Mon Oct 05 2026

Logo

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપે 6642 થી વધુ બેઠક  જીતી, વિપક્ષોનો સફાયો

2026-04-28 19:55:48
Author: Chandrakant Kanoja
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપે 6642 થી વધુ બેઠક  જીતી, વિપક્ષોનો સફાયો

ગાંધીનગર: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026ના સાંજે 5 વાગ્યા સુધી મોટાભાગની બેઠકોના પરિણામ જાહેર થયા છે. જેમાં રાજ્યની કુલ 9980 બેઠકોમાંથી અત્યાર સુધીમાં 8696 બેઠકોના પરિણામો આવ્યા છે, જેમાં ભાજપે  6442 બેઠકો પર જીત મેળવી છે. તેમજ વિપક્ષોના સૂપડા સાફ કરી દીધા છે. જ્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ માત્ર 1603 બેઠકો જ મેળવી શકી છે. 

જીત પાછળ બુથ મેનેજમેન્ટ મહત્વનું

રાજ્યમાં ભાજપની  જીત પાછળ બુથ મેનેજમેન્ટ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. જેમાં  ભાજપના કાર્યકર્તાઓ પેજ સમિતિ દ્વારા દરેક ઘર સુધી પહોંચ્યા હતા. તેમજ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા. ભાજપે રાજ્યની 15 કોર્પોરેશન સત્તા જાળવી રાખી છે. 

કમલમ ખાતે જીતની ઉજવણી 

જોકે, આ જીત બાદ ભાજપે મુખ્ય કાર્યાલય કમલમ ખાતે જીતની શુભેચ્છાઓ કાર્યકર્તા તથા ઉમેદવારોને આપી હતી.ભાજપની જીત થતા ગાંધીનગર ખાતે આવેલા કમલમમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને હર્ષ સંઘવીએ ઉજવણી સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. 

પીએમ મોદીએ આભાર માન્યો

આ બેઠકમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આપણી ગુજરાતની પ્રજા નકારાત્મકતાને ક્યારેય સ્વીકારતી નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના વિઝન તથા સપનાઓને આગળ વધારવા માટે નાગરિકોએ મોટું સમર્થન જાહેર કરી દીધું છે. ભારતીય જનતા પાર્ટીએ પહેલા દિવસથી ટીમવર્ક કરીને જે પ્રવાસ કર્યો એનું આ સ્પષ્ટ અને સચોટ પરિણામ છે. 

ગુજરાતના પરિણામો અંગે વડા પ્રધાન મોદીએ પણ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, ગુજરાત અને ભાજપ વચ્ચેના સંબંધ હવે વધારે ગાઢ અને અખંડ બન્યા છે. રાજ્યભરમાં યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને મળેલા પ્રચંડ જનસમર્થન અને જનાદેશ બદલ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.