Sun Apr 26 2026

Logo

શિક્ષિત શહેરીજનોએ રાજકીય પક્ષોને આપ્યો જાકારો!:  મહાનગરપાલિકાઓમાં ઓછું મતદાન

2026-04-26 20:54:31
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ ખાડાઓ વાળા રસ્તા, ચોમાસામાં સખત હાલાકી, પાયાની સુવિધાઓ અભાવ, ગટર વ્યવસ્થા, કચરાના નિકાલનો અભાવ, કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ગુજરાતના દરેક શહેરમાં એક સરખા જ છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા કે સુરતના ગમે તેટલા પૉશ વિસ્તારમાં તમે રહેતા હોવ અને તમારી પાસે મોંઘીદાટ ગાડી હોય, પરંતુ રસ્તા ક્યાં? શહેરોમાં પાંચ કિલોમીટરનો પણ એવો રસ્તો નહીં હોય કે જેમાં ખાડા ન હોય.

વરસાદના સમયમાં માત્ર 3થી 4 ઈંચ પાણી પડતા શહેરો આખા પાણી પાણી થઈ જાય. હજુ પણ સ્ટ્રીટલાઈટથી માંડી પાયાની સુવિધાઓ નથી. સખત ગીચતા, આડેધડ ગેરકાયદે બાંધકામ, શુદ્ધ હવા શુદ્ધ પાણીનો અભાવ, ટ્રાફિકની જટિલ સમસ્યા વચ્ચે ક્વૉલિટી લાઈફ માટે ઝૂંઝતા શહેરીજનો માત્ર મસમોટા ટેક્સ ભરી મહાનગરપાલિકાઓ અને રાજ્યની તિજોરીઓ ભરે છે, પરંતુ સામાન્ય જીવન માટે ઝૂરે છે. ગામડામાં સ્થિતિ કંઈ બહેતર નથી, પરંતુ પ્રમાણમાં ગ્રામ્ય જીવન થોડી ઓછી હાલાકીવાળુ હોય છે, જોકે ગામડાઓને કે નાના શહેરોને પોતાની સમસ્યા છે જ.

શહેરી મતદાર મોટેભાગે શિક્ષિત હોવાનું માનવામાં આવે છે અને તેની અપેક્ષાઓ પણ એ પ્રકારની જ હોય છે, પરંતુ ઊંચી અપેક્ષાને બદલે પાયાની સુવિધાઓ પણ ન મળતી હોવાથી શહેરજનો થાક્યા છે. બીજી બાજુ રાજકીય પક્ષો આ શિક્ષિત મતદારને રિઝવવા કંઈ જ કરી શક્યા નથી. એ જ જાતિ-ધર્મની વાતો, આ આપીશું અને આમ કરીશું જેવી મોટા સપના અને તેની સામે વાસ્તવિકતા સાવ જ અલગ અને વરવી. આ બધાનું પરિણામ એ આવ્યું છે કે મતદાર હવે દિશાશૂન્ય થઈ ગયો છે, નિરસ થઈ ગયો છે અને લગભગ આશા ખોઈ બેઠો છે.

આ જ કારણ હોઈ શકે કે રવિવારે યોજેલી 15 શહેરોની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં શહેરના મતદારો ઘરની બહાર નીકળ્યા નહીં અને મતદાન પ્રત્યે નિરસતા દાખવી. આંકડાઓ જોઈએ તો ગુજરાતની ૧૫ મહાનગરપાલિકાઓનામાં વાપી ૬૫.૬૮ ટકા મતદાન સાથે રાજ્યમાં મોખરે રહ્યું હતું. નવસારીમાં ૫૯.૬૮ ટકા, મોરબીમાં ૫૮.૭૫ ટકા અને નડીયાદમાં ૫૬.૫૦ ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે વડોદરામાં 47.1, સુરત ૫૨.૮૩ ટકા, જામનગર ૫૦.૦૨ ટકા, અમદાવાદ અને રાજકોટમાં અનુક્રમે ૪૫.૩૫ ટકા અને ૪૫.૨૧ ટકા મતદાન થયું હતું. સૌથી ઓછું મતદાન ગાંધીધામમાં ૩૯.૮૫ ટકા નોંધાયું હતું, જ્યારે પોરબંદરમાં ૪૧.૬૭ ટકા અને સુરેન્દ્રનગરમાં ૪૬.૮૭ ટકા મતદાન થયું  હતું. 

