Sun Apr 26 2026

Logo

ક્યાંક વિકાસના મુદ્દે 'વોટ બહિષ્કાર' તો ક્યાંક બોગસ મતદાનના આક્ષેપો

2026-04-26 20:45:44
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
 ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન રાજ્યના અનેક ગામોમાં વિકાસના કામોને મુદ્દે રોષ અને ચૂંટણી બહિષ્કારના દ્રશ્યો જોવા મળ્યા હતા. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના દૂથર ગામે ફુલસરથી દૂથર સુધીના ડામર રોડની માંગ સાથે ગ્રામજનોએ મતાધિકારનો ત્યાગ કર્યો હતો.

આ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ચૈતર વસાવા તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને અધિકારીઓ સાથે બેઠક યોજી લેખિત બાંહેધરી અપાવતા મતદાન પ્રક્રિયા પુનઃ શરૂ થઈ હતી. જોકે, દેવભૂમિ દ્વારકાના મેઘપર ટીટોડી ગામે પણ 'રોડ નહીં તો વોટ નહીં'ના નારા સાથે બહિષ્કાર કરાયો હતો. આ ઉપરાંત, સુરતમાં પાટીદાર સગીરાની છેડતીની ઘટનાના વિરોધમાં વિસનગરના બાજીપુરા ગામે પણ ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવી મતદાનનો બહિષ્કાર કર્યો હતો.

બીજી તરફ, અમદાવાદના ખાડિયા વિસ્તારમાં બપોર સુધી ઓછું મતદાન નોંધાતા રાજકીય નેતાઓની ચિંતામાં વધારો થયો હતો. ભાજપના નેતા ભૂષણ ભટ્ટે કાર્યકર્તાઓ સાથે શેરીએ શેરીએ ફરીને લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી. અમરેલી જિલ્લાની મોટા આંકડીયા બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામસામે આવી ગયા હતા. અહીં મતદાન મથક પર ભાજપનો ડુપ્લીકેટ મતદાન એજન્ટ બેઠો હોવાનો ગંભીર આક્ષેપ થતાં વાતાવરણ તંગ બન્યું હતું. 

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બોગસ મતદાનની ફરિયાદોએ પણ તંત્રની ઊંઘ ઉડાવી દીધી હતી. રાજકોટના વોર્ડ નંબર 4 માં શૈલેષભાઈ નામના મતદાર અને અમદાવાદના કુબેરનગરમાં રાહુલ ઠાકોરના નામે કોઈ અન્ય વ્યક્તિ મત આપી ગયા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા.

આવી જ રીતે અમરેલીના વોર્ડ નંબર 10 માં વિક્રમ સોલડીયાનો મત અગાઉથી જ કોઈએ આપી દેતા ચૂંટણી અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. આ ગેરરીતિઓ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, હારના ડરથી ભાજપના ઉમેદવારો પોલીસ અને વહીવટી અધિકારીઓની મદદ લઈને બોગસ વોટિંગ કરાવી રહ્યા છે.