ગાંધીનગર: ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી પોસ્ટિંગની રાહ જોઈ રહેલા ભારતીય પોલીસ સર્વિસીસ (IPS)ના છ ઉચ્ચ અધિકારીને તાત્કાલિક અસરથી અલગ-અલગ વિભાગોમાં નિમણૂક કરવામાં આવી છે. પાટનગર ખાતેથી જાહેર કરાયેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ આ અધિકારીઓને આગામી હુકમ થાય નહીં ત્યાં સુધી નિર્દિષ્ટ કચેરીઓમાં ફરજ બજાવવા જણાવાયું છે. આ ફેરફારથી પોલીસ કમિશનર કચેરી અને વિવિધ ટેકનિકલ વિભાગોમાં કામગીરીને વેગ મળશે.
નવા આદેશ મુજબ 2011ની બેચના 5 DIG કક્ષાના અધિકારીને મહત્વના વિભાગોમાં જવાબદારી સોંપાઈ છે, જેમાં તરુણ દુગ્ગલને સીઆઈડી ક્રાઈમ, ચૈતન્ય માંડલિકને પોલીસ સુધારણા (Police Reforms) વિભાગ, રાજન શુશ્રાને ટેકનિકલ સર્વિસીસમાં નિમણૂક કરવામાં આવી છે. આ તમામ અધિકારીઓ ગાંધીનગર ખાતે કાર્યરત રહેશે. ઉપરોક્ત નિમણૂકો દ્વારા રાજ્ય સરકાર મહત્વના પડતર પ્રોજેક્ટ્સ અને સુરક્ષા વ્યવસ્થામાં અનુભવી અધિકારીઓના કૌશલ્યનો ઉપયોગ કરવા માંગે છે.
મહિલા અધિકારીઓમાં સુધા પાંડે (પોલીસ ટ્રેનિંગ વિભાગ) અને સુજાતા મઝુમદારને ગાંધીનગર ખાતે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસની કચેરીની જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યમાં પોલીસ તાલીમ અને શિસ્તને વધુ મજબૂત કરવા માટે આ નિમણૂકો મહત્વની માનવામાં આવે છે. આ ઉપરાંત, 2014ની બેચના એસપી (SP) કક્ષાના અધિકારી મયુર પાટીલને (એસપી) લો એન્ડ ઓર્ડરમાં એપોઈન્ટ કરી છે.
ગૃહ વિભાગના આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે તમામ છ અધિકારીઓએ પોતપોતાની સોંપાયેલી કચેરીઓમાં તાત્કાલિક હાજર થઈને વિભાગને જાણ કરવાની રહેશે. આ તમામ નિમણૂકો વચગાળાની વ્યવસ્થા તરીકે જોવામાં આવી રહી છે, જ્યાં સુધી આ અધિકારીઓને પૂર્ણકાલીન અને કાયમી પોસ્ટિંગ મળે નહીં ત્યાં સુધી તેઓ જે-તે વિભાગના વડાના માર્ગદર્શન હેઠળ કાર્યરત રહેશે. ગાંધીનગર પોલીસ ભવન ખાતે આ અધિકારીઓના જોડાવવાથી વહીવટી કામગીરીમાં ગતિ આવવાની શક્યતા છે.
હવે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે માર્ચ મહિનામાં પોલીસ બેડામાં ઘણા ફેરફાર થઈ શકે છે. હાલના તબક્કે ડીજીપી ડો. કે એલ એન રાવ જેલમાં છે, જ્યારે સીઆઈડી ક્રાઈમ એન્ડ રેલવેની જવાબદારી સંભાળી રહ્યા છે. આ બંને જવાબદારી પણ કદાચ અન્ય અધિકારીને સોંપી શકાય છે. ગુજરાતના ગૃહ વિભાગની જવાબદારી અત્યારે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી પાસે છે અને આગામી દિવસોમાં હજુ મોટા ફેરફાર થઈ શકે છે.