અમદાવાદઃ લોકશાહીમાં મતદાન સૌથી મહત્વનું હોય છે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હજારો મતદારો મતદાન નહીં કરી શકે કારણ કે 724 બેઠક બિનહરિફ જાહેર કરવામાં આવી છે. બુધવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ બાદ બહાર આવેલા આંકડા અનુસાર 724 બેઠક પર અન્ય કોઈ પક્ષે ઉમેદવાર ઊભો ન કરતા જે તે પક્ષનો ઉમેદવાર બિનવિરોધી ચૂંટાઈ આવ્યો છે, જે તમામ ઉમેદવાર ભાજપના જ હોવાનો દાવો થઈ રહ્યો છે.
બુધવારે, ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના અંતિમ દિવસે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) ના 400 થી વધુ ઉમેદવારોએ ચાર કલાકના સમયગાળામાં તેમના ઉમેદવારી પત્રો પાછા ખેંચી લીધા હતા.
રાજ્ય ચૂંટણી પંચે મ્યુનિસિપલ કોર્પોરેશનો, નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની 9,992 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી હતી. જોકે, ચકાસણી અને ઉમેદવારીપત્રો પાછા ખેંચ્યા બાદ, અત્યાર સુધીમાં 724 બેઠકો પર ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. હવે બાકીની 9,237 બેઠકો માટે 26 એપ્રિલના રોજ મતદાન યોજાશે.
જેમાં તમામ બેઠક પર ભાજપના ઉમેદવાર ઊભા રહ્યા છે, પરંતુ કૉંગ્રેસ 8,443 બેઠક પર ઉમેદવાર ઊભા રાખી શકી છે. આમ આદમી પાર્ટી 5,261 બેઠક પર અને અન્ય પક્ષો કે અપક્ષ મળી 2,575 બેઠક પર ઉમેદવાર ઊભા રાખ્યા છે. હવે કુલ ૯,૨૩૭ બેઠક માટે ૨૫,૫૧૬ ઉમેદવાર મેદાનમાં ઉતરશે.
દરમિયાન 1000 કરતા ઓછી બેઠક પર ઉમેદવાર ન ઊભા રાખી શકવા માટે કૉંગ્રેસે ભાજપની તાનાશાહીને જવાબ ઠેરવી હતી. ભાજપે ડરાવી ધમકાવી કે લલચાવીને કૉંગ્રેસના ઉમેદવારો પાસેથી ફોર્મ પરત ખેંચાવ્યા હોવાના આક્ષેપો કૉંગ્રેસે કર્યા હતા. આ અંગે મુંબઈ સમાચારે કૉંગ્રેસના નેતાઓ સાથે વતચીત કરી હતી, જે આ ઓડિયો ક્લિપમાં સાંભળી શકાય છે.
આ ઉપરાંત મુંબઈ સમાચારે ભાજપ અને કૉંગ્રેસના ઘણા નેતાઓ સાથે વાત કરી તેમના નિવેદનો લીધા છે, તે માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