વડોદરા, અમદાવાદ,રાજકોટ, સુરત અને જામનગર જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં 50 ટકા કરતા પણ ઓછું મતદાન નોંધાયું છે. ચૂંટણી પહેલા આ શહેરોમાં ઘણા વિસ્તારોના રહેવાસીઓએ તેમને પાયાની સુવિધાઓ ન મળતી હોવાની ફરિયાદો કરી ઉમેદવારોને અણસાર આપી દીધો હતો કે તેઓ નારાજ છે. આમા ગરીબ અને મધ્યમવર્ગીય વિસ્તારો સાથે પૉશ વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.

શહેરોમાં મકાનોના ભાવ આસમાને ગયા છે. કરોડોનો ખર્ચ કરી ઘર લેતા રહેવાસીઓને પાણી, ગટર, મચ્છર, ગંદકી, રોડ-રસ્તાના અભાવ જેવી સમસ્યાઓ સામે ઝૂંઝવું પડે છે. આ મોટાભાગનો એ વર્ગ છે જે કરવેરા ભરે છે, સરકારની તિજોરીઓ પોતાની પરસેવાની કમાણીથી છલકાવે છે. તેઓ માળખાકીય સુવિધાઓ ઝંખે છે અને અન્ય પ્રલોભનોમાં ફસાતા નથી. બીજી બાજુ મધ્યમવર્ગીય પરિવારો મોંઘવારી, હાલાકી વચ્ચે રોજ પિસાય છે. શિક્ષણ, પરિવહન, રોજબરોજના ખર્ચે તેમનું જીવન દોઝખ કરી નાખ્યું છે. તેમને પણ હવે જીવનમાં પરિવર્તન આવશે તેવી આશા થોડી ઓછી જ હોય તેમ લાગી રહ્યું છે. 

ઓછા મતદાન માટે ગરમી પણ થોડી જવાબદાર કહી શકાય. શહેરોમાં લગભગ 42-44 આસપાસ ગરમી હતી. આ સાથે વેકેશન હોવાથી ઘણા લોકો પોતાના શહેરમાં ન હોય તેમ પણ બની શકે, પણ આનાથી 5-7 ટકાનો ફરક પડે તેમ માનીએ તો પણ મતદાન ઓછું જ થયું છે, તે વાત નકારી શકાય તેમ નથી. શિક્ષિત લોકોએ મોટી સંખ્યામાં મતદાન કરી દાખલો બેસાડવો જોઈએ, પરંતુ તેની જગ્યાએ ઓછું મતદાન થયું છે. 

ગુજરાતમાં વર્ષોથી ભાજપનું શાસન છે. કૉંગ્રેસે શહેરી વિસ્તારમાં જનસમર્થન લગભગ ખોઈ દીધું છે. નવી ઊભરેલી આમ આદમી પાર્ટી લોકોને મજબૂત પર્યાય લાગતો નથી. ત્રણેય પક્ષ શહેરીજનતાને મતદાન માટે બહાર ખેંચવામાં નાકામ રહી છે. મતદાનનો અંતિમ આંકડો થોડો આમતેમ હોઈ શકે, પરિણામ જે આવે તે, પરંતુ ઓછું મતદાન રાજકીય પક્ષ અને લોકશાહી માટે ચિંતા અને ચિંતનનો વિષય છે, તે વાત નક્કી છે.