Thu Jun 18 2026

Logo

કેરી પ્રેમીઓ માટે માઠા સમાચાર, કેસર કેરીના ભાવમાં 20 ટકાનો વધારો

2026-03-28 12:24:00
Author: MayurKumar Patel
Article Image

 અમદાવાદઃ થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્રમાં ત્રાટકેલા તોફાની પવન અને મિની વાવાઝોડા સાથેના કમોસમી વરસાદે બાગાયતી ખેતીને પાયમાલ કરી દીધી હતી. જૂનાગઢ, તલાલા, કેશોદ, અમરેલીમાં કેરીનો મબલખ પાક થાય છે. કેરીની સિઝન શરૂ થવાની તૈયારીમાં જ છે ત્યાં ત્રાટકેલા કમોસમી વરસાદે ધરતીપુત્રોની હાલત કફોડી બનાવી હતી.  માવઠાના કારણે આંબા પર લાગેલી કાચી કેરી ખરી પડી હતી. હાલ રાજ્યમાં ઉના, ગીર સોમનાથ, તાલાલા અને વલસાડ સહિત મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળમાંથી આવતી કેસર કરીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. 

તલાલાના સ્થાનિક કેસર કેરી રૂ. 200 થી રૂ. 250 પ્રતિ કિલોના ભાવે મળી રહી છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ ભાવ ગત વર્ષની તુલનાએ 15 થી 20 ટકા વધારે છે. રત્નાગિરિની કેરીનો ભાવ રૂ. 300 થી રૂ. 400 પ્રતિ કિલો સુધી પહોંચી છે. ગુજરાતીઓમાં હાફૂસ કરતાં પણ કેસર કેરી પ્રત્યે વિશેષ લગાવ જોવા મળે છે. જેના કારણે માંગ વધુ રહેતી હોય છે.

વેપારીઓના કહેવા પ્રમાણે, શરૂઆતમાં આવક ઓછી હોવાથી ભાવ ઊંચા રહે છે પરંતુ આવનારા દિવસોમાં પુરવઠો વધતાં ભાવમાં રાહત મળવાની શક્યતા છે.

કેસર કેરી એપ્રિલમાં ખાવા મળશે

 સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં આંબાને મોર ફૂટવાનું શરૂ થાય છે અને લગભગ 40 દિવસમાં પ્રક્રિયા પૂરી થાય છે, પરંતુ આ વખતે નવેમ્બર મહિનામાં મોર આવ્યા ન હતા. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં થોડા થોડા મોર આવવાનું શરૂ થયું. ત્યારબાદ હવે ફરી ફેબ્રુઆરી મહિનામાં આંબાઓમાં મોર બેસવાનું શરૂ થયું છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં જે આંબામાં મોર આવ્યા છે તે ખાખડીઓ લખોટી કે ચણા સાઈઝની થઈ છે. મોર એટલે કે ફ્લાવરના ફર્ટિલાઈઝેશન બાદ લગભગ 120 દિવસની પ્રક્રિયા બાદ કેરી બજારમાં આવે છે તે જોતા એક ફાલ એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયા બાદ આવવાનો શરૂ થશે. જ્યારે જે મોર ફેબ્રુઆરીમાં આવ્યા છે તે કેરીનો ફાલ લગભગ મે મહિનાના અંતમાં કે જૂનના પહેલા અઠવાડિયામાં આવવાની શકયતા છે.