Sun Apr 26 2026

Logo

હિલ્ટન હોટેલમાં ફાયરિંગ: ટ્રમ્પ સુરક્ષિત, 45 વર્ષ પહેલા આ જ સ્થળે પૂર્વ રાષ્ટ્રપતિ પર થયો હતો હુમલો

WASINTON DC   2026-04-26 19:30:40
Author: Vimal Prajapati
Article Image

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં આવેલી જાણીતી હિલ્ટન હોટેલમાં શનિવારે રાત્રે ભારે અફડાતફડી મચી ગઈ હતી. અહીં આયોજિત 'વ્હાઈટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર' દરમિયાન ગોળીબારની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાએ 45 વર્ષ પહેલા બનેલી એક ઘટનાની યાદો તાજી કરી લીધી છે.

આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ સહિતના અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. સદનસીબે, સુરક્ષા એજન્સીએ રાષ્ટ્રપતિ અને અન્ય અધિકારીઓને તાત્કાલિક સ્થળ પરથી સુરક્ષિત રીતે ખસેડ્યાં હતાં. પણ ટ્રમ્પની ઉપસ્થિતિમાં થયેલા ફાયરિંગની ઘટનાને 45 વર્ષ પૂર્વ પૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગન પર ફાયરિંગ થયું હતું જેનું પુનરાવર્તન આ હોટેલ પરિસર બન્યો છે.

45 વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન

આ ઘટનાને કારણે 45 વર્ષ પહેલાં બનેલી એક ઐતિહાસિક ઘટનાની યાદો તાજી થઈ ગઈ છે. વર્ષ 1981માં આજ હિલ્ટન હોટેલની બહાર તત્કાલિન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગન પર જીવલેણ હુમલો થયો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 1981માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગન જ્યારે હોટેલમાંથી બહાર નીકળી રહ્યાં હતા ત્યારે જોન હિંકલી જુનિયરે તેમના પર ગોળીબાર કર્યો હતો, જેમાં રાષ્ટ્રપતિ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. આજે ફરી 45 વર્ષ બાદ તે જ સ્થળે અમેરિકી રાષ્ટ્રપતિને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલે હવે અમેરિકી સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઊભા થયા છે.

કેવી રીતે બની આ ઘટના?

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાર્યક્રમમાં હાજર હતા, ત્યારે શંકાસ્પદ વ્યક્તિએ સિક્યુરિટી ચેકપોઈન્ટ પાસે હંગામો મચાવ્યો હતો. મેગ્નેટોમીટર સ્કેનિંગ દરમિયાન જ્યારે તેને અટકાવવામાં આવ્યો, ત્યારે તેણે ફાયરિંગ શરૂ કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરની ઓળખ 31 વર્ષીય કોલ થોમસ એલન તરીકે થઈ છે.

હુમલાખોરની પાસે શૉટગન, હેન્ડગન અને છરીઓ જેવા ઘાતક હથિયારો મળી આવ્યા હતા. હુમલાખોરે સિક્રેટ સર્વિસ એજન્ટ પર પણ ગોળીઓ ચલાવી હતી, પરંતુ એજન્ટ બુલેટપ્રૂફ જેકેટ પહેરેલા હોવાથી તેઓ સુરક્ષિત બચી ગયા હતા.

અમેરિકામાં સુરક્ષાને લઈને ચિંતા

આ ઘટનાએ સમગ્ર અમેરિકાને હચમચાવી દીધું હતું. વ્હાઈટ હાઉસ કોરસ્પોન્ડન્ટ્સ ડિનર જેવા અત્યંત સુરક્ષિત ગણાતા કાર્યક્રમમાં ગોળીબાર થવો એ સુરક્ષા વ્યવસ્થાની મોટી ખામી દર્શાવે છે. અત્યારે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને FBI સહિતની તપાસ એજન્સી આ મામલે સઘન તપાસ કરી રહી છે.

સદનસીબે આ ઘટનામાં રાષ્ટ્રપતિ કે કોઈ અન્ય વરિષ્ઠ અધિકારીને ઈજા પહોંચી નથી, પરંતુ આ ઘટનાએ અમેરિકી રાજકારણમાં ચર્ચાનો માહોલ સર્જી દીધો છે. જોકે, ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પ પર થયેલા ગોળીબારે સોશિયલ મીડિયા પર મોટી ચર્ચા ઊભી કરી છે.