અમદાવાદઃ મિડલ ઈસ્ટ સંકટની અસર હવે ભારતના ફાર્મા ઉદ્યોગ પર પણ પડી રહી છે. LPGની અછતના અપૂરતા પુરવઠાના કારણે જીવનરક્ષક દવાઓ ખોરવાવાની ફાર્મા કંપનીઓને ભીતિ છે. ઈન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરવામાં આવી છે. કંપનીઓએ ગેસ સિલિન્ડરનો પુરવઠો નહીં મળે તો ઘણી હોસ્પિટોલમાં દવાનો પુરવઠો ખોરવાઈ જવાની શક્યતા વ્યક્ત કરી છે.
સૂત્રોએ જણાવ્યું કે, અનેક દવા ઉત્પાદકો ઔદ્યોગિક LPG સિલિન્ડરના અનિયમિત પુરવઠાનો સામનો કરી રહ્યા છે. આ સિલિન્ડર ઇન્જેક્ટેબલ દવાઓમાં વપરાતી એમ્પ્યુલ્સને સીલ કરવા માટે અત્યંત મહત્વના છે. કેટલીક કંપનીઓ પાસે હવે માત્ર થોડા જ દિવસો ચાલે તેટલો સ્ટોક બાકી રહ્યો છે.
કઈ દવાઓ પર થશે અસર?
જે દવાઓના ઉત્પાદનને અસર થઈ શકે છે તેનો ઉપયોગ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં મેલેરિયા, ફાલ્સીપેરમ, મેટાબોલિક એસિડોસિસ (શરીરમાં એસિડનું પ્રમાણ વધવું), અને ખાસ કરીને સર્જરી કે કીમોથેરાપી પછી થતી ઉબકા અને ઉલટીની સારવાર માટે વ્યાપકપણે કરવામાં આવે છે.
સૂત્રો અનુસાર નિયમિત ઉત્પાદન માટે ઉત્પાદકોને દર મહિને 19 કિલોના ઓછામાં ઓછા 10 ઔદ્યોગિક LPG સિલિન્ડરની જરૂર હોય છે. આ સિલિન્ડરનો ઉપયોગ ઓક્સિજન સાથે મળીને ઊંચું તાપમાન ધરાવતી ફ્લેમ પેદા કરવા માટે થાય છે, જે દવા ભર્યા પછી કાચની એમ્પ્યુલ્સને એરટાઈટ સીલ કરવા માટે જરૂરી છે. દવાની સ્ટીરીલટી અને ગુણવત્તા જાળવી રાખવા માટે આ પ્રક્રિયા અનિવાર્ય છે.
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, LPG સિલિન્ડરની ઉપલબ્ધતામાં લાંબા સમય સુધી વિક્ષેપ સીધો જ દવાઓના ઉત્પાદન પર અસર કરી શકે છે. જો LPG સિલિન્ડર નહીં મળે, તો શનિવારથી કેટલીક મહત્વપૂર્ણ દવાઓનું ઉત્પાદન બંધ કરવું પડશે. મહામારી દરમિયાન પણ મહત્વની દવાઓના ઉત્પાદકોને ઔદ્યોગિક ગેસના પુરવઠામાં પ્રાથમિકતા આપવામાં આવી હતી જેથી અછત ન સર્જાય. જીવનરક્ષક દવાઓની સપ્લાય ચેઈનને સુરક્ષિત રાખવા માટે અત્યારે પણ સમાન અભિગમની જરૂર છે.