ભુજઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે, જેના પગલે કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આગામી ૨૬મી એપ્રિલે રાજ્યની ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતો માટે મતદાન યોજાનાર છે, જેની મતગણતરી ૨૮મી એપ્રિલે હાથ ધરાશે. ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની છે અને વહીવટી તંત્ર સજ્જ થયું છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી હરકતમાં આવેલા કચ્છ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલની અધ્યક્ષતામાં રિટર્નિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર માટે એક વિશેષ તાલીમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકને સંબોધતા જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, લોકશાહીના આ પર્વને સફળ બનાવવા તમામ વિભાગો વચ્ચે સુચારુ સંકલન અનિવાર્ય છે. તેમણે દરેક અધિકારીને સમયબદ્ધ અને જવાબદારીપૂર્વક ફરજ બજાવવા આદેશ આપતા આદર્શ આચારસંહિતાના ચુસ્ત પાલન પર ભાર મૂક્યો હતો.
આ તાલીમ દરમિયાન ઉમેદવારી પત્રો સ્વીકારવા, ચકાસણી અને પ્રતીક ફાળવણીની કાયદાકીય પ્રક્રિયા, ઈવીએમ મશીનોનું વ્યવસ્થાપન, કાર્યકારી સંચાલન અને તકનીકી પાસાઓ અંગે તજજ્ઞો દ્વારા નિદર્શન,માનવબળ, પરિવહન, ચૂંટણી સામગ્રીનું વિતરણ અને મતદાન મથકો પર પાયાની સુવિધાઓની ખાતરી તેમજ ચૂંટણી ખર્ચ મોનિટરિંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન અને કાયદો-વ્યવસ્થાની જાળવણી જેવા ચૂંટણી પ્રક્રિયાના પાયાના મુદ્દાઓ પર સઘન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ચૂંટણી પ્રક્રિયાને વધુ લોકભોગ્ય બનાવવા માટે 'સ્વીપ' કાર્યક્રમ હેઠળ મતદાતા જાગૃતિ અભિયાન વેગવંતુ બનાવવા ખાસ સૂચના અપાઈ હતી. આ ઉપરાંત, નાગરિકો માટે હેલ્પલાઈન અને સચોટ ફરિયાદ નિવારણ તંત્રને સક્રિય કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. દિવ્યાંગ મતદારો માટે વિશેષ સુવિધા અને પોલિંગ સ્ટાફની તાલીમ અંગે પણ નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અપાયું હતું.
આ બેઠકમાં જિલ્લાના તમામ રિટર્નિંગ ઓફિસરો, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરો અને વિવિધ સમિતિઓના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વરિષ્ઠ અધિકારીઓએ પાયાના સ્તરે કામ કરતા અધિકારીઓની મૂંઝવણોનું સ્થળ પર જ નિરાકરણ લાવી ચૂંટણી કામગીરીમાં કોઈ ક્ષતિ ન રહી જાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
(ઉત્સવ વૈદ્ય)