશાસ્પદ ઉમેદવારોના મોત નિપજ્યાં છે. પાંચ કિલોમીટરની દોડ 25 મિનિટમાં પૂર્ણ કરવાની હોવાથી ઉમેદવારો સ્ટ્રેસ લે છે અને તેના કારણે તેના મોત થયા છે. તેમણે કહ્યું હતું કે આ ઉમેદવારો ગરીબ પરિવારોમાંથી આવે છે. તેમણે સરકારને સવાલ કર્યો હતો કે આટલી વધુ પડતી હાર્ડ શારીરિક કસોટી કેમ રાખવામાં આવે છે?
🔹પોલીસ ભરતીની પ્રક્રિયા અઘરી ચોક્કસ હોવી જોઈએ પણ જીવલેણ નહીં.
— AAP Gujarat (@AAPGujarat) February 21, 2026
🔹પોલીસ ભરતી માટે દોડની પ્રેક્ટિસ કરતા છેલ્લા 20 દિવસમાં 9 આશાસ્પદ યુવાનો મૃત્યુ પામ્યા છે.
🔹હું સરકારને વિનંતી કરું છું કે આ વાત પર ધ્યાન દોરે અને યુવાનો માટે યોગ્ય સુવિધા પૂરી પાડે.
- @isudan_gadhvi pic.twitter.com/tq0bk5K10x
ઇસુદાન ગઢવીએ આગળ કહ્યું હતું કે જ્યાં યુવાનો દોડે છે, પ્રેક્ટિસ કરે છે ત્યાં એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થાઓ છે કે કેમ તેમજ યુવાનોની મેડિકલ તપાસ બાદ પ્રેક્ટિસ કરે તેવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ.તેમણે સરકાર પર આરોપ કર્યો હતો કે માત્ર મેરીટમાંથી કાઢી નાખવા માટે આટલી હાર્ડ શારીરિક કસોટી રાખો છો. તેમણે સરકારને અપીલ કરી હતી કે આ પદ્ધતિને એકવાર પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે, શું જરૂરી છે અને શું કાઢવા જેવુ છે તે બાબતે સરકારે વિચાર કરવો જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં 9 જેટલા આશાસ્પદ યુવાનોના ગુજરાત પોલીસ ભરતીની દોડ દરમિયાન મોત થયા છે. ગયા અઠવાડિયે જ બનાસકાંઠાના વડગામ તાલુકાના આશાસ્પદ યુવાન અનિલ ઠાકોરનું અમદાવાદના મેદાનમાં ઢળી પડતાં મોત થયું હતું. આ પૂર્વે ભરૂચમાં રવિરાજસિંહ જાડેજાનું 5 કિમીની દોડ પૂર્ણ કર્યા બાદ હાર્ટ એટેકથી મોત થયું હતું. તે ઉપરાંત ગોધરામાં જશપાલસિંહ રાઠવા, ગોંડલ માં નીતિન ચૌહાણ, રાજકોટમાં અંજુમ અજીતખાન પઠાણનું, ગોંડલમાં એક યુવક ખેરાલુમાં યોગેશ પરમાર અને જાફરાબાદમાં હર્ષ મકવાણાનું છાતીમાં સખત દુખાવા બાદ મોત થયું હતુ.