Sat Aug 29 2026

Logo

મણિપુરમાં ફરી હિંસા ભડકી, બે વ્યક્તિઓની હત્યાથી સમગ્ર જિલ્લામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

2026-04-19 14:48:00
Author: Mumbai Samachar Team
મણિપુરમાં ફરી હિંસા ભડકી, બે વ્યક્તિઓની હત્યાથી સમગ્ર જિલ્લામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

ઉખરુલઃ મણિપુર રાજ્યના ઉખરુલ જિલ્લામાં થયેલા હુમલામાં બે વ્યક્તિઓની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યામાં એક વ્યક્તિ સૈન્યમાંથી નિવૃત થયેલા સૈન્યકર્મી હોવાનું જાણવા મળ્યું છે. મણિપુર રાજ્યમાં ફરી એકવાર હિંસા ભડકી ઊઠી છે. રાજ્ય સરકાર દ્વારા સુરક્ષાના દાવા પોકળ સાબિત થયા છે. કેટલીક શંકાસ્પદ દ્વારા આ હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. મણિપુરના મુખ્યમંત્રી વાઈ ખેમચંદસિંહે એલાન કર્યું છે કે, સમગ્ર મામલાની તપાસ NIAને સોંપવામાં આવશે.

માથામાં ગોળી વાગતા મૃત્યું
આ ઘટના બપોરના સમયે લિટાન પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં બની તી. મુખ્યમંત્રી ખેમચંદસિંહે એક દિવસ પહેલા જ તંગખુલ નાગા બહુલ નામના પહાડી વિસ્તારની મુલાકાતે આવ્યા હતા.કુકી અને નાગા એમ બન્ને સમુદાયના લોકો સાથે વાતચીત કરીને શાંતિ-સંવાદની અપીલ કરી હતી. હથિયારધારીઓએ ઈમ્ફાલથી ઉખરુલ જઈ રહેલા નાગરિકોના વાહનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.પોલીસના જણાવ્યા અનુસાર કારની આગળની સીટ પર બેઠેલા એક વ્યક્તિના માથામાં તો અન્ય એક વ્યક્તિને ગોળી વાગતા જ મૃત્યું નીપજ્યું હતું. તાશર ગામના સેવાનિવૃત સૈન્યકર્મી ચિનાઓશાંગ શોકવુંગના અને ખારાસોમ ગામના યારુઈગમ વાશુમ તરીકે એમ બે માણસોની ઓળખ થઈ છે. 

મામલાની તપાસ NIAને સોંપાશે
આ હુમલામાં નાગરિકોના વાહનોને પણ નુકસાન થયું છે. રાજ્યના મુખ્યમંત્રીએ તમામ સમુદાય શાંતિ જાળવે એવી અપીલ કરી છે. માહોલ ખરાબ કરવા માટે જે રીતે ઉશ્કેરણી થઈ રહી છે અને આવી ઉશ્કેરણીમાં જે પગલાં લેવામાં આવી રહ્યા છે એનો ભોગ ન બનવાની અપીલ કરી છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકતા કહ્યું હતું કે, બપોરના સમયે થયેલી ઘટનામાં આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરાયો એમાં બે નિર્દોષ નાગરિકોના મૃત્યું નીપજ્યા છે. આ ઘટનાની હું નિંદા કરૂ છું. આ મામલે તપાસ  NIAને સોંપવાનો નિર્ણય અમારી સરકારે લીધો છે. મૃત્યું પામેલા બન્ને વ્યક્તિઓના પરિવારજનોને યોગ્ય આર્થિક મદદ કરવાનું પણ વચન આપ્યું હતું. આ મામલે સૈન્યએ હથિયારધારી શખ્સોને પકડવા માટે અભિયાન શરૂ કરી દીધું છે. જે પરિવારમાં મૃત્યુ થયું છે એમના પ્રત્યે હું દુઃખ વ્યક્ત કરૂ છું એવું મુખ્યમંત્રીએ કહ્યું હતું.  

સુરક્ષા સંબંધિત બેઠક બોલાવાઈ
લિટન પોલીસ સ્ટેશનમાં પણ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ તરફથી પણ આ હુમલા પાછળના શખ્સોને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.આ ઘટના પછી મણિપુરમાં રાજ્ય સરકારે સુરક્ષા સંબંધી ખાસ બેઠક બોલાવી હતી. હુમલો કરનારાઓે પકડવા માટે સુરક્ષાકર્મીઓને સહયોગ કરવામાં આવે એવી લોકોને અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, નાગરિકોની સુરક્ષા માટે સરકાર તૈયાર છે આવી ઘટના બીજીવાર ન થાય એ માટે પણ સરકાર પૂરતા પ્રયાસ કરી રહી છે.